વસ્તુ (નાટ્ય અને અન્ય સાહિત્યપ્રકારોમાં)

January, 2005

વસ્તુ (નાટ્ય અને અન્ય સાહિત્યપ્રકારોમાં) : નાટ્ય કે રૂપકમાં રજૂ થતું સપ્રયોજન ઇતિવૃત્ત કે કથાનક. આવું વસ્તુ મહાકાવ્ય વગેરે અન્ય સાહિત્યપ્રકારોમાં પણ હોય છે. ભરતના નાટ્યશાસ્ત્રથી નાટ્યવસ્તુના અનેક પ્રકારો ગણાવવામાં આવ્યા છે. એટલું જ નહિ, ભરત મુનિએ વસ્તુને નાટ્યનું એક ભેદક તત્વ માનીને રૂપકમાં નાયક અને રસ એ બે અન્ય ભેદક તત્વો જેટલું જ મહત્વનું તત્વ વસ્તુ છે એવો મત જાહેર કર્યો છે. ભારતીય નાટ્યશાસ્ત્રીઓએ વસ્તુના જુદી જુદી દૃષ્ટિએ નીચે મુજબ પ્રકારો ગણાવ્યા છે :

નાટ્યની વાર્તાની દૃષ્ટિએ તેના ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે : (1) ઇતિહાસ, પુરાણગ્રંથો વગેરેમાં વાર્તા જાણીતી હોય તેવું વસ્તુ એટલે प्रख्यात; (2) જે વાર્તા કવિએ પોતાની કલ્પનાથી રજૂ કરી હોય તેવું વસ્તુ એટલે उत्पाध्य અને (3) વાર્તાની અમુક બાબતો જાણીતી હોય અને બાકીની કવિકલ્પિત પણ હોય તેવું મિશ્રણવાળું વસ્તુ એટલે मिश्र.

નાટ્યમાં આવતાં પાત્રોને આધારે પણ વસ્તુના બીજા ત્રણ પ્રકારો ગણાવવામાં આવ્યા છે : (1) જે દિવ્ય પાત્રોનું બનેલું હોય તે दिव्य વસ્તુ; (2) જે મનુષ્ય પાત્રોનું બનેલું હોય તે मर्त्य અથવા अदिव्य વસ્તુ અને (3) જે દિવ્ય અને મનુષ્ય બંને પ્રકારનાં પાત્રોનું બનેલું હોય તે दिव्यादिव्य વસ્તુ.

આ દિવ્ય, મર્ત્ય, દિવ્યાદિવ્ય એ ત્રણેય પ્રકારો ઉપરના પ્રખ્યાત, ઉત્પાદ્ય અને મિશ્ર  એ ત્રણેય પ્રકારોમાં હોય છે તેથી સંકલન કરતાં વસ્તુના 9 પ્રકારો થાય છે.

હવે આ 9 પ્રકારો નીચેના ત્રણે પ્રકારોમાં હોય છે તેથી વસ્તુના કુલ 27 પ્રકારો હોય છે. પ્રસ્તુત ત્રણ પ્રકારો નાટ્યના નાયક અને અન્ય પાત્રોની દૃષ્ટિએ પાડવામાં આવે છે : (1) જે વસ્તુ અધિકારી એટલે નાયક સાથે સંબંધ ધરાવતું હોય તેને आधिकारिक અથવા मुख्य વસ્તુ કહેવાય; જ્યારે જે વસ્તુ નાયકને સહાય કરનારાં અન્ય ગૌણ પાત્રો સાથે સંબંધ ધરાવતું હોય તેને प्रासंगिक અથવા गौण વસ્તુ કહેવાય. ગૌણ વસ્તુના બે પ્રકારો છે. (2) જે પ્રાસંગિક અથવા ગૌણ વસ્તુ લાંબા સમય સુધી ચાલે અને તેને પોતાનું ફળ હોય તે पताका प्रासंगिक વસ્તુ કહેવાય. (3) જે પ્રાસંગિક અથવા ગૌણ વસ્તુ થોડોક સમય ચાલે તે प्रकरी प्रासंगिक વસ્તુ કહેવાય. આ ત્રણે પ્રકારો ઉપર ગણાવેલા 9 પ્રકારોમાં હોય છે તેથી વસ્તુના કુલ 27 પ્રકારો પડે છે.

