વાઇઝર, ફ્રેડરિક વૉન (જ. 1851; અ. 1926) : અર્થશાસ્ત્રમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં પ્રચલિત બનેલી ઑસ્ટ્રિયન વિચારધારાથી પ્રભાવિત અર્થશાસ્ત્રી. ઉમરાવ પરિવારમાં જન્મ. વિયેના, બર્લિન તથા પ્રાગ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ લીધું. ઑસ્ટ્રિયન વિચારધારાના પ્રવર્તક કાર્લ મેન્જર(1840-1921)ના સીમાવર્તી તુષ્ટિગુણના સિદ્ધાંતથી વાઇઝર બહુ પ્રભાવિત થયા હતા. 1903માં વાઇઝરની નિમણૂક વિયેના યુનિવર્સિટીમાં મેન્જરના સ્થાને અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે થઈ હતી. આ પદ પર તેમણે 1925 સુધી કામ કરેલું. તે પૂર્વે થોડોક સમય તેમણે પ્રાગ યુનિવર્સિટીમાં અધ્યાપન-કાર્ય કરેલું. તેઓ કાર્લ મેન્જરના પ્રત્યક્ષ અને અગ્રણી અનુયાયી હોવા છતાં તેમના ત્રણેય ગ્રંથો ‘ધી ઓરિજિન ઍન્ડ પ્રિન્સિપલ લૉઝ ઑવ્ ઇકૉનૉમિક વૅલ્યૂ’ (1884), ‘નૅચરલ વૅલ્યૂ’ (1889) તથા ‘થિયરી ઑવ્ સોશ્યલ ઇકૉનૉમિક્સ’(1914)ના અંગ્રેજી ભાષામાં અનુવાદ થયેલા હોવાથી કાર્લ મેન્જર કરતાં ફ્રેડરિક વૉન વાઇઝર વધુ ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યા હતા.

તેમનો ગ્રંથ ‘ધ થિયરી ઑવ્ વૅલ્યૂ’ જે વિનિમય તથા વહેંચણીની આર્થિક પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરે છે તે વાઇઝરનું અર્થશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન ગણાય છે. કાર્લ મેન્જરના સિદ્ધાંતોની વિશદ સમજણ તો વાઇઝરે આપી જ, પણ તેમ કરવાની સાથોસાથ તેમણે કેટલાક સ્વતંત્ર નિષ્કર્ષો પણ રજૂ કર્યા છે. એકબીજાની પૂરક ગણાતી વસ્તુઓનો ઉત્પાદનખર્ચ અને તેમનું મૂલ્ય કેવી રીતે નિર્ધારિત થાય છે તથા અર્થતંત્રમાં સંપત્તિની વહેંચણી કયા સિદ્ધાંતોને અધીન હોય છે તેનું તલસ્પર્શી વિશ્લેષણ વાઇઝરે કર્યું છે. સાથોસાથ વાઇઝરે બીજગણિતનાં કેટલાંક સમીકરણોને આધારે એકબીજાને પૂરક ગણાતી વસ્તુઓનો કુલ ઉત્પાદનમાં અલગ અલગ રીતે કેટલો ફાળો હોય છે તેનું વિશ્લેષણ પણ કર્યું છે.

વાઇઝરે રજૂ કરેલ ‘થિયરી ઑવ્ ઇમ્પ્યૂટેશન’ પણ ઘણા રસપ્રદ વિશ્લેષણ તરફ દોરી જાય છે. માંગ, પુરવઠો અને વસ્તુની ગુણવત્તાના વિવિધ અને વૈકલ્પિક સંજોગોમાં વસ્તુઓનું મૂલ્ય કેવી રીતે નિર્ધારિત થાય છે તે અંગેના નિયમો પણ તેમણે તારવ્યા છે. તેમણે રજૂ કરેલ ‘થિયરી ઑવ્ સોશ્યલ ઇકૉનૉમી’ નામના તેમના ત્રીજા ગ્રંથમાં તેમણે સામાજિક અર્થતંત્ર(social economy)ને મૂલ્યના નિર્ધારણને લગતા ઑસ્ટ્રિયન વિચારધારા દ્વારા રજૂ કરેલ સિદ્ધાંતો કેવી રીતે લાગુ પડે છે તે વિશદ કરવાનો પ્રયાસ કર્યો છે. આધુનિક ઑસ્ટ્રિયન વિચારધારા અર્થતંત્રમાં ઉદભવતી દરેકેદરેક સમસ્યાનું નિરાકરણ શોધવામાં સક્ષમ છે એવી તેમની દૃઢ માન્યતા હતી અને તેટલે અંશે મૂળ ઑસ્ટ્રિયન વિચારધારાને નવું બળ પૂરું પાડવાનું કાર્ય ફ્રેડરિક વૉન વાઇઝરે કર્યું છે.

ઉત્પાદનખર્ચને લગતો તેમણે તારવેલો નિયમ પાછળથી અર્થશાસ્ત્રમાં વૈકલ્પિક ખર્ચના સિદ્ધાંત તરીકે જાણીતો બન્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે