વાઇનર, જેકોબ
January, 2005
વાઇનર, જેકોબ (જ. 1892; અ. 1970) : આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતોના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર અર્થશાસ્ત્રી. તેમનો ઉછેર કૅનેડાના મૉન્ટ્રિયલ નગરમાં થયેલો હતો. મૅકગિલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી તેમણે કૅનેડાના સ્ટીફન લીકૉકના માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. ત્યારપછી તેઓ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના ક્ષેત્રના નિષ્ણાત અર્થશાસ્ત્રી ફ્રૅન્ક ટૉસિગના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1916-17 વર્ષ દરમિયાન તેમણે શિકાગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે અને ત્યારબાદ ફરી 1919-1946ના ગાળામાં તે જ પદ પર કામ કર્યું. 1946-60 દરમિયાન તેમણે અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું, જ્યાંથી 1960માં તેઓ નિવૃત્ત થયા. શિકાગો યુનિવર્સિટીના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ફ્રન્ક નાઇટ (1885-1973) સાથે ‘જર્નલ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ નામના સામયિકનું સંપાદનકાર્ય પણ કર્યું હતું.
તેમણે લખેલા ‘સ્ટડિઝ ઇન ધ થિયરી ઑવ્ ઇન્ટરનૅશનલ ટ્રેડ’ ગ્રંથમાં વ્યાપારવાદને વખોડી કાઢી તે વિચારસરણીના અમલને કારણે દેશને કેટલું અને કેવું નુકસાન થઈ શકે છે તે સાબિત કરી આપ્યું હતું. તેમનો ‘કસ્ટમ્સ યુનિયન’ (1950) નામનો ગ્રંથ પણ જાણીતો છે, જેમાં તેમણે વ્યાપાર મંડળની સ્થાપનાથી સભ્ય દેશોને થતા લાભાલાભનું તર્કશુદ્ધ વિશ્લેષણ કર્યું છે. જૉન રી દ્વારા લખાયેલ ‘લાઇફ ઑવ્ ઍડમ સ્મિથ’ ગ્રંથમાં વાઇનરે લખેલ પ્રસ્તાવના પણ પ્રશંસનીય બની હતી. ‘ડમ્પિંગ’ શીર્ષક હેઠળનો ગ્રંથ પણ તેની વિશ્લેષણાત્મક ગુણવત્તા માટે જાણીતો બન્યો હતો. ‘ધ લૉન્ગ વ્યૂ ઍન્ડ ધ શૉર્ટ’ (1958) શીર્ષક હેઠળના ગ્રંથમાં તેમના કેટલાક લેખો ગ્રંથસ્થ થયેલા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે