વાચસ્પતિ મિશ્ર : ભારતીય દાર્શનિક લેખક. તેઓ મૈથિલ બ્રાહ્મણ અને ઉત્તર પ્રદેશના વતની હતા. તેમના જીવન વિશે એક અનુશ્રુતિ એવી છે કે પોતાને શાંકરભાષ્ય વગેરે પર ટીકાગ્રંથો લખવા હતા એટલે ગૃહસ્થ ધર્મ બજાવવાના બદલે ઘરનાં કામ પત્નીને સોંપી તેઓ સતત ગ્રંથલેખન કરતા રહ્યા. છેલ્લો શાંકરભાષ્ય પરનો ટીકાગ્રંથ પૂરો કર્યો ત્યારે પત્નીને પણ ભૂલી ગયેલા. એ પછી પત્નીએ પોતે પતિની સેવા વિશે યાદ આપી ત્યારે તેમણે પત્નીની સેવાની સ્મૃતિ રૂપે છેલ્લા ગ્રંથને પત્નીનું નામ ‘ભામતી’ આપ્યું. આથી તેમની પત્નીનું નામ ભામતી હોવાનું ફલિત થાય છે. તેમના ગુરુનું નામ ત્રિલોચન હતું. પોતે નૃગરાજાના સમયમાં 840માં આ ગ્રંથ લખ્યો છે એવું ‘ભામતી’ના અંતિમ શ્ર્લોકમાં લખ્યું છે, તેથી તેઓ નવમી સદીમાં થઈ ગયા એવું અનુમાની શકાય. વળી તેઓ ‘સર્વતંત્રસ્વતંત્ર’ હતા એટલે તમામ દર્શનોનું ખંડન કે મંડન કરી શકતા. આથી તેઓ શાસ્ત્રના મર્મજ્ઞ વિદ્વાન હતા. તેમણે તમામ દર્શનો વિશે ગ્રંથરચના કરી છે.
તેમણે સાંખ્યદર્શનમાં ઈશ્વરકૃષ્ણની ‘સાંખ્યકારિકા’ પર ‘સાંખ્યતત્વકૌમુદી’ નામની ટીકા લખી છે. યોગદર્શનમાં ‘વ્યાસભાષ્ય’ પર ‘તત્વવૈશારદી’ નામની ટીકા લખી છે. ન્યાયદર્શનમાં ઉદ્યોતકરના ‘ન્યાયવાર્તિક’ પર ‘ન્યાયવાર્તિકતાત્પર્ય’ નામની જે ટીકા લખી છે એ ખૂબ જાણીતી છે. ન્યાયદર્શનનાં ગૌતમરચિત સૂત્રો પર ‘ન્યાયસૂત્રોદ્ધાર’ અને ‘ન્યાયસૂચિનિબંધ’ નામના ગ્રંથો પણ રચ્યા છે. પૂર્વમીમાંસાદર્શનમાં મંડનમિશ્રના ‘વિધિવિવેક’ પર ‘ન્યાયકણિકા’ નામની ટીકા રચી છે. કુમારિલ ભટ્ટના વિચારો પર ‘તત્વબિંદુ’ નામનો નિબંધ-ગ્રંથ લખ્યો છે, જેમાં સ્ફોટવાદ પણ ચર્ચ્યો છે. વળી ઉત્તરમીમાંસા કે વેદાન્તદર્શનમાં ‘બ્રહ્મસિદ્ધિ’ નામના ગ્રંથ પર ‘બ્રહ્મતત્વસમીક્ષા’ કે ‘બ્રહ્મતત્વમીમાંસા’ નામની ટીકા લખી છે. ‘બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય’ પરની ‘ભામતી’ નામની ટીકા અપૂર્વ અને ભાષ્ય જેવી જ ચમત્કૃતિભરી છે. તે તેમનો અંતિમ અને શિરમોર સમો ગ્રંથ છે.
વાચસ્પતિ ખરેખર વાચસ્પતિ જ છે અને સત્ય, અજ્ઞાન વગેરે અનેક મુદ્દાઓ વિશે મૌલિક મત રજૂ કરી તેઓ વિજ્ઞાનભિક્ષુ અને સર્વજ્ઞાત્મમુનિ જેવા વિદ્વાનોથી ઘણી બાબતમાં જુદા પડે છે. બાદરાયણ અને વેદવ્યાસ એક જ વ્યક્તિ છે એવો તેમણે આરંભેલો મત પાછળના અનેક લોકોએ સ્વીકાર્યો છે. શંકરાચાર્યના ભાષ્ય જેવી સરસ ટીકાઓના આ લેખક ભારતને ગૌરવ અપાવનારા લેખક છે.
પ્ર. ઉ. શાસ્ત્રી