વસ્ત્ર-ઉદ્યોગ : દેહના રક્ષણ તેમજ સુશોભન માટેનાં આવરણરૂપ કાપડ ઉત્પાદન કરવાનો ઉદ્યોગ.

પૃથ્વીની આશરે 4,217 સસ્તન પ્રાણીજાતિઓમાંથી 192 અગ્રજાતિઓમાં મનુષ્ય જ રુવાંટી વગરનું પ્રાણી ગણાય છે. તેથી તેને આવરણની આવશ્યકતા રહે છે. મનુષ્ય પર્યાવરણથી રક્ષણ મેળવવા, એબ ઢાંકવા, પોતાની અલગ પહેચાન જાળવવા, વિજાતીયને આકર્ષવા, સ્વપરિગ્રહનું પ્રદર્શન કરવા, નિષ્ઠા દર્શાવવા, વિધિઓને અનુસરવા – એવા એવા અનેક હેતુઓ સાધવા વિવિધ આવરણો તૈયાર કરે છે, જે વસ્ત્રો તરીકે ઓળખાય છે.

આવરણો ઉપલબ્ધ થયાં તે પહેલાં આદિમ સંસ્કૃતિની પ્રજાઓએ પોતાની આસપાસનું પર્યાવરણ, વસ્તુઓની ઉપલબ્ધિ તેમજ આવશ્યકતાને અનુસરીને દેહ ઢાંકવાના પ્રયત્નો તો કર્યા જ હશે. ઉષ્ણ પ્રદેશના મનુષ્યો શરીરને રંગ, છૂંદણાં, પાંદડાં, ફૂલ, પીંછાં વગેરેથી રક્ષણ તેમજ સુશોભન કરતા હશે તેમ અનુમાન કરી શકાય. શીત પ્રદેશની પ્રજા પશુઓની ખાલ, તેમના વાળ, ફર વગેરેનો ઉપયોગ કરતી હશે. તેને જોડવા માટે કાંટા, હાડકાંની ટાંકણીઓ, વાધરી, રેસા, વેલા વગેરે પણ ઉપયોગમાં લેવાતાં હશે તેમ કહી શકાય.

આશરે 1,00,000 વર્ષો પહેલાં મનુષ્ય શરીરને ઢાંકવા પાંદડાં તેમજ પ્રાણીઓની ત્વચા ઉપયોગમાં લેતો હશે તેવું અનુમાન કરાય છે. ઈ. પૂ. 9000ના અરસામાં મેસોપોટેમિયાના ઝાગ્રોસ પ્રદેશમાં ઘેટાના ઊનમાંથી વસ્ત્રો તૈયાર કરવામાં આવતાં હતાં તેમ જાણવા મળે છે. ઈ. પૂ. 6500ના સમયમાં જુડાઈના રણની એક ગુફામાંથી મળેલ કંતાનનો ટુકડો વિશ્વનો સૌથી પુરાણો કાપડનો નમૂનો ગણાય છે. તાજેતરમાં મળી આવેલ ટાવરોલિયન ઉત્કતાલ આલ્પ્સ તરીકે ઓળખાતા ઑસ્ટ્રિયાના વિસ્તારમાં મળી આવેલા ‘ઉત્ઝી’નું બરફમાં ઢંકાયેલ મમી મળી આવ્યું છે. આશરે 5,300 વર્ષ પુરાણા નૂતન પાષાણયુગના આ આદિમાનવે રૂંછાવાળા મૃગચર્મનાં વસ્ત્રો અને માથા પર ઘાસની ટોપી અને વાછરડાના ચામડાનો પટો પહેરેલો હતો. ઈ. પૂ. 3000ના અરસામાં ચીનમાં રેશમના કાપડની શોધ થઈ હતી. તે જ સમય દરમિયાન સિંધુ ખીણ સંસ્કૃતિમાં વિકાસ પામેલ મોહન-જો-દડોમાંથી કપાસમાંથી બનાવેલ કાપડના નમૂના મળી આવ્યા છે. આ સંસ્કૃતિમાં કાપડ, મુદ્રાઓ, અલંકાર વગેરેનો બહોળો ઉપયોગ પ્રચલિત હતો. મેસોપોટેમિયા, એસિરિયા, ગ્રીસ, સુમેર, ઇજિપ્ત, બૅબિલોનિયા, ક્રીટ, ઈરાન, રોમ, પૅલેસ્ટાઇન વગેરેની પ્રજાઓ વિવિધ પહેરવેશો અપનાવતી હતી. રાજા, ઉમરાવો, ધર્મગુરુઓ, શ્રેષ્ઠીઓ સૌ પોતપોતાના હોદ્દાને અનુરૂપ વિવિધ સુશોભનવાળાં વસ્ત્રો પસંદ કરતા હતા. મોટાભાગનાં વસ્ત્રો, રૂ, શણ, ઊન, રેશમ તેમજ પ્રાણીઓની ત્વચા તેમજ રુવાંટીમાંથી તૈયાર કરવામાં આવતાં હતાં. વસ્ત્રોની સાથે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ગલપટ્ટો, હાથરૂમાલ, કમરબંધ, દુપટ્ટો, પગરખાં, ટોપી, હૅટ, મોજાં, છત્રી તેમજ અલંકારોને વસ્ત્રનો ભાગ જ ગણવામાં આવે છે.

