વાક્ (speech) અને તેના વિકારો : વિચારો, ભાવનાઓ અને માહિતીની આપલે માટે વપરાતા શબ્દસંકેતોનું ઉચ્ચારણ અને તેને સંબંધિત વિકારો. શબ્દસંકેતોનું ઉચ્ચારણ સ્વરપેટી, ગળું, જીભ અને હોઠના હલનચલન વડે થાય છે. આકૃતિ 1માં તે અંગેની ચેતાતંત્રીય વ્યવસ્થા દર્શાવી છે. મોટા મગજની સપાટી પર આવેલા ભૂખરા રંગના વિસ્તારને મસ્તિષ્કી બાહ્યક (cerebral cortex) કહે છે. તેમાં ગડીઓ હોય છે. તેમાં આવેલા ચેતાકોષો સંવેદનાઓનો સ્વીકાર અને સ્નાયુઓ વડે થતા હલનચલનનું પ્રેરણ કરે છે. દૃષ્ટિ, શ્રવણ, ગંધ, સ્વાદ, સ્પર્શ વગેરે સંવેદનાઓનો સ્વીકાર કરતા ભાગને સંવેદનાલક્ષી બાહ્યક (sensory cortex) અને હલનચલનનું નિયંત્રણ કરતા ભાગને પ્રેરક બાહ્યક (motor cortex) કહે છે. દરેક પ્રકારની સંવેદના માટે મસ્તિષ્કી બાહ્યકનો અલાયદો વિસ્તાર હોય છે. પ્રાપ્ત થયેલી સંવેદનાઓના અર્થઘટન માટે સંવેદનાલક્ષી બાહ્યકની જોડે સંકલનકારી વિસ્તાર (association area) આવેલો હોય છે. દરેક સંવેદનાલક્ષી વિસ્તાર(દા. ત., શ્રવણલક્ષી સંવેદના વિસ્તાર)ની જોડે તેને સંબંધિત સંકલનકારી વિસ્તાર (શ્રણ સંબંધિત સંકલનકારી વિસ્તાર) હોય છે. તેમાં જે તે પ્રકારની સંવેદનાનું અર્થઘટન થાય છે. સંવેદનાલક્ષી અને સંકલનકારી વિસ્તારો મુખ્યત્વે મગજના પાછળના ભાગમાં આવેલા છે. સ્પર્શ, શ્રવણ, ગંધ, સ્વાદ અને દૃષ્ટિને લગતા સંકલનકારી વિસ્તારો જે જગ્યાએ મળે છે ત્યાં વર્નિકનો ભાષાવિસ્તાર (Wernicke’s language area) આવેલો છે. આ ભાગ મગજના પાર્શ્ર્વાધ:પાર્શ્ર્વ વિસ્તાર(temporoparietal area)માં આવેલો છે. મગજના આગળના ભાગને અગ્રસ્થ ખંડ (frontal lobe) કહે છે અને તેમાં પ્રેરક બાહ્યક (અથવા પ્રેરક વિસ્તાર, motor area) આવેલો છે. પ્રેરક બાહ્યકની આગળ પૂર્વપ્રેરક વિસ્તાર (premotor area) આવેલો છે. તેમાં બ્રોકાનો વાગ્વિસ્તાર (Broca’s speech area) આવેલો છે. સામાન્ય રીતે જમોડી વ્યક્તિમાં મગજનો ડાબો અર્ધગોલ અને ડાબોડી વ્યક્તિમાં જમણો અર્ધગોલ પ્રભાવી અર્ધગોલ (dominant hemisphere) ગણાય છે. ભાષાવિસ્તાર તથા વાગ્વિસ્તાર પ્રભાવી અર્ધગોલમાં આવેલા હોય છે. બંને વિસ્તારોની વચ્ચે ચેતાતંતુઓ વડે જોડાણ થયેલું હોય છે. આ ચેતાતંતુઓના સમૂહને ધનુરાભપુંજ (arcuate fasciculus) કહે છે.

