વાઅલ (Vaal)
January, 2005
વાઅલ (Vaal) : દક્ષિણ આફ્રિકાની મુખ્ય નદીઓ પૈકીની એક. તે ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ વચ્ચે પ્રાદેશિક સીમા રચે છે. ઑરેન્જ નદીને મળતી તે મુખ્ય સહાયક નદી છે. તે ટ્રાન્સવાલના અગ્નિભાગમાંથી ક્લિપસ્ટેપલ અને બ્રેયટન નજીકથી નીકળે છે. 1355 કિમી.ના અંતર માટે તે નૈર્ઋત્ય તરફ વહે છે અને ડગ્લાસથી પશ્ચિમે 13 કિમી.ના અંતરના સ્થળે તે ઑરેન્જ નદીને મળે છે.
દક્ષિણ આફ્રિકાના સ્થાનિક લોકોમાં ‘વાઅલ’નો અર્થ રાખોડી જેવો થાય છે. આ રીતે નદીજળનો રંગ દર્શાવવા આ પ્રમાણેનું નામ અપાયું હોય એમ લાગે છે. અહીંના સોથો અને ત્સ્વાના લોકો તેને ત્શેત્લ્હા (પીળી નદી) કહે છે.
1923માં વિટવૉટર્સ રૅન્ડ વિસ્તારને જળપુરવઠો પૂરો પાડવા માટે તેના પર આડબંધ બાંધવામાં આવેલો. આ જળપુરવઠામાં વૃદ્ધિ કરવાના આશયથી 1936માં તેના પર વાઅલ બંધનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ખેડૂતોને સિંચાઈ મળી રહે તે માટે બ્લોએમહૉફ અને ગ્રૂટડ્રાઇ બંધો પણ બંધાયા છે. વાન્ડરબીજલપાર્ક અને વેરીનિગિંગ જેવાં અહીંનાં મુખ્ય ઔદ્યોગિક નગરો પણ તેમની પાણીની જરૂરિયાત માટે વાઅલ નદી પર આધાર રાખે છે.
ગિરીશભાઈ પંડ્યા