પ્રાચીન ઈરાનમાં ઉચ્ચ વર્ગો કંતાનમાંથી તૈયાર કરેલું કમરથી ઘૂંટણ સુધીનું વસ્ત્ર ધારણ કરતા હતા, જ્યારે સ્ત્રીઓ માટે ખભા પરથી લટકતા પટા પર આધારિત કાપડનો ઉપયોગ પ્રચલિત હતો. એસિરિયા, બાબુલ તેમજ સુમેરની પ્રજા ખભા પરથી નીચે લટકતું શાલ જેવું વસ્ત્ર અને નીચે કમરથી ઘૂંટણ સુધીનું લુંગી જેવું વસ્ત્ર પહેરતી હતી. ઈરાનની શિકારી પ્રજા શરીરના ઘાટ પ્રમાણે સિલાઈ કરેલ કોટ તથા નીચે પાટલૂન જેવાં વસ્ત્રોનો ઉપયોગ કરતી હતી. હાલનાં કોટ, પાટલૂન ઈરાનની પારસી પ્રજાની દેન ગણાય છે. ચીનની પ્રજા પણ આકરી ઠંડીથી બચવા ઉપરના ભાગમાં કોટ અને નીચે ઘૂંટી સુધીનાં વસ્ત્રોનો સહારો મેળવતી હતી. ઈ. પૂ. 455માં ગ્રીક ઇતિહાસકાર હિરોડૉટસે ભારતમાં રૂમાંથી બનેલ કાપડને ઊનના કાપડ કરતાં વધુ સુંદર, સગવડભર્યું અને ઉપયોગિતામાં ચઢિયાતું ગણાવ્યું હતું. ઈ. પૂ. 63નાં વર્ષોમાં ભારત અને ઇજિપ્તમાંથી યુરોપમાં રૂની નિકાસ થતી હતી તેમ જાણવા મળે છે. વસ્ત્રો ધારણ કરવાનો આરંભ થયો ત્યારથી મનુષ્યે કીમતી, ભાતીગળ, સુશોભનવાળા, તેમજ વિશિષ્ટ પ્રકારના પોશાકો અપનાવી પોતાની અલગ પહેચાન કેળવી. અહમ્ સંતોષવા તે પ્રયત્નશીલ રહ્યો છે. કીમતી વસ્ત્રો તેમનું સમૃદ્ધિ તેમજ સામર્થ્ય પ્રદર્શિત કરવાનું માધ્યમ છે.

આશરે 300 વર્ષ પહેલાં વિશ્વભરના દેશોમાં સીવેલાં કપડાં પહેરવાનો સુખોપભોગ ઉચ્ચ વર્ગો પૂરતો જ સીમિત ગણાતો હતો. સામાન્ય પ્રજા મહદ્અંશે જાતે સીવેલ અથવા તો સિલાઈ વગરનાં કાપડનો શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતી હતી એમ જાણવા મળે છે. સમૃદ્ધ લોકો દરજીઓ પાસે પોતાના પોશાક સિવડાવતા હતા; જ્યારે બીજા શક્ય હોય ત્યાં સુધી તેમની નકલનો પ્રયાસ કરતા હતા. આરંભમાં રાજ્યોનાં એકબીજાં પરનાં આક્રમણો તેમજ પરસ્પરના વ્યવહારે પરસ્પરની વેશભૂષાનું અનુકરણ કરવાની તકો પૂરી પાડી હતી. ઈ. સ. 1284માં માર્કો પોલોએ ચીન તેમજ પૂર્વના દેશોમાંથી લાવેલા પોશાકો, રેશમનું કાપડ, કાચનાં વાસણો, ચિત્રો, દારૂગોળો વગેરે પ્રસ્તુત કરી યુરોપની સંસ્કૃતિમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. તેવી જ રીતે રોમના રાજા શાર્લમૅને ઈ. સ. 800ના અરસામાં કાપડનાં કારખાનાંઓની સ્થાપનાને પ્રોત્સાહન આપી કાપડ-ઉદ્યોગનો આરંભ કર્યો હતો. વ્યાપાર તેમજ આક્રમણોએ વિવિધ સંસ્કૃતિઓમાં વસ્ત્રો, સુશોભનો, ભરતકામ, ચિત્રકામ, ફૅશન-શૈલી વગેરેમાં ગણનાપાત્ર પરિવર્તનો દાખલ કર્યાં હતાં. ઍસ્કિમો મુખ્યત્વે ચામડામાંથી તૈયાર કરેલાં વસ્ત્રોથી મસ્તકથી પગના તળિયા સુધી શરીર ઢાંકી આરક્ષણ મેળવતા હતા; જ્યારે આફ્રિકાના વિષુવિયન પ્રદેશના આદિવાસીઓ શરીર ઢાંકવા પૂરતાં કાપડના કટકા કે પાંદડાંનો ઉપયોગ કરતાં હતાં. દરેક સંસ્કૃતિની પ્રજા પર્યાવરણ, વસ્તુઓની ઉપલભ્યતા તેમજ આવશ્યકતા મુજબ વસ્ત્રો ધારણ કરતી જોવા મળે છે.

