વાઇઝમન, ઑગસ્ટ
January, 2005
વાઇઝમન, ઑગસ્ટ (જ. 1834, ફ્રૅન્કફર્ટ, જર્મની; અ. 1914, ફ્રીબર્ગ) : જનીનવિજ્ઞાનના સ્થાપકોમાંના એક તરીકે જાણીતા પ્રખ્યાત જર્મન જીવવિજ્ઞાની. જનનરસ(germ plasm)ના પ્રણેતા, ડાર્વિનવાદના સમર્થક. જ્યારે લૅમાર્કનાં ઉપાર્જિત લક્ષણોના વારસા(inheritance of acquired characters)ના જોરદાર વિરોધક. જનનરસના સિદ્ધાંતને હાલના DNAના સિદ્ધાંતના અગ્રયાયી (fore-runner) તરીકે વર્ણવી શકાય. જનનરસના સિદ્ધાંત મુજબ જીવરસ (protoplasm) બે પ્રકારના હોય છે : દેહરસ (somatoplasm) અને જનનરસ. સામાન્ય રીતે શરીરનું બંધારણ દેહરસને આભારી છે, જ્યારે જનનરસ માત્ર પ્રજનનકોષો(gametes)માં હોય છે. દેહરસમાં થતા ફેરફારો જીવનકાળ પૂરતું મર્યાદિત હોય છે; જ્યારે જનનરસ આનુવંશિક લક્ષણોનું સંચારણ કરે છે. આ નિવેદન, બધા સજીવોમાં આનુવંશિકતા માટે એક વિશિષ્ટ કારણભૂત દ્રવ્ય હોય છે તેનું સૂચક છે.
ઉપર્યુક્ત વિચારધારા આજે પણ પ્રમાણભૂત ગણાય છે. જોકે હાલના મંતવ્ય મુજબ જનનરસના સ્થાને રંગસૂત્રો, જનીનો DNA જેવા શબ્દો રૂઢ છે. જનનરસના સિદ્ધાંતના સમર્થન માટે, આધારભૂત ગણી શકાય તેવા પ્રાયોગિક પુરાવાનો સાવ અભાવ છે.
વાઇઝમન, નાનપણથી આસપાસમાં આવેલ પ્રદેશમાં પ્રવાસ ખેડવાના શોખીન હતા અને કીટકો, વનસ્પતિ જેવા સજીવો ભેગા કરી તેમને સંઘરતા. 1852થી 1856 દરમિયાન આયુર્વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે ગૉટિન્જેન વિશ્વવિદ્યાલયમાં જોડાયા અને રસાયણ-સહાયક અને ચિકિત્સક તરીકેની ફરજ બજાવી. 1860માં તેઓ ફ્રીબર્ગ ગયા અને પ્રાણીશાસ્ત્રના સંશોધનમાં રસ લેતા થઈ ગયા; પરંતુ નબળી આંખને લીધે તેમના માટે સૂક્ષ્મદર્શકની મદદથી નિરીક્ષણ કરવાનું લગભગ અશક્ય બન્યું. તેથી વાઇઝમને તાત્ત્વિક સિદ્ધાંતો પ્રત્યે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રજનન દરમિયાન માતા અને પિતાના શરીરમાં આવેલાં આનુવંશિક દ્રવ્યો ફલિતાંડ(embryo)માં એકઠાં થતાં હોવાથી, તેઓએ અનુમાન કર્યું કે સંક્રમણકાળ દરમિયાનના એક તબક્કે આનુવંશિક દ્રવ્યનું અર્ધીકરણ થવાથી સંતાનોમાં જનનરસનું પ્રમાણ જળવાય છે.
ઉપાર્જિત લક્ષણો સંતાનોમાં ઊતરતાં નથી તે સમજાવવા ઉંદરોની પૂંછડીઓને કાપી, આ પૂંછડીઓ વગરનાં ઉંદરોનાં સંતાનોને પૂંછડીઓ હોય છે તેની સાબિતી આપી.
વાઇઝમન પોતાના ઉત્તર જીવન દરમિયાન પ્રવાસ કરીને આનુવંશિકતા અને ઉત્ક્રાંતિવાદના પોતાના વિચારોની વ્યાખ્યાનો દ્વારા રજૂઆત કરતા રહેલા. હાલમાં એક પ્રખ્યાત જીવવિજ્ઞાની તરીકે વાઇઝમનની ગણના થાય છે. તેમણે ‘જનનરસ’ પર લખેલ મૌલિક ગ્રંથનું પ્રકાશન 1892માં થયેલું.
યોગેશ દલાલ, મ. શિ. દુબળે