વાઘેલા, જયવન્તસિંહજી રણમલસિંહજી મહારાણા (સાણંદના બાપુ)
January, 2005
વાઘેલા, જયવન્તસિંહજી રણમલસિંહજી મહારાણા (સાણંદના બાપુ) (જ. 16 ઑક્ટોબર 1904, સાણંદ, જિ. અમદાવાદ; અ. 18 જૂન 1980, સાણંદ, જિ. અમદાવાદ) : અમદાવાદ નજીકના સાણંદ રિયાસતના ઠાકોર; ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ, પ્રોત્સાહક અને પુરસ્કર્તા; નવા રાગોના સર્જક અને શબ્દ તથા સ્વર બંનેના વિખ્યાત રચનાકાર. મૂળ કર્ણાટકના સોલંકી વંશમાં જન્મ. પિતાનું નામ રણમલસિંહજી જેઓ તબલાવાદનના જાણકાર હતા. માતાનું નામ હીરાબા સાહેબા જેઓ પ્રખર શિવભક્ત હતાં. તેમને શાસ્ત્રીય સંગીત વારસામાં મળ્યું હતું. સંગીતનો શોખ તેમને બાળપણથી હતો અને પરિવારના વાતાવરણથી તે શોખ સતત પુષ્ટ થતો રહ્યો.
તેમના પૂર્વજ કર્ણાટકમાંથી સ્થળાંતર કરી વારાણસી, કનોજ, ટોંક, ટોડા અને પાટણ (અણહિલપુર) થઈને સાણંદ આવીને વસ્યા. એમના પૂર્વજ શ્રીકર્ણદેવજીને કોઈ પુત્ર ન હોવાથી તેમણે જૈતસિંહજી તથા વીરસિંહજીને દત્તક લીધા. જયવંતસિંહજી ‘સાણંદના બાપુ તરીકે ઓળખાતા. પ્રપિતામહ શ્રી કૃષ્ણસિંહજી એ જ પરિવારના ઉત્તરાધિકારી હતા અને તેમના (સાણંદ બાપુના) દાદા ભગવતસિંહજી તથા પિતા રણમલસિંહજી આ બંને શાસ્ત્રીય સંગીતમાં રુચિ ધરાવતા હતા. સાણંદ બાપુના દાદા ભગવતસિંહજી જલતરંગના અચ્છા વાદક હતા તથા ઇષ્ટદેવ શ્રીકૃષ્ણની ભક્તિમાં સતત ગીતો ગાયા કરતા હતા. પિતા રણમલસિંહજીને સુગમ શાસ્ત્રીય સંગીત તથા શાસ્ત્રીય નૃત્યનો શોખ હતો. તે ઉપરાંત તેઓ ખવાજ તથા તબલાના વાદનમાં માહેર હતા. તેમણે વિખ્યાત ખવાજવાદક ઉસ્તાદ નાસિરખાં પાસેથી ખવાજની તથા વિખ્યાત તબલાવાદક બચ્ચુખાં (દિલ્હી બાજ) પાસેથી તબલાવાદનની તાલીમ લીધી હતી. જયવંતસિંહજીએ શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક શિક્ષા રાજકુમાર કૉલેજ, રાજકોટના સંગીતશિક્ષક લક્ષ્મીશંકર પાસેથી લીધી હતી તથા ગોવિંદપ્રસાદ ગોપાલપ્રસાદજી પાસેથી કંઠ્યસંગીત, સિતારવાદન તથા વીણાવાદનની શિક્ષા ગ્રહણ કરી હતી. આ ઉપરાંત તેમણે શાસ્ત્રીય ગાયન અને રુદ્રવીણાવાદનની ઉચ્ચ તાલીમ મેવાતી ઘરાણાના ઉસ્તાદ મુનવ્વરખાંસાહેબ પાસેથી પ્રાપ્ત કરી હતી. વળી સાણંદ તેમની રિયાસત હોવાથી ભારતના વિખ્યાત ગાયકો તથા વાદકો પાસેથી પણ તેમને જાહેર કાર્યક્રમો દ્વારા પોતાનું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ધારદાર અને પુષ્ટ બનાવવાની તક વારંવાર મળતી રહી હતી. આવા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સંગીતકારોમાં ઉસ્તાદ મુરાદખાંસાહેબ, ઉસ્તાદ બંદે અલીખાંસાહેબ, ધરમપુર રિયાસતના પ્રભાતદેવજી, ઉસ્તાદ ફૈયાજખાંસાહેબ, પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર, ઉસ્તાદ રજબ અલીખાંસાહેબ, પંડિત ઓમકારનાથ ઠાકુર, પંડિત જ્યોતિરામ, પંડિત મણિરામ વગેરેનો સમાવેશ થાય છે. તેમનું ઔપચારિક ઉચ્ચશિક્ષણ ગુજરાત કૉલેજમાં થયું છે. સંસ્કૃત એ તેમનો મુખ્ય વિષય હતો.
જયવંતસિંહજીએ તેમના જીવનકાળ દરમિયાન પાંચ નવા રાગોનો આવિષ્કાર કર્યો છે, બાવીસ જેટલી સંગીતચીજોની શબ્દરચના કરી હતી તથા બાર જેટલી શાસ્ત્રીય સંગીતની ચીજોની સ્વરરચના પણ કરી હતી. તેમણે જે નવા પાંચ રાગોનો આવિષ્કાર કર્યો હતો તેમાં રાગ જયવન્તી તોડી, રાગ જ્ઞાનકલી, રાગ જયવંત સારંગ, રાગ રાજરાજેશ્વરી તથા રાગ બાગકંસનો સમાવેશ થાય છે. ચીજોની છંદોબદ્ધ શબ્દરચના કરવાની પ્રેરણા તેમને કવિરાજ જેઠીદાનજી પાસેથી મળી હતી. તેમની કેટલીક શબ્દરચનાઓનું સર્જન અદભુત ગણાય છે; દા. ત., રાગ આનંદભૈરવમાં ગવાતી શબ્દરચના ‘ભાલચંદ્ર જટા ગંગ ત્રિનયના ભસ્મ અંગ ॥’; રાગ જ્ઞાનકલીમાં ગવાતી શબ્દરચના ‘શીશ ધરન ગંગ, ભાલચંદ્ર ગલે ભુજંગ ॥’; રાગ રાજરાજેશ્વરીમાં બદ્ધ શબ્દરચના ‘તૂ હી પ્રાણ તૂ હી જાન, તૂ હી જ્ઞાન મેરો ॥’; રાગ બાગકંસમાં શબ્દબદ્ધ રચના ‘લગન તોસોં લાગ રહી મોહન, શ્યામસુંદર છવિ ચિતવન સોહન ॥’; રાગ અડાણામાં બદ્ધ શબ્દરચના ‘માતા કાલિકા, મહાકાલ મહારાની જગત જનની ભવાની ભવાની ભવાની ॥’ વગેરે રચનાઓ ખૂબ લોકપ્રિય બની છે. તેમની કુલ બાવીસ જેટલી રચનાઓમાંથી દસ શબ્દરચનાઓની સ્વરરચના વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત મણિરામજીએ કરી છે. પંડિત મણિરામજી વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજજીના મોટા ભાઈ થતા હતા.
મેવાતી ઘરાનાની ગાયકી આત્મસાત્ કરનાર જયવંતસિંહજીએ ‘સંગીત સૌરભ’ નામનો ગ્રંથ પણ લખ્યો છે. તેમના જીવનકાળ સાથે કેટલીક આખ્યાયિકાઓ અને કિંવદંતીઓ સંકળાયેલી છે. તેમના જીવનકાળ દરમિયાન સાણંદ ખાતેનો તેમનો મહેલ શાસ્ત્રીય સંગીતકારો માટે તીર્થસ્થાન ગણાતું. તેમના મોટર-ચાલક બચ્ચુભાઈ પણ અચ્છા ગાયક અને હાર્મોનિયમવાદક હતા, જેમણે ઘણા પ્રતિષ્ઠિત સંગીતકારો સાથે સંગત કરી હતી. સંગીતકારો પ્રત્યેની ઉદારતા માટે જયવંતસિંહજી ખૂબ જાણીતા હતા.
તેમની શતાબ્દી નિમિત્તે ઑક્ટોબર, 2004માં અમદાવાદ શહેરમાં ભારતના ખ્યાતનામ ગાયકો અને વાદકોના સક્રિય સહકારથી ત્રણ દિવસનો ભવ્ય સંગીત સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે