વાઘેલા, રવુભા નારુભા (જ. જુલાઈ 1905, બકરાણા, તા. સાણંદ, જિ. અમદાવાદ, ગુજરાત) : અદ્વિતીય અને અદભુત ગણિતજ્ઞ. પૂર્વજો ભાલપ્રદેશના તાલુકદાર હતા. પછી બકરાણા આવીને ખેતી સ્વીકારી. પિતા નારુભા તદ્દન નિરક્ષર છતાં ઈશ્વરભક્ત. માતા જેઠીબા થોડું લખી વાંચી જાણે. રવુભાએ 12 વર્ષની ઉંમરે શાળાપ્રવેશ લીધો અને ચાર ચોપડીના અભ્યાસ બાદ અધવચ શાળા છોડી.

બાળપણથી ધર્મના સંસ્કાર. આંક લખે તેની વચ્ચે રામનું નામ આવે જ. 12 વર્ષ સુધી સતત રામાયણનો અભ્યાસ કરીને તુલસીકૃત રામાયણ કંઠસ્થ કરી અને આસપાસના વિસ્તારમાં રામભક્ત અને રામાયણના અભ્યાસી તરીકે ખ્યાતિ પામ્યા. 14 વર્ષની વયથી સાધુસંતોના સમાગમે તેમને ધ્યાન તરફ વાળ્યા, અને ધીમે ધીમે કલાકો સુધી ધ્યાનમાં મગ્ન રહેતા થયા.

તેમની રાજપૂત કોમમાં નાની વયે લગ્નો થતાં, પરંતુ તેમણે આજીવન બ્રહ્મચર્ય પાળવાની ભીષ્મ-પ્રતિજ્ઞા લીધી. આમ છતાં માતાને આપેલા વચન મુજબ ન તો તે સંન્યાસી બન્યા કે ન ગૃહત્યાગ કર્યો.

40 વર્ષની વયે એક ગણિતજ્ઞની ગણનાશક્તિના સમાચારથી પ્રેરાઈને તેમણે ધ્યાન દ્વારા છ માસની અંદર 100 આંકડાની લાંબી રકમનો એટલી જ લાંબી રકમ દ્વારા મૌખિક ગુણાકાર કરી આપવાની અસાધારણ સિદ્ધિ મેળવી. પ્રભાવક વ્યક્તિત્વ ધરાવતા રવુભા ગમે તેટલા ઘોંઘાટ વચ્ચે અસ્ખલિતપણે એકાગ્ર બનીને ચમત્કારિક ગણના કરી બતાવતા. અમદાવાદ તથા વીરમગામમાં આ અંગે જાહેર કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં તેમણે તેમની આ અજબ શક્તિનો પરચો સૌને કરાવ્યો. એ રીતે ગુજરાતભરમાં તેમની ખ્યાતિ પ્રસરી હતી.

વાઘેલા રવુભા નારુભા

1950માં ભારતીય સંસ્કૃતિના અભ્યાસાર્થે ભારત આવેલ અમેરિકન દંપતીના સંપર્કથી તેમની ખ્યાતિ અમેરિકા સુધી પહોંચી. પોરબંદરના મહારાણા નટવરસિંહની કસોટીમાંથી પણ તેઓ પાર ઊતર્યા હતા. અમેરિકાની ‘બિલિવ ઇટ ઑર નૉટ’ નામની પ્રકાશનશ્રેણીના મુખપૃષ્ઠ પર તેમની છબિ પ્રગટ થઈ હતી. તેમાં તેમને ‘હેડ મશીન’નું બિરુદ આપવામાં આવ્યું હતું. આ રીતે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ પ્રાપ્ત થઈ હતી.

આમ કૉમ્પ્યૂટર જેવા યાંત્રિક સાધન વિના, માનવ-મગજની શક્તિથી જ લાંબી લાંબી રકમોના ગુણાકારો પળવારમાં તેઓ કરી બતાવતા હતા. પોતે કેળવેલી આ સિદ્ધિને તેઓ ‘ધ્યાન મૂકગણિત’ કે ‘ચતુર્ઘાત મૂકગણિત’ તરીકે ઓળખાવતા હતા. આમ તેમણે તેમની ધ્યાનયોગની સિદ્ધિ દ્વારા માનવીય મગજશક્તિનું ઉત્તમ નિદર્શન પૂરું પાડ્યું છે.

બળદેવભાઈ કનીજિયા