વાઇટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ  દ્વિદળી; ઉપવર્ગ  મુક્તદલા (Polypetalae); શ્રેણી  બિંબપુષ્પી (Disciflorae); ગોત્ર  સિલેસ્ટ્રેલિસ, કુળ વાઇટેસી. આ કુળમાં 11 પ્રજાતિઓ અને 600 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું છે. તે ઉત્તર અને દક્ષિણ સમશીતોષ્ણ પ્રદેશો સુધી વિસ્તરેલું છે. ભારતમાં 8 પ્રજાતિઓ અને 95 જાતિઓ થાય છે. Vitis પ્રજાતિની કેટલીક વન્ય (wild) જાતિઓ અને કૃષ્ટ (cultivated) જાતો સમશીતોષ્ણ પ્રદેશોમાં, ખાસ કરીને ભૂમધ્યસમુદ્રીય વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. Cissus આ કુળની સૌથી મોટી પ્રજાતિ (300 જાતિઓ) છે અને ઉષ્ણકટિબંધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં થાય છે. તેની 4 જાતિઓ અમેરિકામાં સ્થાનિક છે. Vitisની 50 જેટલી અને Ampelopsisની 15 જેટલી જાતિઓ જોવા મળે છે. તેની જાણીતી જાતિઓમાં દ્રાક્ષ (Vitis vinifera), વર્જિનિયા ક્રિપર (Parthenocissus quinquefolia), બોસ્ટન આઇવી (P. tricupsidata) વગેરે છે.

આ કુળની મોટાભાગની જાતિઓ કાષ્ઠમય આરોહી હોય છે. આરોહણની પ્રક્રિયા સૂત્ર (tendril), અસ્થાનિક મૂળ કે શ્લેષી બિંબ દ્વારા થાય છે. સૂત્ર આધારતલ સાથે વીંટળાય છે. દા.ત., દ્રાક્ષ. તેની અગ્રકલિકા સૂત્રમાં પરિણમ્યા પછી કક્ષકલિકામાંથી ઉદભવતી શાખા અત્યંત ઝડપથી વૃદ્ધિ સાધી મુખ્ય અક્ષનું સ્થાન લે છે. આમ, પ્રકાંડ સંયુક્તાક્ષજન્ય (sympodium) બને છે. તે નળાકાર, કોણીય કે ચપટું અને તેની ગાંઠો ફૂલેલી કે સાંધામય હોય છે. Ampelocissusમાં આરોહણ માટે શ્લેષી બિંબ જોવા મળે છે. Leeaની જાતિઓ વૃક્ષ, ક્ષુપ કે શાકીય હોય છે. પ્રકાંડમાંથી પાણી જેવો રસ સ્રવે છે. પર્ણો સાદાં (દા.ત., Vitis) અથવા પંજાકાર (palmate) કે ભાગ્યે જ પીંછાકાર (pinnate) સંયુક્ત (દા.ત., Leea), એકાંતરિક અથવા કેટલીક વાર નીચેનાં પર્ણો સંમુખ હોય છે. પર્ણો ઉપર કેટલીક વાર ટપકાં જેવી રાળગ્રંથિઓ જોવા મળે છે. ઉપપર્ણો (stipules) ત્વચીય કે શીઘ્રપાતી (caducous) હોય છે.

પુષ્પવિન્યાસ પર્ણસંમુખ શૂકી (spike), કલગી (raceme), લઘુપુષ્પગુચ્છી (panicle) કે દ્વિશાખી (biparous) પરિમિત પ્રકારનો હોય છે. પુષ્પવિન્યાસ-અક્ષ ઘણી વાર સૂત્રમાં કે શ્લેષી બિંબોમાં રૂપાંતર પામે છે. Pterisanthesમાં તે પહોળો અને ચપટો બને છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, ભાગ્યે જ એકલિંગી [મોટેભાગે એકગૃહી (monoecious), છતાં કેટલીક જાતિઓ દ્વિગૃહી (dioecious)]. ચતુર્વયવી (tetramerous) કે પંચાવયવી (pentamerous), અધોજાયી (hypogynous) અથવા સહેજ પરિજાયી (perigynous) અંતર્પુંકેસરીય (intrastaminal) બિંબ મોટું, વલયાકાર, વિસ્તૃત કે ગ્રંથિયુક્ત હોય છે.

