વસ્તુસૂચિ-આવર્ત : વેચવા માટેનો પાકો માલ, અર્ધતૈયાર માલ, ઉત્પાદન કરવા માટેનો કાચો માલ તથા ઉત્પાદન-પ્રક્રિયામાં આવશ્યક અન્ય માલસામગ્રીની વર્ષ દરમિયાન એકથી વધારે વાર થતી ફેરબદલીનું ચક્ર. કઈ માલસામગ્રી વસ્તુસૂચિ ગણાય અને કઈ માલસામગ્રી અચળ મિલકત (fixed asset) ગણાય તેનો આધાર ધંધાના પ્રકાર પર છે. ફર્નિચરના વેપારી માટે ટેબલ-ખુરશી વેચાણ માટેનો પાકો માલ છે, તેથી તેનો વસ્તુસૂચિ(inevtory)માં સમાવેશ થાય છે; પરંતુ કાપડના વેપારી માટે ટેબલ-ખુરશી લાંબા ગાળાના વપરાશ માટેની અચળ મિલકત છે તેથી તેનો વસ્તુસૂચિમાં સમાવેશ થઈ શકે નહિ. વળી કયો માલ કાચો માલ અથવા પાકો માલ ગણાય તેનો આધાર પણ ધંધાના પ્રકાર પર છે. પથારીના-બિછાનાના ઉત્પાદક માટે રૂ કાચો માલ છે, જ્યારે કપાસની ખેતી કરતા ખેડૂત માટે રૂ પાકો માલ છે. વસ્તુસૂચિમાં સમાવિષ્ટ પાકો માલ, અર્ધતૈયાર માલ, કાચો માલ અને અન્ય હેરફેર કરી શકાતી ચીજોમાં રોકવામાં આવેલી મૂડી ટૂંકા સમયગાળાની એટલે કે કાર્યશીલ મૂડી કહેવાય છે. આ સંદર્ભે યંત્રોમાં પૂરવામાં આવતા સ્નિગ્ધ પદાર્થો જેવી વસ્તુઓ પણ વસ્તુસૂચિનો ભાગ બને છે. ઉત્પાદકો માટે વસ્તુસૂચિમાં પ્રમાણમાં વૈવિધ્ય વધારે હોય છે. પ્રમાણમાં સંગ્રહ પણ વધારે થાય છે, પરિણામે, ઉત્પાદકોની વસ્તુસૂચિમાં કાર્યશીલ મૂડી વધારે પ્રમાણમાં રોકાય છે અને તેની સરખામણીમાં વેપારીઓની વસ્તુસૂચિમાં કાર્યશીલ મૂડી ઓછી રોકાય છે.
ધંધા માટે કાર્યશીલ મૂડી શરીરમાંના લોહી જેવું કામ કરે છે. કાર્યશીલ મૂડી સતત ફરતી રહેવી જોઈએ. વસ્તૂસૂચિમાં જો વધારે પ્રમાણમાં અને વધારે સમય માટે કાર્યશીલ મૂડી રોકાય તો વધારે વ્યાજખાધ લાગે છે. કાર્યશીલ મૂડીના વૈકલ્પિક ઉપયોગો કરવાની તકો ઓછી થાય છે. વસ્તુઓ લાંબો સમય પડી રહેવાથી ચોરી, ઘટ અને અપ્રામાણિકતા વધે છે. ઝડપી સંશોધનો અને ફૅશન-બદલીના કાળમાં વસ્તુઓ પુરાણી (obsolete) બને છે. વસ્તુઓ જૂની થતાં ઇમારતી લાકડા જેવી અપવાદરૂપ વસ્તુઓ સિવાયની વસ્તુઓની ગુણવત્તા ઓછી થાય છે. બીજી બાજુ વસ્તુસૂચિમાં જો વસ્તુઓ ઓછા પ્રમાણમાં હોય અને અપેક્ષિત સમય કરતાં વહેલી પૂરી થાય તો ધંધાકીય પ્રવૃત્તિઓમાં રુકાવટ આવે છે, જે નફા પર વિપરીત અસર કરે છે. આથી, જરૂરી વસ્તુઓ અપેક્ષિત સમયે જેટલી જોઈએ તેટલી મળવી જોઈએ. આ જરૂરિયાતને સંતોષવા માટે જરૂરી જથ્થામાં અને જરૂરી વૈવિધ્યવાળી વસ્તુઓ વસ્તુસૂચિમાં હોવી જોઈએ. ધંધાનો નફો મહત્તમ થાય તે રીતે વસ્તુઓનો પ્રવાહ ગંતવ્યસ્થાન તરફ ધંધાની પરિસ્થિતિને અનુરૂપ ગતિએ વહેતો હોવો જોઈએ. ધંધાની પરિસ્થિતિને અનુરૂપ આ ગતિ કેટલી હોવી જોઈએ તે સમગ્રતયા નક્કી કરવા માટે વસ્તુસૂચિના આવર્ત નક્કી કરવામાં આવે છે.
