વાઘ : પ્રતીકરૂપ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. તે માંસાહારી વન્ય જીવ છે. (Carnivora) શ્રેણીના ફેલિડે કુળના આ સસ્તન પ્રાણીનું શાસ્ત્રીય નામ છે Panthera tigriss linn. વાઘની ચામડીનો રતાશ પડતો બદામી રંગ અને ચામડી પરના અનિયમિત આકારના પટા (bands) ઘણા આકર્ષક હોય છે. તેના મોઢા પરની રંગરચના, તેનું ગળું અને ઉદરપ્રદેશના નીચલા ભાગમાં આવેલા શ્ર્વેત વાળ, સતત જાગૃત એવી લીલી-પીળી આંખ ઉપરાંત તેની ચપળતા અને પ્રભાવી છાપને લીધે વાઘની ગણના એક શ્રેષ્ઠ અને ભવ્ય વન્ય પ્રાણી તરીકે થાય છે.

વાઘ

ભારતમાં વસતા જુદા જુદા વાઘોના રંગમાં સહેજ તફાવત જોવા મળે છે. મધ્ય પ્રદેશના રેવા-વિસ્તારમાં વસતા શ્ર્વેત વાઘની ગણના એક વિશિષ્ટ જાત (race) તરીકે કરવામાં આવે છે.

વાઘની માથાથી પૂંછડીના છેડા સુધીની લંબાઈ નરમાં આશરે 3 મીટર અને માદામાં સહેજ ઓછી એટલે કે 2.05 મીટર હોય છે. આ પ્રાણીની સરેરાશ ઊંચાઈ 91 સેમી. જેટલી હોય છે. નર વાઘનું વજન 180થી 230 કિલોગ્રામ જેટલું નોંધાયું છે. માદાનું વજન નર કરતાં 45 કિલોગ્રામ ઓછું હોય છે. સાઇબેરિયન વાઘનું કદ સૌથી મોટું હોય છે.

વાઘ એકાંતપ્રિય પ્રાણી છે અને ગીચ જંગલોમાં વસવાટ કરે છે. ખુલ્લાં કાંટાળાં જંગલો કે ઘાસિયાં મેદાનોમાં પણ જોવા મળે છે. આ પ્રાણી ગરમી સહન કરી શકતું નથી. આથી દિવસ દરમિયાન તાપથી બચવા ગીચ ઝાડીમાં જળાશયોની આસપાસ વિશ્રામ કરે છે. તેઓ સામાન્યપણે વૃક્ષો પર આરોહણ કરતા નથી. વાઘ પાણીમાં અત્યંત કુશળતાપૂર્વક તરી શકે છે. શિકાર કરતી વખતે તે સિંહની માફક ગર્જના કરવાને બદલે ચૂપચાપ આગળ વધે છે. સામાન્ય રીતે વાઘની આ પ્રવૃત્તિમાં નર અને માદા બંને જોડાય છે.

મોટો પુખ્ત વાઘ ત્રણથી ચાર દિવસે એક જ વખત શિકાર કરે છે અને તેના એક જ ભોજનમાં 18થી 20 કિલોગ્રામ માંસ આરોગે છે. તે જીવંત કે મૃત બંને પ્રકારનાં પ્રાણીનાં માંસ ખાય છે ! હરણ, સાબર, ભેંસ અને ડુક્કર તેનો પ્રિય ખોરાક કહી શકાય. સામાન્યત: અઠવાડિયામાં તે એક વખત શિકાર કરે છે. ભૂખ્યો વાઘ એકીસાથે 90 કિલોગ્રામ જેટલું માંસનું પ્રાશન કરતો હોય છે. જો ભૂલેચૂકે માનવીનું માંસ કે લોહી ચાખ્યું હોય તો તે કાયમને માટે માનવભક્ષી બને છે.