વાઇટેસી : દ્રાક્ષ (Vitis vinifera) : (અ) ફળ સહિતની શાખા : (આ) ખુલ્લું કરેલું પુષ્પ, (ઇ) પુષ્પનો ઊભો છેદ, (ઈ) વજ્ર અને દલપુંજ વિનાનું પુષ્પ, (ઉ) ફળનો આડો છેદ અને બીજ, (ઊ) પુષ્પારેખા (floral diagram)

વજ્ર 4 કે 5 વજ્રપત્રોનું બનેલું હોય છે અને વજ્રપત્રો જોડાઈને નાનું પ્યાલાકાર કે દંતુર (toothed) બને છે અથવા અસ્પષ્ટ વલય-સ્વરૂપે અવશિષ્ટ હોય છે. કલિકાન્તરવિન્યાસ (aestivation), ધારાસ્પર્શી (valvate) પ્રકારનો હોય છે. દલપુંજ 4 કે 5 દલપત્રોનો બનેલો હોય છે. દલપત્રો મુક્ત કે માત્ર અગ્રભાગેથી જોડાયેલાં, ધારાસ્પર્શી અને શીઘ્રપાતી (caducous) હોય છે અને ટોપીની જેમ તે ખરી પડે છે. પુંકેસરચક્ર 4 કે 5 પુંકેસરો ધરાવે છે. તેઓ તલસ્થભાગેથી પરસ્પર જોડાયેલાં (દા.ત., Leea) અથવા મુક્ત, દલપત્ર-સંમુખ અને બિંબના તલસ્થ ભાગ સાથે જોડાયેલાં અથવા તેના ખંડોની વચ્ચે ગોઠવાયેલાં હોય છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી અને અંતર્મુખી (introse) રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર 2થી 4 જોડાયેલાં સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. Vitisમાં 2 સ્ત્રીકેસરો અને Leeaમાં 3થી 8 સ્ત્રીકેસરો હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ અને દ્વિ-થી બહુ-કોટરીય હોય છે અને અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક અથવા બે અધોમુખી (anatropous) અંડકો આવેલાં હોય છે. પરાગવાહિની ટૂંકી, પાતળી કે શંકુ આકારની હોય છે. કેટલીક જાતિઓમાં તેનો અભાવ હોય છે. પરાગાસન સમુંડ (capitate) કે બિંબાકાર (discoid) કે અગ્રસ્થ (terminal) હોય છે. ફળ ગોળાકાર અનષ્ઠિલ (berry) પ્રકારનું હોય છે. બીજમાં ભ્રૂણપોષ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તે રેસાભેદિત (ruminated) પ્રકારનો હોય છે. બીજાવરણો સખત અને ભ્રૂણ ટૂંકો અને તલસ્થ હોય છે.

પુષ્પીય સૂત્ર (floral formula) :

આ કુળમાં આવેલી દ્રાક્ષ, હાડસાંકળ (Vitis quadrangularis), ખાટખટુંબો (V. trifolia), Leea cripsa, L. Macrophylla અને L. equata વગેરે આર્થિક અગત્યની વનસ્પતિઓ છે.

મોટાભાગના વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને રહેમ્નેલિસ ગોત્રમાં મૂકે છે અને રહેમ્નેસી કુળ સાથે ગાઢ રીતે સામ્ય દર્શાવે છે. આ કુળ આરોહણપદ્ધતિ, અનષ્ઠિલ ફળ અને પુષ્કળ ભ્રૂણપોષયુક્ત બીજ જેવાં લક્ષણોના કારણે ર્હેમ્નેસીથી જુદું પડે છે.

બળદેવભાઈ પટેલ