વાઇકિંગ : ઉત્તર યુરોપીય વિસ્તાર સ્કૅન્ડિનેવિયાના આઠમીથી દસમી સદી દરમિયાન આક્રમક સમુદ્રી ચડાઈઓ કરનારા અને લૂંટફાટ કરનારા લોકો. ગુજરાતમાં પ્રચલિત ચાંચિયા સાથે તેમનું સામ્ય જોઈ શકાય. સ્કૅન્ડિનેવિયા ભૌગોલિક વિસ્તાર છે; જેમાં ઉત્તર યુરોપીય વિસ્તારમાં આવેલા સ્વીડન, નૉર્વે, ડેન્માર્ક, આઇસલૅન્ડ અને તેમના વિસ્તારના ટાપુઓનો સમાવેશ થાય છે. સ્કૅન્ડિનેવિયનો પશ્ચિમ ઇંગ્લૅન્ડમાં વસ્યા તે પહેલાં ‘viking’ શબ્દ પ્રચલિત હતો જ અને ‘વાઇકિંગ’ શબ્દ આધુનિક સમયમાં પણ પ્રચલિત બન્યો. નવમી અને દસમી સદીનો પ્રારંભનો સમય સ્કૅન્ડિનેવિયન ઇતિહાસમાં ‘વાઇકિંગ-યુગ’ તરીકે ઓળખાય છે. તે સમયના ત્યાંના રહેવાસીઓએ આચરેલી આક્રમક સમુદ્રીય ચડાઈઓ અને યુરોપીય વિસ્તારમાં ચલાવેલાં લૂંટફાટ અને આતંક ઉક્ત યુગનું મુખ્ય લક્ષણ છે.

વાઇકિંગ યોદ્ધો

તે યુગ વિશે માહિતી સ્કૅન્ડિનેવિયન આધારો દ્વારા ઓછી મળે છે. તેમના દ્વારા જે જે પ્રદેશોમાં આક્રમણો થયાં, ધાડ-લૂંટ દ્વારા આતંક ફેલાવાયો ત્યાંના સાહિત્યિક આધારો વાઇકિંગવિષયક માહિતી આપે છે. તે દ્વારા તો વાઇકિંગને આતંકવાદી, તિરસ્કૃત, ઘાતકી, બેવફા, સંસ્કૃતિના દુશ્મન અને શાંતિપૂર્ણ માનવજીવનના વિરોધી યા દુશ્મન બતાવાયા છે. આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને જર્મનીના વિસ્તારોમાં તેમણે જે ત્રાસદાયક વાતાવરણ ફેલાવેલું તે જોતાં ઉપર કહેલ વિશેષણો સાર્થક જણાય છે; જોકે ઐતિહાસિક રીતે જોતાં તે પૂર્વગ્રહ-પ્રેરિત વર્ણન ગણાય. વાઇકિંગ સંસ્કૃતિવિષયક અભ્યાસ કરનારે, તેઓ જે પદ્ધતિએ ધાડ પાડવાનું આયોજન કરતા, તેમણે અન્ય પ્રદેશોમાં સ્થાપેલી વસાહતોનું સામાજિક સ્વરૂપ તેમજ તેમની પુરાવશેષીય સામગ્રી વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લેવાય તો વાઇકિંગ માત્ર ધાડપાડુ જ નહોતા, તેમની પણ સાંસ્કૃતિક દુનિયા હતી, જે યુરોપીય ખ્રિસ્તી સંસ્કૃતિથી ભિન્ન હતી. નવમી સદી દરમિયાન તેમણે જે યુરોપીય જળમાર્ગોનું જ્ઞાન મેળવ્યું તે નવી દુનિયા માટેની ભૌગોલિક શોધખોળના મૂળમાં રહેલું છે, અથવા તો સ્કૅન્ડિનેવિયન મૂળના વંશજોમાંના જ કેટલાક એ સાહસિક જળયાત્રાઓમાં જોડાયા હોવાનું માની શકાય.