ઈ. સ.ની ચૌદમી સદીમાં યુરોપમાં પુનરુભ્યુદયનો પ્રભાવ પ્રસર્યો હતો. યુરોપના વિદ્વાનો તેમજ કલાકારોએ ધર્મગુરુઓની વિચારસરણી તેમજ તેમના પ્રભુત્વનો સખત વિરોધ કર્યો હતો તેની અસરકારકતા સોળમી સદીના અંત સુધી રહી, જેને પરિણામે ઉમરાવશાહીના અંતનો અને લોકસાહિત્યના ઉદયનો આરંભ થયો હતો.

આકૃતિ 1 : વિવિધ દેશોની વેશભૂષા

ઓગણીસમી સદીના અંતમાં ફ્રાન્સમાં થયેલ ક્રાંતિએ રાજાશાહીનો તેમજ ઉમરાવશાહીનો અંત આણ્યો હતો. ત્યારબાદ યુરોપનો કોઈ પણ દેશ પ્રજાના સ્વાતંત્ર્ય તેમજ નાગરિકોની સમાનતાની અવગણના કરવા સક્ષમ ન હતો. તેણે અમીરો, મધ્યમવર્ગ તેમજ નીચલા વર્ગના લોકોની ક્રમશ: ઘટતા જતા અંતરે પોશાકમાં સમાનતા પ્રસ્તુત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ધાર્મિક કાર્ય માટેનાં મહત્વનાં વસ્ત્રોનું સ્થાન બિનસાંપ્રદાયિકતા દર્શાવતાં વસ્ત્રોએ લીધું હતું. ઉચ્ચ વર્ગના લોકો પોતાની વિશિષ્ટતા દર્શાવવા વસ્ત્રોમાં સુશોભન તેમજ અલંકારોનો ઉપયોગ કરતા હતા; જેણે સમયાંતરે તૈયાર વસ્ત્રોના બજારને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. યુરોપના દેશોએ સંસ્થાનોમાંથી મેળવેલ સમૃદ્ધિએ વિશ્વભરમાં પરિવહન સરળ તેમજ ગતિશીલ બનાવ્યું હતું. વિવિધ દેશોની પ્રજાઓ અન્યોન્યનાં વસ્ત્રોની શૈલીથી પરિચિત થઈ હતી, જેને પરિણામે આવશ્યકતા અનુસાર તેમાં પરિવર્તનો સ્વીકારવામાં આવ્યાં હતાં.

તેમ છતાં કુદરતી રેસામાંથી તાર કાંતવાની તેમજ હાથસાળ પર કાપડ વણવાની પ્રક્રિયા અતિમંદ હતી. કાપડનું ઉત્પાદન પણ ઓછા જથ્થામાં થતું હતું. તેની ખપત સમાજના ઉપલા વર્ગો પૂરતી સીમિત રહેતી હતી. વળી મંથરગતિથી થતું હાથસિલાઈના કામથી વસ્ત્ર-ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ શકે તેમ ન હતું.