નાટ્યમાં રહેલું આ વસ્તુ ભરત મુનિના મત મુજબ નાટ્યફળ કે કાર્ય તથા નાયકના મનની અવસ્થા મુજબ પાંચ વિભાગોમાં વહેંચાયેલું હોય છે; તેમાં બીજ, બિંદુ, પતાકા, પ્રકરી અને કાર્ય – એ પાંચ અર્થપ્રકૃતિઓની સાથે અનુક્રમે નાયકના મનની આરંભ, યત્ન, પ્રાપ્ત્યાશા, નિયતાપ્તિ અને ફલાગમ – એ પાંચ અવસ્થાઓ જોડાય છે, જે અનુક્રમે મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ કે અવમર્શ અને નિર્વહણ – એ પાંચ સંધિઓને પેદા કરે છે.

રંગભૂમિ પર અભિનયની દૃષ્ટિએ પણ વસ્તુના બે પ્રકારો પડે છે : (1) નાટ્યમાં જે વસ્તુ કે ઘટના ભજવવામાં આવે તે મુખ્ય ભાગ ઞ્ઊજા વસ્તુ કહેવાય. (2) નાટ્યમાં જે ઘટના અભિનયને બદલે અન્ય પાત્રોની વાતચીત દ્વારા સૂચવવામાં આવે તેને ઠ્ઠલ્ઊજા વસ્તુ કહેવાય. આ સૂચ્ય વસ્તુ વિષ્કંભક, પ્રવેશક, ચૂલિકા, અંકાસ્ય અને અંકાવતાર – એ પાંચ અર્થોપક્ષેપકો દ્વારા રજૂ કરવામાં આવે છે. સંસ્કૃત નાટ્યની પ્રસ્તાવનામાં પણ મુખ્ય કથાનક કે પાત્રને સૂચવવામાં આવતું હોવાથી પ્રસ્તાવના કે આમુખને પણ સૂચ્ય વસ્તુ જ કહી શકાય.

અંતે, કથોપકથનની દૃષ્ટિએ પણ વસ્તુના ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે : (1) નાટ્યમાં પાત્રની ઉક્તિઓ તમામ પ્રેક્ષકો તો સાંભળે જ છે; પરંતુ જે ઉક્તિ રંગભૂમિ પર હાજર તમામ પાત્રો સાંભળે છે એમ માનવાનું હોય તો सर्वश्राव्य વસ્તુ છે. એને નાટ્યકાર प्रकाशम् એવા શબ્દથી રજૂ કરે છે. (2) જે ઉક્તિ અમુક જ પાત્ર સાંભળે અથવા અમુક જ પાત્ર ન સાંભળે તેને नियतश्राव्य વસ્તુ કહે છે. એને માટે નાટ્યકાર जान्तिकम् અથવા अपवारित અથવા कर्णे – એ ત્રણ શબ્દોમાંથી કોઈકનો પ્રયોગ કરે છે. જે પાત્રની પાસે જઈને ઉક્તિ કહે અને તે જ સાંભળે તે जनान्तिकम् કહેવાય. જે પાત્ર સામે त्रिपताकाकरની નિશાની બતાવી ઉક્તિ કહે તે તે પાત્ર નથી સાંભળતું અને બાકીનાં પાત્રો સાંભળે છે એમ માનવું પડે તેને ૐચ્ઞ્દજ્રરૂ કહેવાય અને જે એક પાત્ર બીજા પાત્રને ફક્ત કાન પાસે ‘આમ, આમ કે’ એવું બોલે આખી ન કહે તે ખાનગી વાતને कर्ण કહેવાય. (3) જે બીજા પાત્રને સંભળાવવાની ન હોય પરંતુ પાત્ર પોતે આગળ આવીને પોતે પોતાની જાત સાથે વિચાર કરે તે ઉક્તિને अश्राव्य વસ્તુ કહે છે અને તેને માટે નાટ્યકાર स्वगत એવા શબ્દનો ઉપયોગ કરે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી