વાઇઝ, રૉબર્ટ
January, 2005
વાઇઝ, રૉબર્ટ (જ. 10 સપ્ટેમ્બર 1914, ઇન્ડિયાના, વિન્ચેસ્ટર, અમેરિકા) : ચલચિત્રનિર્માતા, અભિનેતા, દિગ્દર્શક, સંપાદક, ધ્વનિસંયોજક. ‘સિટિઝન કેન’ જેવા પ્રશિષ્ટ ચિત્રનું સંપાદન કરનાર રૉબર્ટ વાઇઝે કારકિર્દીનો પ્રારંભ ધ્વનિસંયોજક તરીકે કર્યો હતો. ત્રણ ભાઈઓમાં સૌથી નાના રૉબર્ટે 19 વર્ષની વયે એ સમયના ખ્યાતનામ આર. કે. ઓ. સ્ટુડિયોમાં નોકરી શરૂ કરી હતી. ચિત્રો જોવાના તેમના ગજબના શોખે તેઓ આ વ્યવસાય તરફ ખેંચાયા હતા. દરમિયાનમાં તેમની સૂઝ જોઈને સ્ટુડિયોમાં તેમને જવાબદારીભર્યાં કાર્યો મળવા માંડ્યાં હતાં, પણ થોડા જ સમયમાં આ એકધારા કામથી તેઓ કંટાળી જતાં ચલચિત્રસંપાદન તરફ વળ્યા અને 1936માં પહેલી વાર ‘વિન્ટરસેટ’ અને પછી ‘ધ હન્ટબૅક ઑવ્ નોત્રેદામ’ ચિત્રોનું સંપાદન કર્યું. 1941માં ઓર્સન વેલેસે ‘સિટિઝન કેન’નું સંપાદન તેમને સોંપ્યું. રૉબર્ટ વાઇઝે અદ્ભુત કામ કરી આપ્યું. 1942માં ‘એ મૅગ્નિફિસન્ટ એમ્બર્સન્સ’ સહિત કેટલાંક ચિત્રોનું સંપાદન કર્યા બાદ વાઇઝે પોતે ફિલ્મોનું દિગ્દર્શન શરૂ કર્યું.
પ્રારંભે તેમને ‘ધ કર્સ ઑવ્ ધ કૅટ પીપલ’ (1944) જેવાં મધ્યમ સ્તરનાં ચિત્રોનું દિગ્દર્શન કરવા મળ્યું, પણ 1949માં ‘ધ સેટ અપ’ ચિત્રથી તેમણે દિગ્દર્શન-ક્ષેત્રે પોતાની જાતને સ્થાપિત કરી દીધી અને કેટલાંક યાદગાર ચિત્રો બનાવ્યાં, જેમાં ‘વેસ્ટ સાઇડ સ્ટોરી’ (1961), ‘ધ હૉન્ટિંગ’ (1963), ‘ધ સાઉન્ડ ઑવ્ મ્યૂઝિક’ (1965) સહિતનાં ચિત્રોનો સમાવેશ થાય છે. 1971થી 1975 સુધી તેઓ ડિરેક્ટર ગિલ્ડ ઑવ્ અમેરિકાના પ્રમુખ રહ્યા હતા.
રૉબર્ટ વાઇઝને 1941માં ‘સિટિઝન કેન’ માટે શ્રેષ્ઠ સંપાદક તરીકે અને 1958માં ‘આઇ વૉન્ટ ટુ લિવ’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનું નામાંકન મળ્યું હતું. 1961માં તેમણે નિર્માણ કરેલા ‘વેસ્ટ સાઇડ સ્ટોરી’ને શ્રેષ્ઠ ચિત્ર અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિત કુલ દસ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યા હતા. 1965માં ‘ધ સાઉન્ડ ઑવ્ મ્યૂઝિક’ને પણ શ્રેષ્ઠ ચિત્ર અને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઑસ્કાર મળ્યો હતો. એ પછી 1966માં ‘ધ સૅન્ડ પેબલ્સ’ને શ્રેષ્ઠ ચિત્રનું નામાંકન મળ્યું હતું. એ જ વર્ષે ઑસ્કાર એનાયત કરતી અકાદમીએ તેમને ‘ધી ઇરવિંગ જી. થોલબર્ગ મેમૉરિયલ ઍવૉર્ડ’ આપીને તેમનું બહુમાન કર્યું હતું. 1942માં તેમણે અભિનેત્રી પેટ્રિસિયા ડોયલ સાથે લગ્ન કર્યાં હતાં. પેટ્રિસિયાનું અવસાન 1972માં થયું હતું.
દિગ્દર્શક તરીકે નોંધપાત્ર ચિત્રો : ‘ધ બૉડી સ્નેચર’ (1945), ‘બૉર્ન ટુ કિલ’ (1947), ‘ધ સેટ અપ’ (1949), ‘ધ ડે ધ અર્થ સ્ટુડ સ્ટિલ’ (1951), ‘હેલન ઑવ્ ટ્રૉય’ (1955), ‘ધિસ કુડ બી નાઇટ’ (1957), ‘રન સાઇલન્ટ, રન ડીપ’ (1958), ‘વેસ્ટ સાઇડ સ્ટોરી’ (1961), ‘ધ હૉન્ટિંગ’ (1963), ‘ધ સાઉન્ડ ઑવ્ મ્યૂઝિક’ (1965), ‘ધ સૅન્ડ પેબલ’ (1966), ‘ટુ પીપલ’ (1973), ‘સ્ટાર ટ્રૅક ધ મોશન પિક્ચર’ (1979), ‘રૂફ ટૉપ્સ’ (1989).
હરસુખ થાનકી