ઈ. સ. 1733માં બ્રિટિશ વણકર જોહાન કેએ અતિગતિશીલતાથી વણાટકામ કરતા ઊડતા બૉબીન(flying machine)ની શોધ કરી હતી. ઈ. સ. 1766માં લેન્કેસ્ટરના વણકર જેમ્સ હાર્ગિવ્ઝે એકસાથે આઠ તાર ખેંચી શકાય તેવા રેંટિયાની શોધ કરી હતી, જે પાછળથી ‘સ્પિનિંગ જેની’ તરીકે પ્રચલિત થઈ હતી. ઈ. સ. 1785માં લીસ્ટરશાયરના રેક્ટર એડમંડે યંત્રસાળની શોધ કરી હતી. ઈ. સ. 1799ના દશકામાં અંગ્રેજ વણકર સેમ્યુઅલ કૉમ્પ્ટને 200 માણસો જેટલું કાંતી શકે તેવા કાંતવાના રેંટિયાની શોધ કરી હતી, જે સ્પિનિંગ મ્યૂલ તરીકે પ્રખ્યાત થયો હતો. ઈ. સ. 1780ના અરસામાં અંગ્રેજ પાદરી એડમંડ કાર્ટરાઇટે વરાળથી ચાલતી યંત્રસાળની શોધ કરી હતી. ઈ. સ. 1801માં ફ્રાન્સના સંશોધક જેકાર્ડ જોસેફ મેરીએ વિવિધ પ્રકારના જટિલ વણાટકામ માટે છિદ્રિત પત્રક(punchcard)ની શોધ કરી હતી. આ સઘળી શોધોએ કાપડના ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ પ્રસ્તુત કરી હતી.

આકૃતિ 2 : આધુનિક કાંતણ કારખાનું

ઈ. સ. 1830માં પૅરિસના બાર્થોલેમી થીમોનિયરે, 1846માં અમેરિકન એલિયાસ હોવે તેમજ અમેરિકન એ. બી. વિલ્સને વિવિધ પ્રકારના સીવવાના સંચાઓની શોધ કરી હતી. ઈ. સ. 1851માં અમેરિકન આઇઝેક સિંગરે પગથી ચાલતા સીવવાના સંચાની શોધ કરી હતી; જે આજે વિશ્વભરમાં પ્રચલિત છે. આ શોધોએ હજારો વર્ષોથી મંદગતિથી ચાલતા કાંતવાના, વણવાના તેમજ સિલાઈના ઉદ્યોગમાં ક્રાંતિ કરી હતી. તેણે કાપડની ઉપલબ્ધિ તેમજ વસ્ત્રોની સિલાઈની કાર્યક્ષમતામાં ગણનાપાત્ર વૃદ્ધિ કરી હતી.

આકૃતિ 3 : આધુનિક વણાટ કારખાનું

યુરોપના દેશોની આર્થિક સમૃદ્ધિ તેમજ કાપડ ઉદ્યોગના યાંત્રિકીકરણને પરિણામે વિવિધ ડિઝાઇનો તેમજ રંગોથી ભરપૂર કાપડ ગ્રાહકોને કિફાયત કિંમતે ઉપલબ્ધ થવાનો આરંભ થયો હતો. ક્રમશ: સામાન્ય નાગરિક પણ પોતાની પસંદગીનું કાપડ ખરીદવા તેમજ વસ્ત્રોની સિલાઈ કરાવવા સક્ષમ બન્યો હતો. ઉચ્ચ વર્ગ અને સામાન્ય નાગરિકની કપડાની શૈલીમાં સમાનતા દૃષ્ટિગોચર થવા લાગી હતી.

પરંપરાગત વસ્ત્રોને સ્થાને વ્યાવહારિક અને અવિધિસરનાં વસ્ત્રો પ્રચલિત કરવાનું શ્રેય ઇંગ્લૅન્ડના બાઉ બ્રઝેલ(1796-1816)ને ફાળે જાય છે. તેમણે સાદાં વસ્ત્રો પણ સુરુચિભર્યાં હોઈ શકે છે. વળી વ્યક્તિગત સ્વચ્છતા પણ ફૅશનનું જ એક અંગ છે તે પર ભાર મૂક્યો હતો. 1846માં અંગ્રેજ ચાર્લ્સ ફ્રેડરિક વર્થે ફ્રાન્સની ગેગેલીન નામક તૈયાર વસ્ત્રોનું વેચાણ કરતી કંપની સાથે સહયોગ કરી ‘કુટુર’ (COUTURE) નામની સ્ત્રીઓ માટે નવીન શૈલીનાં વસ્ત્રોનું નિર્માણ કરતી પ્રખ્યાત કંપનીની સ્થાપના કરી હતી. 1858માં તેમણે સ્ત્રી-પ્રતિમાઓ દ્વારા ફૅશનેબલ વસ્ત્રો પ્રસ્તુત કરવાનો આરંભ કર્યો હતો. ફ્રાન્સની મહારાણી યુજીની(Eugenie)એ તેમની અંગત ફૅશન ડિઝાઇનર તરીકે નિમણૂક કરી હતી, જેને પરિણામે નવીન વસ્ત્રશૈલી તૈયાર કરવાનું દરજીઓનું સ્થાન ફૅશન ડિઝાઇનરોએ લીધું હતું. ઓગણીસમી સદીના અંત સુધીમાં તો સારાયે યુરોપમાં ફૅશન-ડિઝાઇનરો દ્વારા તૈયાર કરાયેલ વસ્ત્રોનું વેચાણ કરતી અસંખ્ય દુકાનોની સ્થાપના થઈ ગઈ હતી.

આકૃતિ 4 : વ્યક્તિગત કલા માટે હાથસાળ

તે જ સમયગાળા દરમિયાન એબેનેઝર બટરિક અને તેમની પત્નીએ કાગળ પર વસ્ત્રોના નમૂનાઓ પ્રસ્તુત કરી ગ્રાહકોને પોતાનાં વસ્ત્રો જાતે સીવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. 1876માં ફિલાડેલ્ફિયામાં યોજાયેલ વસ્ત્રોના પ્રદર્શન દ્વારા અમેરિકન પ્રજાને પ્રથમ વાર યુરોપમાં અને ખાસ કરીને ફ્રાન્સમાં તૈયાર થયેલ વસ્ત્રોની ફૅશનશૈલીનો લાભ મળ્યો હતો. તેણે અમેરિકામાં તૈયાર વસ્ત્રોનું ઉત્પાદન તથા વેચવાના ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમયાંતરે સ્ત્રીઓના વ્યાપાર તેમજ રમતગમતના ક્ષેત્રપ્રવેશ સાથે તેમની ફૅશનશૈલીમાં વ્યાવહારિક પરિવર્તનો થયાં હતાં. વળી વિવિધ વ્યવસાયો અને બાળકોને સાનુકૂળ તૈયાર કપડાંનું વેચાણ કરતાં સંખ્યાબંધ ડિપાર્ટમેન્ટલ સ્ટોર તેમજ દુકાનો અસ્તિત્વમાં આવ્યાં હતાં.

રૂ, શણ, ઊન અને રેશમ જેવી કુદરતી વસ્તુઓમાં સંશ્ર્લેષિત રેસાઓની શોધે ગણનાપાત્ર પરિવર્તન સાથે ગ્રાહકોને વિવિધતા, સુશોભન તેમજ સવલતો પૂરી પાડવાનું કાર્ય કર્યું છે. 1894માં રેયૉન, 1924માં સેલ્યુલૉઝ એસિટેટ, 1938માં નાયલૉન, 1940માં પૉલિયેસ્ટર અને અક્રીલોનાઇટ્રાઇલ અને 1957માં પ્રોપિલિન જેવા કૃત્રિમ રેસાઓની શોધ થઈ હતી; જેમણે વિશિષ્ટ ગુણવત્તાવાળાં કપડાં બનાવવામાં ગણનાપાત્ર ફાળો આપ્યો હતો. આ કૃત્રિમ રેસાઓને કપાસ સાથે મિશ્ર કરીને વિશિષ્ટતાવાળું કાપડ તૈયાર કરવામાં આવે છે.

તૈયાર વસ્ત્રો બજારમાં પ્રસ્તુત કરતાં પહેલાં ઉત્પાદકે કેટલીક પ્રક્રિયા કરવી આવશ્યક બને છે. ફૅશન ડિઝાઇનર સામાન્ય રીતે ખૂબ પ્રચલિત ફૅશનશૈલીનું અનુકરણ કરી અથવા તો ઓછામાં ઓછા ફેરફારો સાથે વસ્ત્રની ડિઝાઇન તૈયાર કરે છે. ત્યારબાદ કાગળ પર બેથી ત્રણ પૂરા કદની ડિઝાઇનો તૈયાર કરવામાં આવે છે. તેના પરથી વસ્ત્રોના નમૂનાઓ તૈયાર કરી અંદાજી કિંમત સાથે પસંદગીના સ્ટોરમાં ગ્રાહક તેમજ દુકાનદારોનાં સૂચનો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. સંતોષજનક જથ્થામાં વરદી મળતાં સૂચનોને અનુલક્ષીને ડિઝાઇનોમાં પરિવર્તન કરી આકર્ષક સંવેષ્ટન અને કિંમત સાથે તેને બજારમાં પ્રસ્તુત કરવામાં આવે છે. આ અતિસ્પર્ધાત્મક વ્યવસાયમાં સર્વેક્ષણ તથા વિજ્ઞાપનનું ખર્ચ ફક્ત વિશાળ કંપનીઓને જ પરવડે તેમ હોય છે. કાપડ ખરીદીને સિવડાવેલાં વસ્ત્રોની સરખામણીમાં તૈયાર વસ્ત્રો ઓછી કિંમતે ઉપલભ્ય હોય છે. વધુમાં વિવિધ ડિઝાઇનોમાંથી પસંદગીના અવકાશ સાથે સ્થળ પર જ ગ્રાહકને તૈયાર વસ્ત્ર મળી જાય છે.

