વાચ્છા, દીનશા એદલજી (સર) (જ. 2 ઑગસ્ટ 1844, મુંબઈ; અ. 1936) : મહાન રાષ્ટ્રવાદી, જાહેર સેવક, કૉંગ્રેસના સ્થાપક-સભ્ય અને પ્રમુખ. દીનશાનો જન્મ મધ્યમવર્ગના પારસી પરિવારમાં થયો હતો. એયરટન સ્કૂલમાં અભ્યાસ કરીને તે 1858માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; અને ત્રણ વર્ષ બાદ, પિતાશ્રીના મુંબઈ અને એડનના વેપારમાં મદદ કરવા અભ્યાસ છોડી દીધો.
થોડા સમયમાં તેઓ જાહેર જીવનથી આકર્ષાયા. સમાજસુધારા, શિક્ષણ અને રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈને દેશનો રાજકીય વિકાસ કરવા માટે, દાદાભાઈ નવરોજી અને ફીરોજશાહ મહેતાના ગાઢ સંપર્કમાં રહીને તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું. મુંબઈ મ્યુનિસિપાલિટીના ચાલીસ વર્ષ સુધી તેઓ સભ્ય રહ્યા અને તેની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ ધરાવતા હતા. તેઓ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સ્થાપક-સભ્ય હતા અને 1901માં તેના પ્રમુખપદે ચૂંટાયા હતા. તેઓ બૉમ્બે પ્રેસિડેન્સી ઍસોસિયેશનના ત્રીસ વર્ષ (1885-1915) સુધી સેક્રેટરી હતા અને તે પછી તેના પ્રમુખ (1915-18) બન્યા હતા.
યુવાન-વયે તેમણે જાહેર નાણાં અને આર્થિક બાબતોની મજબૂત ઊંડી સમજ-પકડ બતાવી આપી હતી. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સરજનહાર તરીકે ફીરોજશાહ મહેતાની સમાન તેમનું સ્થાન હતું. એવી રીતે દેશની નાણાકીય બાબતોના સંરક્ષક અને રખેવાળ તરીકે ગોપાળકૃષ્ણ ગોખલેની સમાન તેઓ હતા. વિચારસરણીમાં તેઓ વિનીત (મવાળ) હતા, છતાં આર્થિક અને નાણાકીય નીતિ વિશેની તેમની તીક્ષ્ણ ટીકાઓ સરકારને મૂંઝવણમાં મૂકી દેતી હતી.
લંડનમાં વેલ્બી કમિશન સમક્ષ 1897માં તેમણે દેશના લોકોના અભિપ્રાયને યોગ્ય વાચા આપીને જણાવ્યું હતું કે ભારત સરકારની નાણાકીય મુશ્કેલીઓ લશ્કર અને વહીવટમાં થતા વધુ પડતા ખર્ચને કારણે ઊભી થઈ હતી. વિવિધ જાહેર સંસ્થાઓના મહત્વના હોદ્દા પર રહીને તેમણે ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી. તેમની જાહેર પ્રતિષ્ઠા એટલી ઊંચી હતી કે કોઈ હોદ્દો તેમને માટે વધારે મોટો ન હતો. પીપલ્સ ફ્રી રીડિંગ રૂમ ઍન્ડ લાઇબ્રેરીના અધ્યક્ષ અને ટ્રસ્ટી, ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ, ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચૅમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક, બૉમ્બે મિલ-ઓનર્સ ઍસોસિયેશનના સભ્ય, બૉમ્બે ઇમ્પિરિયલ ટ્રસ્ટના સભ્ય, સેન્ટ્રલ બૅન્ક ઑવ્ ઇન્ડિયાના ડિરેક્ટર, સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીના ડિરેક્ટર; મુંબઈની વિધાન પરિષદ (1915-16), ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ (1916-20) અને કાઉન્સિલ ઑવ્ સ્ટેટ્સ(1920)ના સભ્ય તરીકે તેમણે શ્રેષ્ઠ સેવાઓ આપી હતી. ઈ. સ. 1917માં તેમને ‘સર’નો ઇલકાબ આપવામાં આવ્યો હતો.
દીનશા ઘણું લખતા હતા. દેશની રાજકીય તથા આર્થિક બાબતો વિશે પ્રબુદ્ધ લોકમતનું નિર્માણ કરવા અને લોકોને શિક્ષણ આપવામાં તેઓ અગ્રણી હતા. ‘ઇન્ડિયન સ્પેક્ટેટર’, ‘ઍડ્વોકેટ ઑવ્ ઇન્ડિયા’, ‘બંગાળી’, ‘ઇન્ડિયન રિવ્યૂ’, ‘વેન્ઝડે રિવ્યૂ’, ‘ઑરિએન્ટલ રિવ્યૂ’, ‘કૈસરે-હિંદ’ અને ‘બૉમ્બે ક્રૉનિકલ’ અખબારો અને સામયિકોમાં તેઓ અભ્યાસપૂર્ણ લેખો લખતા હતા. સરકારના ઉચ્ચ હોદ્દા પર પરદેશીઓની નિમણૂકની તથા સરકારની આર્થિક નીતિની કડક શબ્દોમાં તેઓ આલોચના કરતા હતા.
તેમણે ‘ઇન્ડિયન રેલવે ફાઇનૅન્સ’, ‘ઇન્ડિયન મિલિટરી એક્સપેન્ડિચર’, ‘રાઇઝ ઍન્ડ ગ્રોથ ઑવ્ બૉમ્બે મ્યુનિસિપલ ગવર્નમેન્ટ’, ‘ઍગ્રિકલ્ચરલ બૅન્ક્સ ઇન ઇન્ડિયા’ ઇત્યાદિ ગ્રંથો લખ્યા છે.
તેઓ મહાન રાષ્ટ્રવાદી, આર્થિક બાબતોના વિવેચક અને નાણાકીય બાબતોના અસાધારણ તજ્જ્ઞ હતા. તેઓ નમ્ર અને નિરભિમાની પણ હતા.
જયકુમાર ર. શુક્લ