વાજપેયી, અવધ પ્રસાદ (જ. 4 મે 1925, કન્હીપુર, જિ. બારાબંકી, ઉત્તર પ્રદેશ) : હિંદી લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદી સાથે અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને સામાજિક સેવામાં તેઓ પરોવાયા છે.
તેમણે અત્યાર સુધીમાં 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દારા શિકોહ’ (1962) તેમની ઐતિહાસિક નવલકથા છે. ‘શરણ્ય શતક’ (1989) અને ‘ભાગવત ભૂષણ’ (1989) બંને દીર્ઘ કાવ્યસંગ્રહો છે; જ્યારે ‘રવીન્દ્ર સાહિત્ય કી પ્રદક્ષિણા’ (1957) તથા ‘નચિકેતા-રાસ તત્વનિરૂપણ’ (1994) બંને તેમના જાણીતા વિવેચનગ્રંથો છે. ‘ટાગોર ઔર નિરાલા’ (1965) તેમનો અભ્યાસગ્રંથ છે.
આવા પ્રકારના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1964માં ઉત્તર પ્રદેશ સરકારનો ઍવૉર્ડ; 1989માં ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન ઍવૉર્ડ તથા 1992માં ‘કાવ્યશ્રી’નો ખિતાબ આપવામાં આવેલા.
બળદેવભાઈ કનીજિયા