આકૃતિ 5 : સીવણ સંચા પર વસ્ત્રો સીવતી મહિલા કર્મચારીઓ

વસ્ત્ર-ઉદ્યોગના આરંભકાળમાં કારખાનાંઓ ફક્ત કાપડને વેતરવાનું કાર્ય કરતાં હતાં. સિલાઈનું કાર્ય સ્ત્રીઓ તેમના નિવાસસ્થાને કરતી હતી. આ મંદગતિથી ઉત્પાદનક્રિયામાં ઘણો વિલંબ થતો હતો; પરંતુ સીવવાના સંચાની શોધે તેમાં ક્રાંતિ કરી હતી. વિવિધતાભર્યાં રંગીન વસ્ત્રો કિફાયત કિંમતે પસંદ કરવાનો અવકાશ મળતાં તૈયાર વસ્ત્રોના બજારને પ્રોત્સાહન મળ્યું હતું; જેણે તૈયાર વસ્ત્ર-ઉદ્યોગનો વિકાસ સાધવામાં ગણનાપાત્ર ફાળો આપ્યો હતો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૂતર, નાયલૉન તથા ઊનનાં કાપડનો લશ્કર માટે, રેશમ તથા નાયલૉનનો પૅરેશૂટ બનાવવામાં અને રેયૉનનો રાવટીઓમાં બહોળો ઉપયોગ થવાને પરિણામે વસ્ત્રો માટેનાં કાપડની તંગી ઊભી થઈ હતી. કાપડના વપરાશ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં, જેને પરિણામે વસ્ત્રોના ઉપયોગમાં પણ કરકસર કરવામાં આવતી હતી. આ તેણે ટૂંકાં વસ્ત્રોને પ્રચલિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. વધુ ને વધુ સ્ત્રીઓ વ્યવસાય તેમજ નોકરીમાં પ્રવૃત્ત થવા લાગી હતી. તેમણે વ્યાવહારિક તેમજ સવલતભર્યાં વસ્ત્રોને પ્રાધાન્ય આપ્યું હતું. યુદ્ધની સમાપ્તિ પછી નિયંત્રણો દૂર થતાં જ કાપડની ઉપલબ્ધિ સાથે તૈયાર વસ્ત્રોની માગને ઉત્તેજન મળ્યું હતું. યુદ્ધમાં વપરાતાં નાણાં વિકાસ માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ વસ્તુઓની માગમાં વૃદ્ધિ થઈ હતી. તેમાં સૌથી મહત્વનો ઝોક વસ્ત્રોની ખરીદી પર હતો. તેના પરિણામે તૈયાર વસ્ત્રોની માગમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ અને વસ્ત્રોનું ઉત્પાદન કરતા ઉદ્યોગનો ભારે વિકાસ થયો હતો. ટેલિવિઝન, સામયિકો તેમજ વર્તમાનપત્રોના વિજ્ઞાપને વિવિધ ફૅશનશૈલીઓને પ્રચલિત કરવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. વળી વિશ્વના વિવિધ દેશોમાં પર્યટન કરતા પ્રવાસીઓ પરસ્પરનાં વસ્ત્રોની શૈલીથી માહિતગાર થતા હતા. ક્રમશ: વિશ્વભરની ફૅશનશૈલીઓમાં પર્યાવરણ તથા સંસ્કૃતિના અપવાદને બાદ કરતાં વસ્ત્રોમાં એક સમાનતા દૃષ્ટિગોચર થવા લાગી. કોટ, પાટલૂન, ખમીસ, ફ્રૉક, કમીજ, સલવાર વગેરે વિવિધ દેશોમાં પહેરાય છે. પશ્ચિમના વિકાસ પામેલા દેશોમાં વસ્ત્ર-ઉદ્યોગનો ગણનાપાત્ર વિકાસ થયો છે. મહત્તમ પ્રજાજનો તૈયાર વસ્ત્રો ખરીદવાનું પસંદ કરે છે, જ્યારે કપડાં સિવડાવવાં તે સમૃદ્ધ લોકોને પરવડે તેવો ખર્ચાળ શોખ ગણાય છે. આ તૈયાર વસ્ત્રો પહેરવાનું વલણ જ વિશ્વના વિકાસ પામેલા તેમજ વિકાસશીલ દેશોએ તૈયાર વસ્ત્રોની નિર્યાત કરવા ઉત્તેજન આપે છે.

