વાજા વંશ : મારવાડના રાઠોડ સરદાર અજના બીજા પુત્ર વીંજોજીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સ્થાપેલ વંશ. એક અનુશ્રુતિ પ્રમાણે દ્વારકામાં અનંતદેવ ચાવડાનો દીકરો ભીખનસિંહ શાસન કરતો હતો, ત્યારે મારવાડના અજ નામના રાઠોડ સરદારે હેરોલ તથા ચાવડાઓના સંઘર્ષમાં હેરોલ રાજપૂતોને સહાય કરી. તેણે દ્વારકા પ્રદેશમાંથી ચાવડા સત્તાનો અંત આણ્યો. ત્યારબાદ હેરોલોને પણ અંકુશમાં લઈ તે પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી. એ અજના બે દીકરામાંનો વેરાવળજી દ્વારકામાં રહ્યો. તેના વંશજો ‘વાઢેલ’ કહેવાયા. તેના બીજા દીકરા વીંજોજીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં માધવપુર, માંગરોલ, સોમનાથ પાટણ, ઊના અને ઝાંઝમેર (જિ. ભાવનગર) સુધીનો પ્રદેશ કબજે કરી, પોતાની સત્તા સ્થાપી. તેના વંશજો ‘વાજા’ કહેવાયા.
શ્રીધરની ‘પાટણપ્રશસ્તિ’ (ઈ. સ. 1216) પ્રમાણે, તે સમયે પ્રભાસ-પાટણ તથા તેની આસપાસનો પ્રદેશ સોલંકી રાજા ભીમદેવ 2જાની સત્તા હેઠળ હતો. તેથી સોમનાથ પાટણના રક્ષક તરીકે આવેલા અધિકારી પાસેથી વીંજોજીને આ પ્રદેશ મળ્યો હશે. તેણે સાર્વભૌમ સત્તા નહિ, પરંતુ રાજ્યના અધિકારી તરીકેની સત્તા મેળવી હશે. તેનું અસ્તિત્વ અનુશ્રુતિથી વિશેષ જણાતું નથી.
આ વંશનો પ્રથમ પુરુષ નાનસિંહ હોવાનું વેરાવળના લેખ પરથી જણાય છે. તેનો પુત્ર છાડા હતો. નાનસિંહ ઈ. સ. 1280માં અવસાન પામ્યો પછી પ્રભાસપાટણમાં રાજશ્રી છાડાનું શાસન હતું. રાજશ્રી છાડા તથા ગંડશ્રી વીરભદ્રે પ્રભાસપાટણમાં વૈદ્યનાથનું મંદિર, કર્કેશ્વર તથા કર્કેશ્વરીદેવીનાં મંદિરો, એક મઠ, કિલ્લો અને ચંદ્રેશ્વરનું મંદિર બંધાવ્યાં હતાં. રાજશ્રી છાડા સોમનાથના રક્ષણ વાસ્તે અલપખાનના લશ્કર સામે લડતાં મરાયો હતો. પ્રભાસપાટણના ગૌરીકુંડના શિલાલેખના આધારે રાજશ્રી છાડાનો અનુગામી વાચ્છિગ હતો. વાચ્છિગ પછી કાન્હડદેવ ઈ. સ. 1278ના અરસામાં ગાદીએ બેઠો. તેના સમયમાં પંડિત વિજયાદિત્યના ઉપદેશથી કાન્હડદેવ, ગંડશ્રી બૃહસ્પતિએ આદ્યશક્તિ દુખાંતગૌરી તથા ત્રિપુરાસુંદરીનાં મંદિરોનો અને પુષ્કરતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
કાન્હડદેવના સમયમાં ગંડશ્રી ત્રિપુરાન્તક સોમનાથના સ્થાનપતિ હતા. તેમણે પાંચ શિવાલયો તથા પાંચ લિંગની પ્રતિષ્ઠાનો મહોત્સવ કર્યો હતો. તેમનું 1295 પહેલાં અવસાન થયું.
કાન્હડદેવ પછી વયજલદેવ રાજા થયો. તેણે બ્રાહ્મણોને મારીને ઊના-દેલવાડા કબજે કર્યાં એવી દંતકથા છે. વયજલ વાજો જૂનાગઢના રા’માંડલિક 1લાનો સમકાલીન હતો. વયજલે સૂત્રાપાડા ગામે સૂર્યમંદિરમાં મૂર્તિ કરાવ્યાનો ઈ. સ. 1301નો લેખ મળ્યો છે.
વયજલદેવના અવસાન બાદ તેનો પુત્ર મેઘરાજ (કે મૂઘરાજ) સત્તાધીશ બન્યો. તેના પછી પ્રભાસપાટણની ગાદીએ ભર્મ બેઠો. તેના સમયમાં પ્રાસાદ, વાવ, હિંગળાજ માતાની દેરી વગેરે બાંધકામો થયાંના લેખો મળ્યા છે. તેનો સમય શાંતિ અને આબાદીનો હશે. તેના પછી ઊના નજીકના ફૂલકા (જિ. જૂનાગઢ) ગામમાંથી મળેલા ઈ. સ. 1386ના પાળિયાના લેખમાં શવગણ(કે શિવગણ)નું રાજ્ય જણાવ્યું છે. તે શક્તિશાળી રાજવી હતો. તે અરસામાં ગુજરાતના સૂબા ઝફરખાને આક્રમણ કરી સોમનાથના મંદિરનો વિધ્વંસ કર્યો હતો. શિવગણ પછી તેનો પુત્ર બ્રહ્મદાસ ગાદીએ બેઠો. તે પછીના વાજા વંશના રાજાઓ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.
રામજીભાઈ ઠા. સાવલિયા