આ નિર્ણય લેવા માટે જથ્થાકીય ગણતરીનો કસબ જરૂરી થઈ પડે છે. સામાન્યત: એક વર્ષના સમય માટે (1) વેચાણને (2) રોકાયેલી કુલ મૂડીને અથવા (3) કાર્યશીલ મૂડીને પાયામાં રાખીને આવા આવર્ત ગણવામાં આવે છે. વર્ષની શરૂઆતની વસ્તુસૂચિના જથ્થાની કિંમત અને વર્ષના અંતના જથ્થાની કિંમતની સરેરાશને આવર્તની ગણતરીમાં લેવામાં આવે છે; દા. ત., કોઈ એક વેપારીની શરૂઆતની વસ્તુસૂચિ રૂ. 50,000ની હોય અને વર્ષાંતે તે રૂ. 70,000ની હોય તો વસ્તુસૂચિની સરેરાશ રૂ. 60,000 ગણાય. ખાંડનાં કારખાનાં જેવા મોસમી ધંધાદારીઓ દરેક મહિનાની શરૂઆત અને અંતની વસ્તુસૂચિની સરેરાશ કાઢી એક મહિનાના પાયે આવર્ત શોધે છે. વસ્તુસૂચિમાંના પાકા માલ સિવાયની વસ્તુઓને પડતર-કિંમત તરીકે લેવામાં આવે છે. પાકા માલની બાબતમાં એની વેચાણ-કિંમત અને પડતર પૈકી જે ઓછી હોય તેને કિંમત તરીકે ગણવામાં આવે છે. વર્ષ દરમિયાન જો ખરીદ-કિંમતમાં ઘણી વધઘટ આવે તો (1) જે વસ્તુ પહેલી ખરીદી તે પહેલાં વાપરવામાં આવી તેવું માનીને અથવા (2) જે વસ્તુ છેલ્લે ખરીદી તે પહેલાં વાપરવામાં આવી તેવું માનીને અથવા તો (3) બધી ખરીદ-કિંમતની સાદી અથવા ભારિત સરેરાશને સ્વીકારીને વસ્તુઓની કિંમત ગણવામાં આવે છે. આ ત્રણ આકારણી પદ્ધતિ પૈકી કઈ પદ્ધતિ અમલમાં મૂકવી તેનો નિર્ણય તંત્રની ટોચ-સપાટી લેતી હોય છે. એક વાર એક પદ્ધતિ પસંદ કર્યા બાદ અનિવાર્ય સંજોગો સિવાય તેને જ વર્ષોવર્ષ ઉપયોગમાં લેવામાં આવે છે.
જ્યારે વેચાણના પાયે વસ્તુસૂચિ-આવર્ત ગણવામાં આવે છે ત્યારે વેચાણ-કિંમતમાં નફાનો સમાવેશ થાય છે; પરંતુ વસ્તુસૂચિની કિંમત પડતર-આધારિત હોય છે. આથી વધારે ચોકસાઈ માટે વેચાયેલા કુલ જથ્થાની પડતર ગણીને આવર્ત ગણવામાં આવે છે. જો વર્ષ દરમિયાન વેચાયેલા કુલ જથ્થાની પડતર રૂ. 3,00,000 હોય અને વસ્તુસૂચિની સરેરાશ કિંમત રૂ. 60,000 હોય તો વસ્તુસૂચિ આવર્ત 5 છે. એટલે કે 365 દિવસના વર્ષમાં 73 દિવસે વસ્તુસૂચિનો એક આવર્ત થાય છે. એ જ પ્રમાણે કુલ મૂડીના પાયે તેમજ કાર્યશીલ મૂડીના પાયે વસ્તુસૂચિ-આવર્ત ગણી શકાય છે. વર્ષોવર્ષના આવર્તોની સરખામણી કરી વસ્તુસૂચિ સંચાલનની કાર્યક્ષમતાની વધ-ઘટને જાણી શકાય. વસ્તુસૂચિ-સંચાલનની કાર્યક્ષમતાને માપવા માટે જુદા જુદા માપદંડો છે તેમાંનો એક માપદંડ તે વસ્તુસૂચિ-આવર્ત છે.
સૂર્યકાન્ત શાહ