આકૃતિ 6 : વસ્ત્રમાં હસ્તકાર્યથી રૂપાંકન

ભારતમાં વસ્ત્ર-ઉદ્યોગ :

ભારતમાં ઈ. પૂ. 3000 વર્ષો પહેલાં સિંધુ ખીણ સંસ્કૃતિ અને ગંગા ખીણ સંસ્કૃતિ દરમિયાન કપાસમાંથી કાપડ બનાવવાની કળા પ્રચલિત હતી તેમ જાણવા મળે છે. તે સમયે કાપડના ટુકડાને કમર પર વીંટાળી બાકીનાં વસ્ત્રની ગડી કરી ડૂંટી પાસે ખોસવાનો રિવાજ હતો. ક્રમશ: દ્રાવિડિયન અને આર્ય સંસ્કૃતિના સુમેળથી દક્ષિણ ભારતનો સાડી પહેરવાનો રિવાજ દેશમાં સર્વત્ર ફેલાયો હતો તેમ અનુમાન કરી શકાય. ઈ. પૂ. 1500 વર્ષો પહેલાં ધાર્મિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રસંગો અનુસાર વિવિધ વસ્ત્રો ધારણ કરવાનો રિવાજ હતો તે સાહિત્યમાં કરાયેલ વર્ણનો દ્વારા જાણવા મળે છે. તે સમયમાં સાડી, ઉપવસ્ત્ર, શાલ, પાઘડી, દુપટ્ટો વગેરે ઉપયોગમાં લેવાતાં હતાં. મહાભારત અને રામાયણ જેવાં મહાકાવ્યોમાં પણ વિવિધતાભર્યાં વસ્ત્રોનો ઉલ્લેખ તેમજ અલંકારો વગેરેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ઈ. પૂ. 200ના સમયમાં બર્હુતમાંથી મળેલ સ્થાપત્યે દક્ષિણની શૈલીની 9 વાર લંબાઈ તથા 52 ઇંચ પહોળાઈ ધરાવતી સાડીનું પ્રદર્શન કર્યું છે. સિલાઈ વગરનું આ વસ્ત્ર સાડી, ધોતી તેમજ ઉપવસ્ત્ર ત્રણેયનું પ્રતિસ્થાપન ગણાય છે.

ભારતી વસ્ત્ર ઉદ્યોગના એક મહારથી સ્વ. આદિત્ય બિરલા

ઈ. સ.ની દશમી સદી પછી પરદેશીઓનાં આક્રમણો અને તેમનાં રાજ્યોની સ્થાપના સાથે રાજ્યદરબારની શૈલીનાં વસ્ત્રો-ઝભ્ભા, ખૂલતો ડગલો, કફની વગેરેનો ઉપયોગ ખાસ કરીને ઉત્તર ભારતમાં પ્રચલિત બન્યો હતો. અંગ્રેજોના આગમન પછી કોટ, પાટલૂન, ખમીસ વગેરેનું અનુકરણ થવા લાગ્યું હતું. રાજાઓ, દરબારીઓ, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ વગેરે પોતાનાં વસ્ત્રોની સિલાઈ કરાવડાવતા હતા અને પોતાના મોભાને અનુલક્ષીને અલંકારો ધારણ કરતા હતા. સામાન્ય પ્રજા પોતાનાં વસ્ત્રોની સિલાઈ જાતે કરી લેતી અથવા તો વગર સિલાઈના કાપડનો ઉપયોગ કરતી હશે તેમ અનુમાન કરી શકાય. સ્વદેશી ચળવળ દરમિયાન હાથસાળની ખાદીમાંથી બનાવેલ ખાદીનાં વસ્ત્રો જેવાં કે નહેરુ ખમીસ, ચૂડીદાર પાયજામા, બંડી, ગાંધીટોપી વગેરે પ્રચલિત થયાં હતાં; છતાં પણ પુરુષોમાં ધોતી અને સ્ત્રીઓમાં સાડીઓનો રિવાજ પ્રચલિત રહ્યો હતો.