વાઇકિંગ્ઝનાં આક્રમણો અને ધાડલૂંટ અવ્યવસ્થિતપણે થતાં. સીધેસીધા મૂળ ભૂમિ ઉપર આક્રમણ કરવાને બદલે પ્રથમ તેઓ કાંઠાવિસ્તારના યા નદીઓના મુખપ્રદેશ નજીક આવેલા કોઈ ટાપુ ઉપર ધસી જતા. મોટેભાગે ઉનાળામાં જતા અને શિયાળો ત્યાં જ પસાર કરી, શસ્ત્રાસ્ત્રથી સજ્જ થઈ મુખ્ય ભૂમિ પર આક્રમણ લઈ જતા. આઠમી સદીના અંતભાગમાં આયર્લૅન્ડ ઉપર આ જ પદ્ધતિએ તેઓ ગયા હતા. સૌપ્રથમ અહીં ડબ્લિન-ખાડીમાં ઈ. સ. 795માં રીક્રૂ ટાપુ પર ગયા હતા અને પછીનાં વીસ વર્ષો દરમિયાન ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમે વિસ્તર્યા હતા. પછી ઈ. સ. 825માં અંદરના ભૂમિ-વિસ્તારમાં ફેલાયા હતા. 832માં વાઇકિંગ સરદાર ટર્ગેસિયસ  આવ્યો અને અર્ધા આયર્લૅન્ડ ઉપર અધિકાર સ્થાપ્યો (ઈ. સ. 842). નવમી સદીના મધ્ય ભાગ પછી ઈ. સ. 853માં ઓલાફ ધ વ્હાઇટ રાજા બન્યા પછી ધીરે ધીરે આયર્લૅન્ડમાંથી વાઇકિંગ પ્રભાવ ઓસરી ગયો હતો. આયર્લૅન્ડની સાથે સાથે જ નૉર્વેજિયન વાઇકિંગનું એક ટોળું સ્કૉટલૅન્ડના પશ્ચિમ કાંઠે અને નજીકના ટાપુઓ પર ગયું હતું. ઈ. સ. 802 અને 806માં તેમણે ઈના ઉપર લૂંટ ચલાવેલી અને થોડા સમયમાં પશ્ચિમી સ્કૉટલૅન્ડનાં ધાર્મિક કેન્દ્રો અને ત્યાંની પ્રજાનો વિનાશ કર્યો હતો.

યુરોપ ખંડના ત્રણ વિસ્તારો સ્કૅન્ડિનેવિયન વાઇકિંગના હુમલાની અસર નીચે આવ્યા હતા. જૂના સમયમાં ફ્રાન્સ કાંઠે વલ્ચેરીન ટાપુ ઉપર ડેન્સ વસ્યા હતા. તેમના ભાગેડુ સરદાર હેરલ્ડને રાજા લુઈ ધ પાયસે (814-840) આશ્રય આપીને વસવા દીધો હતો, જે પાછળથી ખ્રિસ્તી બન્યો હતો. અહીંથી ડેન્સ લૂંટફાટ માટે પૂર્વમાં રહાન સુધી અને જર્મનીની મૂળ ભૂમિમાં પ્રવેશ્યા હતા તે જ રીતે પશ્ચિમે સોમ નદીવિસ્તાર(ઉ. ફ્રાન્સ)માં ગયા, જે રાજા ચાર્લ્સ ધ બોલ્ડનો વિસ્તાર હતો. નવમી સદીના અંત સુધીમાં વલ્ચેરીન ટાપુ અને જર્મની વચ્ચેનો પ્રદેશ ફિજિયા વાઇકિંગ અધિકાર નીચે આવી ગયો હતો. ડેન્સ વાઇકિંગ લશ્કરનો સૌથી મોટો હુમલો સીન નદીના મુખપ્રદેશ અને પૅરિસની દિશામાં થયો હતો. સીન પ્રદેશમાં શિયાળો પસાર કરીને ઈ. સ. 845માં તેમણે પૅરિસ વિસ્તાર લૂંટ્યો અને ત્યાંથી બર્ગન્ડી ગયા. ડેન્સ સરદાર રોલોના નેતૃત્વમાં સીનના હેઠવાસમાં નૉર્મન્ડીમાં તેમણે વસાહત સ્થાપી. એક અન્ય આક્રમણ પશ્ચિમ ફ્રાન્સમાં લોરી નદીના મુખપ્રદેશથી કર્યું. ઈ. સ. 843માં પાસેના ટાપુમાં શિયાળો પસાર કરીને લોરી હેઠવાસ વિસ્તારમાં આવેલા ધાર્મિક મઠોને સંપૂર્ણ બરબાદ કરી નાખ્યા; જેમાં સેન્ટ બેનિડિક્ટ, સેન્ટ માર્ટિન, સેન્ટ માર્મોમોટિયર્સના મઠ મુખ્ય હતા. સરદાર હાસ્ટિંગના નેતૃત્વમાં આવેલા ડેન્સ લોકોએ લોરી મુખપ્રદેશ બહુ ઉપયોગી ન હોવાથી ત્યાં વસાહત સ્થાપી નહોતી. તે ત્રણેય આક્રમણોથી પશ્ચિમ ફ્રાન્સનો કોઈ વિસ્તાર બરબાદીથી બચ્યો નહોતો. નોર્મન્ડીની વાઇકિંગ વસાહતનું પાછળના સમયમાં ખ્રિસ્તીકરણ થયું હતું.

ઇંગ્લૅન્ડના પશ્ચિમ કાંઠે સ્કૅન્ડિનેવિયનો આઠમી સદીના અંત-ભાગથી જવા લાગ્યા હતા. 851માં થાનેટ ટાપુ પર શિયાળો પસાર કરી 865માં તેમણે નૉર્ધમ્બ્રિયા, મેર્સિયા અને પૂર્વીય ઍંગ્લિયા જીતી લીધાં. પણ આલ્ફ્રેડે તેમને એડિંગ્ટનના યુદ્ધમાં હરાવી વેસેક્સ બચાવ્યું. ડેનિશ સરદાર ગુથ્રુમ (Guthrum) પૂર્વીય ઍંગ્લિયામાં વસ્યો અને ખ્રિસ્તી બની ગયો. બાકીના નૉર્ધમ્બ્રિયા, હેમ્બર અને વેલૅન્ડમાં વસી ગયા હતા. આમ નવમી સદીના અંત સુધીમાં આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને પશ્ચિમ ફ્રાંસિયામાં વાઇકિંગની વસાહતો ઊભી થઈ હતી. વાઇકિંગ યોદ્ધાઓનાં આક્રમણો અને લૂંટ છેક દક્ષિણ સ્પેન અને ઇટાલીમાં લ્યૂના સુધી થયાં હતાં. ઇંગ્લૅન્ડમાં જે વાઇકિંગ વસવાટ ન કરી શક્યા તેઓ પછી ગૉડફ્રેડ અને સીઝફ્રીડ રાજાઓના નેતૃત્વમાં દૂર જર્મની અને ઉત્તર ફ્રાન્સમાં ગયા હતા અને ઉત્તર ફ્રાન્સમાં બર્ગન્ડી અને રહાઇલૅન્ડમાં પાયમાલી સર્જી હતી. ત્યારબાદ વાઇકિંગ સત્તાનાં વળતાં પાણી થયાં. ઇંગ્લૅન્ડના રાજાઓએ ડેન્સ પાસેથી પ્રદેશ પાછો લઈ લીધો. દસમી સદી દરમિયાન આયર્લૅન્ડથી પણ કાઢ્યા. ખુદ ડેન્માર્ક અને સ્વીડિશ પ્રજાએ નૉર્વેજિયનોને આઇસલૅન્ડમાં જવા ફરજ પાડી. માત્ર ફ્રાન્સમાં નૉર્મન્ડીની વાઇકિંગ વસાહત જ કાયમ રહી શકી.

વાઇકિંગ્ઝ દ્વારા લૂંટધાડની જે પદ્ધતિ વિકસાવાઈ, જેમાં તેમની વહાણ-બાંધકામ-કળા ખૂબ જ ઉપયોગી બની હતી. પ્રાચીન રોમન ગેલીઝમાં તેનાં મૂળ છે. બંને છેડે અણીવાળાં, છીછરાં, હલેસાં મારનાર માટે 20થી 30 પાટલીઓવાળાં તેમનાં વહાણો તોફાની સમુદ્ર માટેનાં નહિ પરંતુ ખાડીઓમાં સરળતાથી હંકારી શકાતાં, અને ઢાલ, ભાલા, બરછી, તીરકામઠાં, તલવાર, કુહાડીઓ વગેરે શસ્ત્રધારી યોદ્ધાઓથી સજ્જ રહેતા.

મોહન વ. મેઘાણી