વાજદ, સિકંદરઅલી (જ. 1914 બિજાપુર; અ. 1983) : ઉર્દૂના કવિ તથા ન્યાયવિદ. પ્રારંભિક શિક્ષણ ઔરંગાબાદમાં. 1935માં ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી બી. એ.. 1937માં હૈદરાબાદ સિવિલ સર્વિસ માટે પસંદગી, 1956માં સેશન્સ જજ તરીકે નિમણૂક. 1964માં સ્વૈચ્છિક નિવૃત્તિ અને એ જ વર્ષે અંજુમન તરક્કી ઉર્દૂ(હિંદ)ની મહારાષ્ટ્ર શાખાના પ્રમુખ ચૂંટાયા. 1970માં ‘પદ્મશ્રી’નું સન્માન; 1972માં રાજ્ય સભામાં નિયુક્તિ. ઉર્દૂ, અરબી અને અંગ્રેજીની પ્રશંસનીય જાણકારી.
1930થી કાવ્યલેખનનો આરંભ. 193839માં સીતાપુર-નિવાસ દરમિયાન લખનૌના સાહિત્યવર્તુળમાં પુષ્કળ -ખ્યાતિ પામ્યા. તેમના 4 કાવ્યસંગ્રહો પ્રગટ થયા – ‘લહુ તરંગ’ (1944), ‘આફતાબે તાજા’ (1952), ‘ઔરંગે મુસવ્વીર’ (1963) અને ‘બિયાસે-મરિયમ’ (1974). ચોથા કાવ્યસંગ્રહ બદલ તેમને ઉત્તરપ્રદેશ ઉર્દૂ અકાદમીનો નામાંકિત પુરસ્કાર મળ્યો હતો. તેમના પ્રતિનિધિરૂપ કાવ્યોનો સંગ્રહ ‘ઇન્તિખાબે કલામે વાજદ’ અલીગઢ ખાતેથી 1952માં અંજુમન તરક્કી ઉર્દૂ તરફથી પ્રગટ કરાયો હતો.
તેમનાં કાવ્યોમાં પ્રણય અને જીવનનો કારુણ્યભાવ ઉપરાંત મર્મભેદકતા છે. તેમણે ચિત્રકલા, સંગીત તથા શિલ્પકલા જેવી લલિત-કલાઓની નાજુક ભાવછટાઓ પોતાની કલ્પકતાથી આલેખી બતાવી છે. તેમની સુખ્યાત કાવ્યકૃતિઓ ‘અજંતા’, ‘ઇલોરા’, ‘તાજમહલ’ તથા ‘કારવાને ઝિંદગી’માં કાવ્યવિષય તથા કાવ્યબાનીનો સુંદર સમન્વય છે.
મહેશ ચોકસી