ભારત સ્વતંત્ર થયા પછી પણ મહત્તમ પ્રજાજનો પોતાનાં કપડાંની સિલાઈ દરજીઓ પાસે કરાવવાનું પસંદ કરતા હતા. ગરીબ વર્ગના લોકો પોતાનાં કપડાંની સિલાઈ જાતે જ કરવાને પ્રાધાન્ય આપતા હતા. ક્રમશ: ઉચ્ચ, મધ્યમ તેમજ બીજા વર્ગોના લોકો વચ્ચે વસ્ત્રોમાં સમાનતા દૃષ્ટિગોચર થવા લાગી હતી. વસ્ત્રોની ગુણવત્તા તથા શૈલી અને અલંકારો દ્વારા પોશાકની વિશિષ્ટતાનું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. છેલ્લા દશકામાં ટેલિવિઝન, સામયિકો તથા સમાચારોમાં આવતાં વિજ્ઞાપનો દ્વારા વિશ્વભરની વસ્ત્રશૈલીને નિહાળવાનું લોકોને મળે છે. તેમાંથી પોતાને અનુકૂળ પોશાક સૌ પસંદ કરે છે. આ પ્રક્રિયાએ પણ તૈયાર વસ્ત્ર-ઉદ્યોગના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપ્યો છે, તેમ કહી શકાય.

ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગ્રાહકો તૈયાર વસ્ત્રોને પ્રાધાન્ય આપે છે, કારણ કે વિવિધતાભર્યાં, રંગબેરંગી, જુદી જુદી શૈલીનાં કિફાયત કિંમતે તુરત જ મળતાં વસ્ત્રોમાંથી તેની પસંદગી સરળ બને છે. વળી કાપડખરીદીને સિવડાવેલ વસ્ત્રો વધુ સમય તેમજ ખર્ચ માગી લે છે. ભારતમાં તૈયાર વસ્ત્રોની માગનો અંદાજ આશરે 34,000 કરોડનો કરવામાં આવે છે. માગ પૂરી પાડવા 25થી 30 વિશાળ જૂથના ઉદ્યોગો અને ફેડરેશન ઑવ્ રેડીમેઇડ ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશનની માહિતી અનુસાર આશરે 30,000 નોંધાયેલાં કારખાનાં અસ્તિત્વમાં છે. આ કારખાનાંઓ 25થી 30 સિલાઈ મશીનોની મદદથી સ્થાનિક અને પ્રાદેશિક માગ પૂરી પાડે છે; જ્યારે કેટલાક વિશાળ ઉદ્યોગોને વસ્ત્રો પૂરાં પાડે છે. આ ઉદ્યોગો લગભગ 100 જાતના વિવિધ શૈલીના પોશાકો પૂરા પાડે છે. ભારતમાં વસ્ત્રોની 70 ટકા માગ તૈયાર વસ્ત્રો પૂરી પાડે છે, જ્યારે બાકીના 30 ટકામાં પોતાનાં કપડાં સિવડાવી લેવાનું પસંદ કરનાર વર્ગ આવે છે.

તૈયાર વસ્ત્રોની મુખ્ય બ્રાન્ડોમાં એરો, વાન હ્યુસન, લુઈ ફિલિપ, ઝોડિયાક, એલન સોલી, પીટર ઇંગ્લૅન્ડ, પાર્ક ઍવન્યૂ લિ. વગેરેને ગણાવી શકાય. તેઓ પુરુષો, સ્ત્રીઓ, બાળકો, જુવાનો, ખેલાડીઓ વગેરેનાં કપડાં તૈયાર કરે છે. ભારત વસ્ત્રોની ગણનાપાત્ર નિર્યાત કરવા સક્ષમ છે; પરંતુ વિકાસશીલ દેશોની હિસ્સા (quota) પદ્ધતિ તેની નિકાસને નિયંત્રણમાં રાખે છે. આમ છતાં પણ ભારતે 1960-61ના રૂ. 1 કરોડના નિર્યાતથી શરૂઆત કરીને 1990-91માં રૂપિયા 4,012 કરોડ અને 2001-02માં રૂ. 23,877 કરોડનાં તૈયાર વસ્ત્રોની નિકાસ કરી હતી. તેની મહત્તમ નિકાસ અમેરિકા, જર્મની, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, યુનાઇટેડ આરબ રિપબ્લિક, ઇટાલી, જાપાન તથા સ્વિટ્ઝર્લૅન્ડમાં થાય છે. 2005ના અંતમાં વિશ્વવ્યાપાર સંસ્થાને અનુલક્ષીને આયાતમાં ઉદારીકરણનો અમલ થવાની શક્યતા છે તે સમયે ભારત પોતાની તૈયાર વસ્ત્રોની નિકાસમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરવા સક્ષમ હશે. ભારત સરકારે વસ્ત્ર-ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવા આંતરરાષ્ટ્રીય સ્તરનાં આઠ નવાં વસ્ત્રકેન્દ્રો સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ કેન્દ્રો બૅંગાલુરુ, લુધિયાણા, કાંચીપુરમ્, સૂરત, થીરુવનંતપુરમ્, તીરુપુર, કાનપુર અને વિશાખાપટનમમાં સ્થપાશે.

જિગીષ દેરાસરી