વાઘેલા, શંકરસિંહજી લક્ષ્મણસિંહજી
January, 2005
વાઘેલા, શંકરસિંહજી લક્ષ્મણસિંહજી (જ. 21 જુલાઈ 1940, વાસન, ગાંધીનગર) : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી. તેઓ પ્રતિભાશાળી, પ્રભાવી અને ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતા રાજપુરુષ, કુશળ સંગઠક, ત્વરિત નિર્ણયશક્તિ અને લોખંડી મનોબળ ધરાવનારા મુત્સદ્દી હોવાની સાથે સરળ સ્વભાવના રાજકારણી છે.
કિસાન પરિવારમાં તેમનો જન્મ થયો. પિતા લક્ષ્મણસિંહજી અને માતા નાથુબાની ગોદમાં ઊછરીને ગ્રામ સંસ્કૃતિની નખશિખ ઓળખ મેળવી. પ્રાથમિક શિક્ષણ વાસનમાં અને માધ્યમિક શિક્ષણ રાંધેજામાં લીધું. આ અભ્યાસકાળ દરમિયાન કંઈક કરવાના મનોરથ તેઓ ઘડતા રહ્યા. આ સમય દરમિયાન વક્તૃત્વ, રમતગમત, નાટકમાં અભિનય – એમ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા સાથે વિવિધ વિષયોનું વાચન કર્યું. 1959માં ગુલાબબા સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા અને ત્રણ પુત્રોના પિતા બન્યા. 1962માં જી. એલ. એસ. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાંથી અર્થશાસ્ત્ર અને ગુજરાતી વિષય સાથે સ્નાતકની અને એમ. એન. કૉલેજ, વિસનગરમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતક પદવી મેળવી. 1958થી એન.સી.સી. કૅડેટ તરીકે જોડાયા અને સિનિયર અન્ડર ઑફિસર બન્યા. 1962માં ચીનના આક્રમણ પછી ઍડવાન્સ લીડરશિપ કોર્સ કરી કૂલુ-મનાલી ખાતે અઘરી તાલીમ લઈ વૉરન્ટ-ઑફિસર ક્લાસ-1ની શ્રેણીમાં ભરતી થયા. ત્યાર બાદ તેમણે વિસનગર, ઊંઝા, સિદ્ધપુર, પાટણ વગેરે સ્થળોએ આ અંગેની તાલીમ આપી.
1964થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં અને 1969થી તત્કાલીન રાજકીય પક્ષ જનસંઘમાં જોડાયા. તેમણે 1971 સુધી મહેસાણા અને ગાંધીનગર જિલ્લાસંગઠનની અને ત્યારબાદ પ્રદેશસંગઠનની પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકેની જવાબદારી કઠોર પરિશ્રમ સાથે નિભાવી.
1975થી ગુજરાતમાં સ્થપાયેલા જનતા મોરચાના તેઓ સ્થાપક સભ્ય હતા. આ અરસામાં જયપ્રકાશ નારાયણ ગુજરાતના પ્રવાસમાં આવ્યા ત્યારે તેમની સાથે રહ્યા. 1975-76ની કટોકટી દરમિયાન અગિયાર મહિના સુધી કારાવાસ વેઠ્યો. 1977થી ’80ના ગાળામાં જનતા પક્ષના ગુજરાત એકમના ઉપપ્રમુખ રહ્યા. 1980થી ભારતીય જનતા પક્ષની સ્થાપના સાથે ગુજરાત પ્રદેશના મહામંત્રી બની, 1986થી તેના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયા. ગુજરાતનાં કુલ 18 હજાર ગામોમાંથી 14 હજાર ગામોનો પ્રવાસ કર્યો તેમજ રાજ્યવ્યાપી ફલક પર સંગઠનને તેમણે મજબૂત કર્યું. વિરોધપક્ષના સભ્ય તરીકે જન-આંદોલનોમાં ભાગ લેવા સાથે અનેક વાર તેમણે જેલ વેઠી.
ચૂંટણીની દૃષ્ટિએ તેમને પંચાયતથી માંડીને સંસદ સુધીની સફળતા વરી છે. 1977માં ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોમાં કપડવંજમાંથી ચૂંટાયેલા શંકરસિંહ સૌથી નાની વયના ગુજરાતના સાંસદ હતા. એવી જ રીતે 1984માં રાજ્યસભામાં સૌથી વધારે મતો દ્વારા ચૂંટાઈને નવો કીર્તિમાન રચીને સમગ્ર દેશનું ધ્યાન ખેંચેલું. 1989માં ભાજપમાંથી ગાંધીનગરની બેઠક પર અને 1991માં ગોધરામાંથી લોકસભામાં ચૂંટાયા. 1999માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કપડવંજમાંથી લોકસભામાં ચૂંટાયા વળી સમગ્ર દેશમાં મતોની ટકાવારીમાં તેઓ ચોથા ક્રમે રહ્યા હતા.
