વાઇગલ, હેલન
January, 2005
વાઇગલ, હેલન (જ. 1900; અ. 1972) : વિશ્વવિખ્યાત જર્મન નટી. નાટ્યકાર અને નાટ્યવિદ બર્ટોલ્ટ બ્રેખ્તની પત્ની. બ્રેખ્તના અત્યંત નાટ્યાત્મક જીવન અને સંઘર્ષમય વિદેશનિવાસ દરમિયાન એમની સાથે અડીખમ ઊભાં રહી ક્રાંતિકારી થિયેટર-પ્રણાલિમાં સહયોગ આપી, બ્રેખ્તના મૃત્યુ પછી બર્લિનર એન્સેમ્બલ થિયેટરને માર્ગદર્શન આપનારી આ નટીએ જગતના નાટ્યઇતિહાસમાં ખૂબ મોટું કામ કર્યું છે. જર્મનીમાં આપખુદ હિટલરે માથું ઊંચક્યું અને બ્રેખ્તનાં નાટકોની હોળી કરી ત્યારે આ દંપતીએ છૂપા વેશે જર્મની છોડવું પડ્યું એ પહેલાંથી બ્રેખ્તના નાટક ‘માણસ એટલે માણસ’(1928)માં હેલને અભિનય શરૂ કર્યો હતો. એની અભિનય-કારકિર્દીનું ઉચ્ચ શિખર એ બે પાત્રો રૂસી નાટ્યલેખક મૅક્સિમ ગૉર્કીની નવલકથા ‘મા’ના બ્રેખ્તના નાટ્યરૂપાંતરમાં માનું પાત્ર અને બ્રેખ્તના યુદ્ધવિરોધની વિષયવસ્તુવાળા નાટક ‘મધર કરેજ’માંનું માનું પાત્ર. એ ઉપરાંત ‘કોકેસિયન ચૉક સર્કલ’ અને ‘ત્રીજા રેઇકના શાસનમાં ભય અને ત્રાસ’ નામે નાટ્યદૃશ્યોમાં હેલનનો અભિનય ખૂબ નોંધપાત્ર હતો. પાત્રથી થોડે અંતરે રહીને નટી તરીકે પાત્ર-પ્રસ્તુતિ કરવાના બ્રેખ્તના નાટ્યસિદ્ધાંતને ચુસ્તપણે અનુસરતી હેલનની કારકિર્દી માટે કેટલાકે એવું પણ નોંધ્યું છે કે મધર કરેજને હેલન ગમે એટલા તાટસ્થ્યભાવથી પ્રસ્તુત કરતી, તોપણ પ્રેક્ષકો એના ચિત્રણ પ્રત્યે ખૂબ સહાનુભૂતિ દર્શાવતા. જ્યારે હેલન અને બ્રેખ્ત એવું ઇચ્છતાં હતાં કે ‘મધર કરેજ’ નાટક પછી યુદ્ધની ભીષણતા વિશે પ્રેક્ષકો વિચારતા થાય અને માના પાત્રને ધિક્કારે. એમાં નટી તરીકે હેલનની કુશળતા કેટલાકને જરૂર દેખાય, પણ નાટ્યઉદ્દેશની દૃષ્ટિએ એ નિષ્ફળતા ગણાય. 1956માં બ્રેખ્તના મૃત્યુ પછી 16 વર્ષ સુધી બર્લિનનાં હેલને માર્ગદર્શન આપ્યું અને દંપતીના અનેક વિદ્યાર્થીઓ સાથે મળી એ બ્રેખ્તનાં નાટકોની રજૂઆત કરી, સંવેદનશીલ નટી તરીકે તેમણે વિશ્વખ્યાતિ પણ મેળવી.
હસમુખ બારાડી