વાઇગુ સ્મારક, ઈસે (જાપાન) : જાપાનના શિન્તો ધર્મનું પ્રાચીનતમ તીર્થધામ. દક્ષિણ-પૂર્વ જાપાનના નારાના દરિયાકાંઠે ઈસેના સ્થળે વાઇગુ સ્મારક આવેલું છે. સામાન્ય રીતે તે ઈસેના મંદિર તરીકે જાણીતું છે. અહીં અનેક સ્મારકોનો સમૂહ છે. અહીં બે સ્વતંત્ર અલગ અલગ મંદિરો આવેલાં છે – નાઇકુ (અંદરનું મંદિર) અને ગેકુ (બહારનું મંદિર). સામ્રાજ્યની પૂર્વજ અને સૂર્યદેવી ગણાતી અમનેરાસુદેવીને નાઇકુ મંદિર અર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે ગેકુ મંદિર ફળદ્રૂપતા અને ખોરાકની દેવી ગણાતી દેવી તોયુકે-ઓમિકામિને સમર્પિત છે. સાતમી સદીથી દર વીસ વર્ષે આ મંદિરસમૂહના દરેક ભાગનું પુનર્નિર્માણ થતું આવ્યું છે. આમ વારંવારના પુનર્નિર્માણના જીર્ણોદ્ધારને કારણે ઈસેનું મંદિર પ્રાચીન હોવા છતાં હંમેશ નવું જ જણાય છે.

વાઇગુ સ્મારક, ઈસે

ઈસેના મંદિરમાં કેટલીક વિભાવનાઓનું સંયોગીકરણ કરવામાં આવ્યું છે. રાજકુટુંબના પૂર્વજનું મંદિર, સૂર્યદેવીનું નિવાસસ્થાન, પવિત્ર દર્પણ અને ઈસે જિલ્લાના દેવનું નિવાસસ્થાન વગેરેને મંદિરના મધ્ય સ્તંભમાં પ્રતીકાર્થ કરવામાં આવ્યાં છે. રાજકુટુંબ અને રાષ્ટ્ર સાથેના સંબંધને કારણે તેને જાપાનના અસલ મંદિરનો દરજ્જો મળ્યો છે. તકારા-દેન (પવિત્ર ધનભંડાર) અને મિકે-દેન (પવિત્ર ભોગમંડપ) – આ બંને વિભાગો મંદિરને ફરતા પ્રાકાર(કોટ)માં આવેલા છે. અરમાતસુરિનોમિયા ઈસેના દેવના આત્માનું મંદિર છે. ઈસેના મંદિરની મૂળ ઇમારત સંભવત: લાકડાનાં સમતલ પાટિયાં વડે પ્રાગૈતિહાસિક અઝેકુરા(અનાજના કોઠાર)ની શૈલીએ બનાવવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રનું આ મહત્વનું મંદિર હોવાથી આ ઇમારત નાની પડી તેથી સ્વતંત્ર સ્તંભો અને મોભ બાંધીને તેનો વિસ્તાર વધારવામાં આવ્યો. મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે તેને પરંપરાગત પવિત્ર ઇમારતોની જેમ બાંધવામાં આવ્યું હતું. ભૌતિક જગતથી તેને છૂટું પાડવા તેને ફરતે ગાઢ જંગલો, પર્વતો અને પાણી(ખાઈ હશે)નો આધાર લેવામાં આવ્યો છે. કેન્દ્રનું મંદિર હાલમાં ‘શિમ્મેઇ ઝુકુરિ’ તરીકે ઓળખાય છે, જ્યારે બીજી સ્વતંત્ર ઇમારતો ‘યુઈત્સુશિમ્મેઇ ઝુકુરિ’ તરીકે ઓળખાય છે. આમાં કેન્દ્રનું મંદિર બેનમૂન છે. મધ્યની સીડીને ઢાંકવા બનાવેલા નવા મંદિરનું આયોજન મૂળ મંદિરના જેવું જ છે અને તે ‘નાગરે ઝુકુરિ’ તરીકે ઓળખાય છે. કર્મકાંડની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મૂળ મંદિરને વિસ્તારીને આ મંદિર બાંધવામાં આવ્યું હતું.

સ્નેહલ શાહ, અનુ. થોમસ પરમાર