વાઇકિંગ અંતરીક્ષયાન શ્રેણી : મંગળ ગ્રહના અન્વેષણ માટે અમેરિકા દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલાં અંતરીક્ષયાનોની શ્રેણી. તેમાં વાઇકિંગ-1 અને વાઇકિંગ-2 અંતરીક્ષયાનો હતાં.

વાઇકિંગ-1 20 ઑગસ્ટ, 1975ના રોજ તથા વાઇકિંગ-2 9 સપ્ટેમ્બર, 1975ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યાં હતાં. આ બંને યાનોમાં મંગળ ગ્રહની સપાટી પર ઉતરાણ કરી શકે તેવાં અન્વેષી-યાનો રાખવામાં આવ્યાં હતાં, જે વિવિધ પ્રકારનાં સંકુલ ઉપકરણો ધરાવતાં હતાં.

વાઇકિંગ-1 અને વાઇકિંગ-2 યાનો અનુક્રમે 19 જૂન 1976 અને 7 ઑગસ્ટ 1976ના રોજ મંગળ ગ્રહની નજીક પહોંચ્યાં હતાં, ત્યારબાદ એ બંને અંતરીક્ષયાનોને મંગળની પ્રદક્ષિણા કરતી કક્ષામાં લાંબા સમય સુધી રાખવામાં આવ્યાં હતાં તથા બંને યાનોમાં રાખેલા ટેલિવિઝન કૅમેરા દ્વારા મંગળ ગ્રહની સપાટીની અત્યંત સ્પષ્ટ છબીઓ મોટી સંખ્યામાં મેળવવામાં આવી હતી. એ ઉપરાંત મંગળ ગ્રહના બે ઉપગ્રહો ફૉબૉસ (Phobos) અને ડીમોસ(Deimos)નાં અવલોકનો પણ મળ્યાં હતાં.

મંગળની ભૂમિ પર વાઇકિંગ અંતરીક્ષયાન

લગભગ એક મહિના પછી 20 જુલાઈ, 1976ના રોજ ઊર્ધ્વ-રૉકેટ તથા હવાઈ છત્રીની મદદથી વાઇકિંગ-1ના અન્વેષી-યાનને મંગળની સપાટી પરના મોટા મેદાનના વિસ્તારમાં સલામત રીતે ઉતારવામાં આવ્યું હતું તથા એ જ રીતે વાઇકિંગ-2માંથી અન્વેષી-યાનને 3 સપ્ટેમ્બર, 1976ના રોજ બીજા દૂરના મેદાન જેવા વિસ્તારમાં ઉતારવામાં આવ્યું હતું.

ત્યારબાદ એ બંને અન્વેષી-યાનોમાં રાખેલાં ઉપકરણો વડે મંગળના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ વિશે ઘણાં અવલોકનો લેવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત, સંકુલ પ્રકારનાં ઉપકરણો દ્વારા મંગળની સપાટી પરથી એકઠા કરેલા ધૂળના નમૂનાનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરીને તેમાં પ્રાથમિક કક્ષાની જીવ-સૃદૃષ્ટિના અસ્તિત્વ અંગે પ્રયોગો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનાં પરિણામો નિર્ણયાત્મક નહોતાં.

પરંતપ પાઠક