ઑગસ્ટ 1996માં પક્ષમાં બળવો કરીને ‘રાષ્ટ્રીય જનતા પક્ષ’ની સ્થાપના કરી. ભાજપ સાથે વૈચારિક મતભેદ ઊભા થતાં 23 ઑક્ટોબર 1996ના રોજ કૉંગ્રેસના ટેકાથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના વ્યાપક જનહિત અને સર્વાંગી વિકાસના પ્રશ્ર્નોનો આગવા દૃષ્ટિકોણથી અભ્યાસ કરીને તે સામેના અંતરાયો ઉકેલતાં તેમણે પારદર્શી વહીવટ આપ્યો. ગુજરાતના વિકાસમાં દરેક ક્ષેત્રના નિષ્ણાતોનો લાભ મળે એ માટે સામ પિત્રોડાના અધ્યક્ષસ્થાને તજજ્ઞોની સમિતિ બનાવેલી. તાલુકા અને જિલ્લાઓના વિભાજનનો ઐતિહાસિક નિર્ણય, વિદ્યાસહાયકોની ભરતી, મહિલા તલાટી, રહેમરાહે નોકરીઓ, ઇન્ડસ્ટ્રિઝ સિક્યુરિટી ફોર્સ દ્વારા ત્રણ લાખ યુવાન બેકારોની ભરતીનું આયોજન, ગામડાંઓમાં તત્કાલીન ગ્રાન્ટ સાથેનો વિજ્ઞાનપ્રવાહ, વીજળી-પાણીની વ્યવસ્થા તથા કલા, સાહિત્યને પ્રોત્સાહન પૂરું પાડવાનાં કાર્યો કર્યાં. તેમને ગુજરાતની અસ્મિતાને ઉઠાવ આપે તેવી સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિ પ્રત્યે દિલચશ્પી હતી. તેથી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સાહિત્ય પરિષદને તથા ગુજરાતી વિશ્વકોશને અસાધારણ આર્થિક સહાય કરી હતી. તેમણે મુખ્યમંત્રી તરીકે ટૂંકા ગાળામાં અનેક સાહસિક નિર્ણયો લીધા હતા. પ્રજાકીય કામોને પ્રાથમિકતા આપી, ‘લોકદરબાર’ ભરીને સ્થળ પર પ્રશ્ર્નોનો નિકાલ કરી લોકચાહના મેળવી. કૉંગ્રેસ પક્ષે તેમને આપેલો ટેકો પાછો ખેંચતાં 28 ઑક્ટોબર, 1997ના રોજ તેમની સરકારનું પતન થયું.
ફેબ્રુઆરી, 1998માં યોજાયેલ ચૂંટણીમાં કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા પક્ષનો પરાજય થતાં આ પક્ષ ઑગસ્ટ, 1999માં કૉંગ્રેસમાં વિલીન થયો. જૂન, 2002માં તેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ બન્યા. કૉંગ્રેસમાં યુવાનોની ભરતી માટે 29 ઑક્ટોબર, 2003ના રોજ ‘શક્તિદળ’ની સ્થાપના કરી અને શિસ્તબદ્ધ, ગણવેશધારી 18થી 45 વર્ષની વયનાં એકાવન હજાર યુવક-યુવતીઓને એકત્ર કરી 29મી જાન્યુઆરી, 2004ના રોજ માનવધર્મ આધારિત કૂચ યોજીને સંગઠનશક્તિ અને અસાધારણ નેતૃત્વશક્તિનો ગુજરાતને પરિચય કરાવ્યો. ગુજરાતની સર્વાંગી પ્રગતિ તેમનું સ્વપ્ન છે. 2004ની સામાન્ય ચૂંટણીમાં કપડવંજ મતવિસ્તારમાંથી તેઓ ચૂંટાયા અને કૉંગ્રેસ પક્ષના નેતૃત્વ હેઠળ રચાયેલી કેન્દ્ર સરકારમાં તેઓ કાપડમંત્રીનો હોદ્દો ધરાવે છે.
કિશોરસિંહ સોલંકી