વાઝરમાન, યાકૉબ (Wasserman Jecob) (જ. 10 માર્ચ 1873, ફર્થ, બવેરિયા; અ. 1 જાન્યુઆરી 1934, આલ્તોઝી, ઑસ્ટ્રિયા) : જર્મન યહૂદી નવલકથાકાર. દૉસ્તૉયેવ્સ્કી અને ટૉમસ માન જેવા સાહિત્યકારોની પંક્તિમાં જેમની ગણના થઈ શકે તેવા સત્વશાળી સાક્ષર. 192030ના ગાળામાં જર્મન સાહિત્યની અનેક કૃતિઓ અનૂદિત થઈને વિશ્વસાહિત્યનો ભાગ બની; તેમાં વાઝરમાનની કૃતિઓ અગ્રસ્થાને રહેલી. વાઝરમાનનું બાળપણ પોતાની આત્મકથા ‘માય લાઇફ ઍઝ જર્મન ઍન્ડ જ્યૂ’માં તાદૃશ રીતે વર્ણવાયું છે. બાળપણમાં સહીસલામતી અને સુરક્ષાના અભાવ વચ્ચે દિવસો સંઘર્ષમાં પસાર થયા. 17 વર્ષની ઉંમરે એક ફૅક્ટરીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાઈ જવું પડ્યું. ત્યાં અનુભવેલ અમાનુષી વર્તન અને ત્રાસને લીધે જન્મેલ ધિક્કારની લાગણીને કારણે તેઓ વિદ્રોહી થઈ ગયા. યહૂદીઓની સ્વતંત્રતાના પ્રણેતા તરીકે તેમનું જાહેરજીવન પસાર થયું. માનવતાવાદ, શોષણનો વિરોધ, લશ્કરી શાસન તરફ કટુતા  એવા ભાવોથી તેમનું સર્જન સિંચાયું. જર્મની તરફ, તેની સંસ્કૃતિ તરફ ભારે પ્રેમ અને આદર છતાં ત્યાં જોવા મળેલ માનવીય ક્રૂરતાને કારણે તથા ત્યાંના શોષિત વર્ગ, લશ્કરી શાસન અને જ્યૂ-વિરોધી લાગણીઓને કારણે ભારોભાર તિરસ્કાર એમને થયેલો. આમ, પ્રેમ અને તિરસ્કારના પરસ્પર વિરોધી ભાવોથી તેમનું આગવું સાહિત્યજગત સર્જાયું હતું.

યાકૉબ વાઝરમાન

તે જમાનાના અગ્રણી સાહિત્યકારો હૉફમાનસ્થલ, શિનિશ્ર્લર સાથે તેમની દોસ્તી હતી. ‘ધ મોરિઝિયસ કેસ’ (1928) તથા પ્રસિદ્ધ થયેલ ‘ધ ડાર્ક પિલગ્રિમેઝ’ (1933) એમની શ્રેષ્ઠ નવલકથાઓ ગણાય છે. ‘ધ મોરિઝિયસ કેસ’ દૉસ્તૉયેવ્સ્કીની શૈલીમાં લખાયેલ એક અસરકારક અપરાધ-કથા છે. સત્ય અને ન્યાયની તલાશ અને સત્તા સામેના વિદ્રોહની આ કથા છે. ‘કેસ્પાર હાઉસર’ (1908) નવલકથામાં એક અણઘડ છોકરો કોઈ વ્યક્તિની કેદમાં યુવાનવયે પહોંચે ત્યાં સુધી યાતનામય જીવન પસાર કરે છે અને છેલ્લે તે ગોળીએ દેવાય છે તેનું આલેખન છે. માનવરચિત વ્યવસ્થાનો ભોગ બનેલ નિર્દોષ કિશોરની વેદનાની વાતની આડશમાં બુઝર્વા જગતની બિન-સંવેદનશીલતા ઉપર અહીં કુઠારાઘાત છે. તેમની કૃતિ ‘ધ વર્લ્ડ્ઝ ઇલ્યુઝન્સ’ (1920) તે જમાનાની અત્યંત જાણીતી કૃતિ ગણાય છે. તેમાં સાંપ્રત સમાજનું વર્ણન રંગદર્શી શૈલીમાં કરવામાં આવ્યું છે. તેનો નાયક એક ખ્રિસ્તી કરોડપતિનો પુત્ર છે. ધનથી જે ભોગવી શકાય તે બધું જ ભોગવી ચૂક્યા બાદ ધીરે ધીરે તે માનવતાની સેવા તરફ વળીને અંતે જનસમુદાયમાં અદૃશ્ય થઈ જાય છે. તેમની વાત દિલચસ્પ રીતે તેમાં વર્ણવાઈ છે. ‘ધ મોરિઝિયસ કેસ’ પછી લખાયેલ ‘એટઝેલ એન્ડરગાસ્ટ’ (1931) અને ‘જૉસેફ થર્ડ એક્ઝિસ્ટન્સ’ (1934) એ ત્રણેય કૃતિઓમાં માનવતાવાદ અને પ્રકૃતિપ્રેમનો પ્રભાવ વરતાય છે. આમાં આવતા નાયકો પ્રથમ વિશ્વયુદ્ધ પછીના યુવાનોમાં સત્તાએ સ્થાપેલ સત્યના વિરોધમાં પોતાની રીતે સત્ય શોધવાની જે વૃત્તિ જાગેલી તેનાં પ્રતીકો છે. માનવતાના પુરસ્કર્તા, આક્રોશથી અન્યાય અને દમનનો પ્રતિકાર કરનાર વિશ્વસાહિત્યના નવલકથાકારોમાં વાઝરમાન યાકૉબ પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

પંકજ સોની