નર વાઘ ત્રણથી ચાર વર્ષની ઉંમરે પુખ્ત બને છે. જ્યારે માદા બેથી અઢી વર્ષ બાદ જાતીય પરિપક્વતા ધારણ કરે છે. પ્રજનનકાળ વર્ષાઋતુના અંતમાં હોય છે. અહીં બહુપતિત્વ તેમજ બહુપત્નીત્વની સહજવૃત્તિ જોવા મળે છે. આથી સામાન્ય રીતે પૈતૃકપાલનની જવાબદારી માદાની રહે છે. વાઘણ, છ જેટલાં બચ્ચાંઓને જન્મ આપી શકે છે; પરંતુ સરેરાશ આ સંખ્યા બેથી ત્રણની હોય છે. વાઘણ એક અત્યંત પ્રેમાળ માતા બની રહે છે. બચ્ચાંનો ઉછેર તે ઘણી સંભાળ અને મહેનતથી કરે છે; તેમ છતાં બધાં બચ્ચાં યૌવન પ્રાપ્ત કરી શકતાં નથી. આ પ્રાણીમાં ગર્ભાક્ષધિકાળ 105થી 110 દિવસનો ગણાય છે. જન્મસમયે બચ્ચાં આંધળાં હોય છે અને વજન 1થી 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. 8થી 10 મહિનાની ઉંમરે બચ્ચાં માતાના સાંનિધ્યમાં શિકાર કરવાનું શીખે છે. માતા ભક્ષ્યનો અંશત: શિકાર કરી, તે પૂર્ણ કરવા બચ્ચાંને સોંપે છે. આ સમય 2 વર્ષ સુધી લંબાય છે. દરમિયાન દુગ્ધપાનના સમયનો અંત આવે છે અને બચ્ચાં સ્વતંત્ર જીવન વિતાવવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે.

વાઘ પરિયોજના (project tiger) : ભારતમાં વાઘની સંખ્યા વીસમી સદીની શરૂઆતમાં 40,000 જેટલી હતી. માનવીના વસ્તીવધારા સાથે વન્ય જીવોના રહેઠાણમાં થતા નોંધપાત્ર ઘટાડા અને બેહદ શિકારના પરિણામે તેની સંખ્યા સાવ ઘટીને ઈ. સ. 1972માં 1,800 જેટલી જ થઈ હતી. તેથી વાઘને નષ્ટ થતા અટકાવવા ભારત સરકારે 1973માં ‘Project tiger’ – વાઘ પરિયોજના શરૂ કરી. એ યોજના હેઠળ વાઘની વસ્તીવાળા વિસ્તારોમાં થતી માનવની શિકારની પ્રવૃત્તિઓને અટકાવવામાં આવી અને તેમનાં નિવાસસ્થાનોને અભયારણ્ય (sanctuary) તરીકે જાહેર કરવામાં આવ્યાં. આ સંરક્ષણાત્મક પગલાંને લીધે વાઘની સંખ્યા ક્રમશ: વધવા માંડી અને 2022ના અરસામાં તે આશરે 3167 જેટલી થઈ. આમ તો ભારત સરકારે વાઘના શિકાર પર સાવ પ્રતિબંધ મૂક્યો છે; પરંતુ વાઘની ચામડી, તેના નખ, માંસ, યકૃત અને હાડકાંની પરદેશમાં ઘણી માંગ હોઈ કેટલીક વ્યક્તિઓ તેનો લાભ ઉઠાવવા લલચાઈને વાઘનો શિકાર કરી તેના વિવિધ ભાગોને છૂપી રીતે નિર્યાત કરતા હોય છે. જોકે ભારત સરકારનું Department of Environment and Forest (D. O. E. A. F.), આ પ્રત્યે સજાગ છે અને તેમનાં આ ગેરકૃત્યોને રોકવા તે હમેશાં પ્રયત્નશીલ રહે છે.

દિલીપ શુક્લ

મ. શિ. દૂબળે