વાકણકર, હરિભાઉ
January, 2005
વાકણકર, હરિભાઉ (જ. 4 મે 1919, નીમચ, મધ્યપ્રદેશ; અ. 4 એપ્રિલ 1988, સિંગાપુર) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિના પુરાતત્વવિદ, અગ્રણી ચિત્રકાર, સ્વાતંત્ર્યસેનાની તથા સામાજિક કાર્યકર. આખું નામ વિષ્ણુ શ્રીધર વાકણકર; પરંતુ અંગત વર્તુળમાં હરિભાઉ તરીકે જાણીતા હતા. ઇતિહાસકાર પરિવારમાં જન્મ. પિતાનું નામ શ્રીધર, માતાનું નામ સીતાબાઈ. શિક્ષણ એમ.એ. (પુરાતત્વ), જી. ડી. આર્ટ (મુંબઈ) તથા પીએચ.ડી. (વિક્રમ યુનિવર્સિટી, ઉજ્જૈન). બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય. સંઘના મધ્યભારત એકમના બૌદ્ધિક પ્રમુખ તથા પ્રચારક. વિદ્યાર્થી પરિષદ, મધ્ય પ્રદેશના સંસ્થાપક પ્રમુખ. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રૉક આર્ટના નિયામક. 1953-83 દરમિયાન ભારતી કલા ભવન, ઉજ્જૈનના આચાર્યપદે કાર્યરત. અખિલ ભારતીય કાલિદાસ ચિત્ર તથા મૂર્તિકલા સ્થાયી સમિતિ, ઉજ્જૈનના સંસ્થાપક. 1965-82 દરમિયાન વિક્રમ યુનિવર્સિટી(મધ્ય પ્રદેશ)ના પુરાતત્વ તથા ઉત્ખનન વિભાગના અધ્યક્ષ. 1963માં દોરાબજી ટાટા ટ્રસ્ટ યાત્રા શોધ શિષ્યવૃત્તિની સહાયથી યુરોપના વિવિધ દેશોનો પ્રવાસ ખેડ્યો. તે પૂર્વે 1961-63ના ગાળામાં ફ્રાન્સ સરકારની શિષ્યવૃત્તિ મેળવી શોધકાર્ય કર્યું. 1966માં અમેરિકાની સરકારના આમંત્રણથી અમેરિકાનાં ગુફાચિત્રો(શૈલચિત્રો)નું અધ્યયન તથા તે દેશમાં વ્યાખ્યાન-પ્રવાસ. 1981માં કાપો દ-પોન્તે (ઇટાલી) ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પુરાતત્વ પરિષદમાં શોધનિબંધ પ્રસ્તુત કર્યો. આ ઉપરાંત, પ્રાગ્ઐતિહાસિક ગુફાચિત્રોનું સંશોધન હાથ ધર્યું. 1984માં અમેરિકામાં ‘વિશ્વને ભારતની ભેટ’ કલાપ્રદર્શનનું આયોજન તથા વ્યાખ્યાન. તે જ વર્ષે મેક્સિકોની માયા તથા અજટેક સંસ્કૃતિનું અધ્યયન કર્યું. 1985માં આસામના આંતરિક પ્રદેશોની પદયાત્રા કરી.
1976માં પુરાતત્વ-સંશોધન અને ઉત્ખનન તથા પથ્થરયુગની ચિત્રકલા પર 31 જેટલા સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા. તેઓ પ્રથમ પંક્તિના ચિત્રકાર હોવાથી દેશવિદેશમાં એકલ કલાપ્રદર્શનનું આયોજન કર્યું, જેમાં ઇટાલીના પાટનગર રોમ, ફ્રાન્સના પાટનગર પૅરિસ તથા ઑસ્ટ્રિયાના પાટનગર વિયેના ખાતે યોજાયેલ કલાપ્રદર્શનનો સમાવેશ થયો હતો. અમેરિકાનાં જુદાં જુદાં નગરોમાં તેમણે ‘વસુધૈવ કુટુમ્બકમ્ કલાપ્રદર્શન’નું આયોજન કર્યું હતું.
તેમણે ચંબલ તથા નર્મદા ખીણમાં, સરસ્વતી નદીના પ્રદેશમાં, આસામ અને દક્ષિણ ભારતમાં વિસ્તૃત પુરાતત્ત્વીય સર્વેક્ષણ કર્યું છે; જેમાં 1955માં નાવદા ટોલી, 1954માં મધ્યપ્રદેશના મહેશ્વર, 1959માં ઇન્દ્રગઢ, 1960માં મનોટી અને આવરા, 1961માં વર્કોનિયમ રોમન પ્રદેશ, 1962માં ફ્રાન્સ તથા ઇમ્ફાલ, 1966માં કાયથા, 1971-78ના ગાળામાં મધ્ય પ્રદેશના ભીમબેટકા, 1974 તથા 1976માં મધ્ય પ્રદેશના મંદસોર, 1974 અને 1982માં દંગવાડા તથા 1980માં રુનિજા ખાતે તેમણે કરેલા પુરાતત્વ ઉત્ખનનનો સમાવેશ થાય છે.
ભારતીય ગુફાચિત્રકલા અંગેનો તેમનો એક રંગીન સચિત્ર ગ્રંથ અમેરિકાની યેલ યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો છે; જેમાં અમેરિકાના તે ક્ષેત્રના જાણીતા વિદ્વાન રૉબર્ટ આર. બ્રુક્સ સહલેખક તરીકે જોડાયેલા છે. આ ઉપરાંત, તેમનો એક વાર્તાસંગ્રહ તથા ભારતના આર્યોની સમસ્યા અંગેના ગ્રંથો હિંદી તથા અંગ્રેજીમાં પ્રકાશિત થયા છે.
તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા; જેમાં થિયોસૉફિકલ સોસાયટી, ઉજ્જૈન; ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉંગ્રેસ, ચંડીગઢ; ભારતીય ઇતિહાસ સંશોધનમંડળ, પુણે; ભારતીય પુરાતત્વ પરિષદ; સોસાયટી ફૉર રૉક આર્ટ સ્ટડિઝ ઇન ઇન્ડિયા; યુનેસ્કો ઇન્ટરનૅશનલ રૉક આર્ટ સ્ટડિઝ; ભારતીય કલાભવન, ઉજ્જૈન; વિશાલા શોધ પરિષદ, ઉજ્જૈન; બાબાસાહેબ આપટે ઇતિહાસ સંકલન સમિતિ (મધ્ય પ્રદેશ તથા ગુજરાત); વૈદિક સરસ્વતી શોધ અભિયાન દલ વગેરેનો સમાવેશ થાય છે.
1975માં ભારતના રાષ્ટ્રપતિએ તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી સન્માન્યા હતા.
એપ્રિલ, 1988માં તેઓ શોધનિબંધ પ્રસ્તુત કરવા માટે સિંગાપુર ગયા હતા, જ્યાં એક ચિત્રકામ કરવામાં તે મશગૂલ હતા તે દરમિયાન તેમના પર હૃદયરોગનો હુમલો થયો અને જે સ્થિતિમાં તેઓ હાથમાં રંગની પીંછી સાથે ખુરશીમાં બેઠા હતા તે જ સ્થિતિમાં તેમનું અવસાન થયું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે