વાઇરૉઇડ : વિરિયોન (વાઇરસનું ચેપકારક સૂક્ષ્મકણ) કરતાં સરળ રચના ધરાવતા કણો. આ કણો RNAના અત્યંત ટૂંકા ખંડ સ્વરૂપે હોય છે. તેઓ સૌથી સૂક્ષ્મ વાઇરસના કરતાં દશમા ભાગ જેટલા હોય છે. વાઇરૉઇડના RNAના ખંડો નગ્ન હોય છે. તેમની ફરતે પ્રોટીનનું આવરણ (capsid) હોતું નથી. વાઇરસની જેમ વાઇરૉઇડનો જૈવિક દરજ્જો નિશ્ચિત છે. તે યોગ્ય યજમાન વનસ્પતિકોષ કે પ્રાણીકોષમાં પ્રવેશ્યા પછી સક્રિય બને છે. તે સિવાય તે નિર્જીવની જેમ લાંબા સમય સુધી નિષ્ક્રિય અવસ્થા કે સુષુપ્તાવસ્થા ગુજારે છે. યજમાનકોષમાં પ્રવેશ્યા પછી તે અત્યંત ઝડપથી દ્વિગુણન (replication) કરે છે. તેનું જીવનચક્ર વાઇરસના જીવનચક્ર જેવું જ હોય છે. કોઈ પણ જાણીતા વાઇરસમાં ટૂંકામાં ટૂંકો RNAનો ખંડ લગભગ 5,000 નાઇટ્રોજન બેઝ ધરાવે છે; જ્યારે વાઇરૉઇડના RNAની લંબાઈ માત્ર 350 નાઇટ્રોજન બેઝ જેટલી જ હોય છે. તેઓ ઘણી વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોવાનું જણાયું છે. બટાટાના ગ્રંથિલને ચેપ લગાડતું વાઇરૉઇડ પ્રાણી માટે ચેપકારક નથી.
તેની ન્યૂક્લિયૉટાઇડ ઘણી વાર યુગ્મિત (paired) હોય છે; જેથી અણુ બંધ, પાશયુક્ત અને ત્રિપારિમાણિક રચનાવાળો બને છે અને કોષીય ઉત્સેચકોથી રક્ષણ મળે છે. આ RNA કોઈ પણ પ્રોટીનનું સંકેતન કરતા નથી.
આધુનિક સંશોધનો પ્રમાણે, આ વાઇરૉઇડની શૃંખલાઓ ઇન્ટ્રૉન (intron) સાથે સામ્ય ધરાવે છે. ઇન્ટ્રૉન જનીનિક દ્રવ્યની પૉલિપેપ્ટાઇડનું સંકેતન નહિ કરતી શૃંખલાઓ છે. આ અવલોકન પરથી એવું અનુમાન બાંધવામાં આવ્યું છે કે વાઇરૉઇડનો ઉદ્વિકાસ ઇન્ટ્રૉનમાંથી થયો હશે.
જૈમિન વિ. જોશી