પાછળના ભાગમાં આવેલો ભાષાવિસ્તાર સંભળાયેલા અને વંચાયેલા શબ્દોનું અર્થઘટન તથા બોલતી વખતે વાપરવાના શબ્દોની પસંદગી કરે છે. સાદી ભાષામાં કહીએ તો આ વિસ્તાર વ્યક્તિના શબ્દકોશની માફક વર્તે છે. ત્યાંથી તે માહિતી કમાન આકારના ધનુરાભપુંજ દ્વારા વાગ્વિસ્તારમાં જાય છે. ધનુરાભપુંજના ચેતાતંતુઓ બાહ્યકની નીચે હોય છે. માટે તેમને અવબાહ્યકી ચેતાતંતુઓ (subcortical fibres) કહે છે. વાગ્વિસ્તાર મગજના આગળના ભાગમાં આવેલા અગ્રસ્થ ખંડ(frontal lobe)માં નીચલી ત્રીજી અગ્રસ્થ ગડીમાં આવેલો છે. તે વાણીના પ્રવાહ (fluency) અને લય (rhythm) તથા વ્યાકરણ અને બંધારણ (syntax) સાથે સંબંધિત છે.

આકૃતિ 1 : મોટા મગજના બાહ્યકમાં આવેલા વાણી સંલગ્ન વિસ્તારો : અગ્રસ્થ ખંડ (frontal lobe), 2. અધ:પાર્શ્ર્વ ખંડ (temporal lobe), 3. પશ્ર્ચસ્થ ખંડ (occipital lobe), 4. મધ્યસ્થગર્ત (central sulcus), 5. વર્નિકનો ભાષાવિસ્તાર, 6. બ્રોકાનો વાગ્વિસ્તાર, 7. ધનુરાભપુંજ.

વિવિધ પ્રકારના ચેતાતંત્રીય કે સ્નાયુઓને લગતા રોગો કે વિકારોમાં વાણીના વિકારો થાય છે. તેને વાગ્વિકારો (disorders of speech) કહે છે. તેમને મુખ્ય 3 જૂથમાં વહેંચી શકાય છે : (1) દુર્વાક્તા (dysphasia), (2) દુરુચ્ચારણ (dysarthria) અને (3) દુર્ઘોષતા (dysphonia).

(1) દુર્વાક્તા (dysphasia) : મગજના વાણી સંબંધિત વિસ્તારોના વિકારોમાં દુર્વાક્તા થાય છે. સંભળાયેલી કે વંચાયેલી ભાષા(વાણી)ના અર્થઘટનમાં વિકાર હોય કે ન હોય તોપણ ભાષાના ઉપયોગમાં વિકાર ઉદભવે ત્યારે તેને અભિવ્યક્તિલક્ષી દુર્વાક્તા (expressive dysphasia) કહે છે. મગજના આગળના ભાગ(અગ્રસ્થ ખંડ અથવા બ્રોકાનો વાગ્વિસ્તાર)ના રોગ કે વિકારમાં અભિવ્યક્તિલક્ષી દુર્વાક્તા થાય છે. તેમાં વાણીનો પ્રવાહ ઘટે છે અથવા તૂટક બને છે અને શબ્દોની સંખ્યા ઘટે છે, પરંતુ સંભળાયેલી કે વંચાયેલી માહિતીના અર્થઘટનમાં કોઈ વિકાર ઉદભવતો નથી. વાગવિસ્તાર મોટાભાગના આગળના ભાગમાં આવેલો હોવાથી આ પ્રકારના વાગવિકારને અગ્રસ્થ ર્ક્વાક્તા (anterior dysphasia) પણ કહે છે.

આકૃતિ 2

તેની સામે મગજના પાછલા ભાગ(પાર્શ્ર્વધ:પાર્શ્ર્વ વિસ્તાર કે ભાષાવિસ્તાર)માં વિકાર કે રોગ થાય તો વાણીનો પ્રવાહ, વ્યાકરણ અને ઉચ્ચારણ (articulation) સામાન્ય (અવિષમ, normal) હોય છે; પરંતુ વાણીમાં વપરાતા શબ્દો યોગ્ય ન હોવાને કારણે જે બોલાયેલું હોય તે અર્થહીન બને છે. તેને પરાવાક્તા (paraphasia) કહે છે. ક્યારેક વ્યક્તિ નવા જ શબ્દો બનાવીને બોલે છે. તેને નવભાષિતા (neologism) કહે છે. આ ઉપરાંત તેઓને અમુક અંશે સંભળાયેલા શબ્દોના અર્થઘટનમાં પણ મુશ્કેલી પડે છે. તેથી તેને વિશ્રવણીય દુર્વાક્તા (receptive dysphasia) કહે છે. ભાષાવિસ્તાર મોટા મગજના પાછળના ભાગમાં આવેલો હોવાથી તેના વિકારથી થતા વાગ્વિકારને પશ્ર્ચસ્થ દુર્વાક્તા (Bosterior dysphasia) પણ કહે છે.

ભાષાવિસ્તાર તથા વાગવિસ્તારને જોડતા ચેતાતંતુઓ ધનુરાભપુંજ બનાવે છે. તેને અસર કરતા રોગ કે વિકારમાં વહનલક્ષી દુર્વાક્તા (conduction dysphasia) થાય છે. આવા સંજોગોમાં અભિવ્યક્તિલક્ષી અને વિશ્રવણીય એમ બંને પ્રકારનાં લક્ષણોવાળી દુર્વાક્તા થાય છે. જોકે તેમાં મુખ્ય વિકાર રૂપે સંભળાયેલા શબ્દોને ફરીથી બોલવાની ક્રિયા (અનુકથન) સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. જ્યારે વાણીલક્ષી ચેતાવિસ્તારના બધા જ ઘટકો ભાષાવિસ્તાર (વિશ્રવણ, reception), ધનુરાભપુંજ (વહન, conduction) અને વાગવિસ્તાર (અભિવ્યક્તિ, expression) અસરગ્રસ્ત થાય ત્યારે તેને સર્વતોમુખી દુર્વાક્તા (global dysphasia) કહે છે. આવું થાય તો તે વિકાર મટવાની કે ઘટવાની સંભાવના ઓછી રહે છે; પરંતુ જો ફક્ત અગ્રસ્થ (anterior) કે પશ્ર્ચસ્થ (posterior) એટલે કે અનુક્રમે અભિવ્યક્તિલક્ષી કે વિશ્રવણીય દુર્વાક્તા હોય તો તે મટવાની કે ઘટવાની સંભાવના રહે છે. જોકે આવા વિકારમાં અનુકથનની ક્રિયા જળવાયેલી રહેલી હોવી જોઈએ. આવી જાતનું પૂર્વાનુમાન (prognosis) મગજની નસોના કે ઈજાજન્ય વિકારોમાં વધુ પ્રમાણમાં યથાર્થ નીવડે છે.

દુર્વાક્તાના વિકારસ્થાન અંગેનાં, નિદાન અંગેનાં મહત્વનાં લક્ષણો સારણી 1માં દર્શાવ્યાં છે.

(2) દુરુચ્ચારણ (dysarthria) : જ્યારે વાણી(શબ્દો)ના ઉચ્ચારણ સાથે સંબંધિત સ્નાયુઓ કે તેમની ચેતાઓ(nerves)નો રોગ કે વિકાર થયો તો તે ઉચ્ચારણમાં ક્ષતિ ઉદભવે છે. તેને દુરુચ્ચારણ કહે છે. આવી વ્યક્તિ યોગ્ય શબ્દો, વ્યાકરણ અને બંધારણવાળી ભાષા બોલે છે તથા સાંભળેલું બધું જ સમજે છે; પરંતુ સ્નાયુઓની નબળાઈ, સંકોચન-શિથિલનનો ઘટેલો દર તથા અસંગતતા(inco-ordination)ને કારણે બોલાયેલા શબ્દો અસ્પષ્ટ બને છે. આના કારણરૂપ વિકારો ચહેરો, જીભ, ગળું કે સ્વરપેટીના સ્નાયુઓ, ચેતા-સ્નાયુસંગમો (neuro-muscular junctions) અને તેમને સંબંધિત ચેતાઓ, નાનું મગજ, પ્રેરકશૃંગી ચેતાપથ(pyramidal tract)માં અથવા બહિ:પ્રેરકશૃંગી ચેતાપથ(extra pyramidal tract)માં હોય છે. દુરુચ્ચારણનાં વિવિધ કારણોને સારણી 2માં દર્શાવ્યાં છે :

(3) દુર્ઘોષિતા (dysphoma) : અવાજની ઉત્પત્તિમાં તેને લગતી સંરચનાઓ(સ્વરપેટી, ગળું, મોઢું વગેરે)માંથી શ્ર્વાસોચ્છ્વાસ સમયે ફૂંકાતી હવાને કારણે ઉદભવતી ધ્રુજારીની કંપનસંખ્યા, આવૃત્તિ અને વિસ્તાર મહત્વની અને મુખ્ય ક્રિયા કરે છે. ધ્રુજારીની કંપનસંખ્યા, આવૃત્તિ અને વિસ્તારમાં ફેરફાર લાવીને વિવિધ પ્રકારના ધ્વનિ ઉત્પન્ન કરાય છે. તે માટે જે તે સંરચના(સ્વરપેટી, મોં, ગળું વગેરે)ના સ્થાન, કદ અને આકારને બદલવામાં આવે છે તથા મોઢાંમાં જીભ પણ જુદે જુદે સ્થાને ખસે છે. તેથી ધ્વનિની ઉત્પત્તિમાં જે તે સંરચનાનાં આકાર અને કદમાં ફેરફાર લાવતા સ્નાયુઓનાં સંકોચનો મહત્વનાં છે. આ સ્નાયુસંકોચનોને અસર કરતા વિકારો જેમ દુરુચ્ચારણનો વિકાર કરે છે. જો તેમાંથી વહેતી હવાનો પ્રવાહ ઘટે કે ધ્રુજારી ઉત્પન્ન કરતા સ્વરરજ્જુઓ (vocal cords) કે મૃદુ તાલુ(soft palate)ને ઈજા થયેલી હોય કે તેમનામાં દુષ્ક્રિયાશીલતા (dysfunction) આવેલી હોય તો અવાજ બેસી જાય છે, મૃદુ થઈ જાય છે, ઘોઘરો થાય છે કે કર્કશ (husky) થઈ જાય છે. તેને દુર્ઘોષિતા કહે છે. જો મૃદુ તાલુ ઉચ્ચારણ સમયે પાછળની બાજુએ એટલે કે નાસાગ્રસની અથવા નાકગળું(nasopharynx)ની નજીક જતું રહ્યું હોય તો ‘ગ’ અને ‘બ’ જેવાં ઉચ્ચારણો વિષમ બને છે અને તેને નાકમાંથી બોલાતું હોય તેવું લાગે છે. આમ ઉચ્ચારણમાં અનુનાસિકતા ઉમેરાય છે અને તેથી ‘રોગ’ને બદલે ‘રોંગ’ એવું બોલાય છે.

જો ઉપર જણાવેલા વિકારો જ્યારે અતિતીવ્ર માત્રામાં થાય ત્યારે તેને અનુક્રમે અવાક્તા (aphasia); અનુચ્ચારણ (anarthria) અને અઘોષિતા (aphonia) કહે છે.

શિલીન ન. શુક્લ, બશીર અ. અહમદી