વસો : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 40´ ઉ. અ. અને 72° 45´ પૂ.રે.. તે નડિયાદ-ભાદરણ નૅરોગેજ રેલમાર્ગ પર નડિયાદથી 12 કિમી. દૂર આવેલું છે. આ ગામની સ્થાપના 1168માં વસોધરી માતાના નામ પરથી કરાઈ હોવાનું મનાય છે. ખેડાના તત્કાલીન રાજવી મોરધ્વજની તે કુળદેવી હતાં. બીજા એક મંતવ્ય પ્રમાણે પાટીદારોના આગેવાન વાચ્છા પટેલે બારમા-તેરમા સૈકા દરમિયાન ઉંઢોળા ગામથી અહીં આવીને વસવાટ કરેલો, તેથી તેમના નામ પરથી વસો નામ પડેલું મનાય છે.
વસો ચરોતરના સપાટ મેદાનમાં આવેલું છે. જમીન ફળદ્રૂપ અને ગોરાડુ છે. અહીંનું સરેરાશ ગુરુતમ-લઘુતમ તાપમાન ઉનાળા અને શિયાળામાં અનુક્રમે મે માસમાં 41° (ક્યારેક 44°થી 46°) સે. અને 24°થી 26° સે. તથા જાન્યુઆરીમાં 29° સે. અને 14° સે. રહે છે. વરસાદની સરેરાશ 792 મિમી. જેટલી રહે છે. અહીંની આબોહવા વિષમ ગણાય છે.
ગામમાં, ગામની અંદર-બહાર તથા ખેતરને શેઢે આંબા, રાયણ, કેળ, પપૈયા, વડ, પીપર, આંબલી, ખીજડા વગેરે જોવા મળે છે. અહીંના કૃષિપાકોમાં ડાંગર, જુવાર, બાજરી, કોદરા, કપાસ, મગફળી વગેરેનો સમાવેશ થાય છે.
વસોમાં બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, ઠાકોર, મુસલમાનો અને પછાત વર્ગના લોકોની વસ્તી છે. 1991માં વસોની વસ્તી 12,185 હતી, તે પૈકી 51 % પુરુષો અને 49 % સ્ત્રીઓ હતી. સાક્ષરતાનું પ્રમાણ 75 % છે.
વસોમાં સહકારી તેમજ વેપારી બકો છે. વિવિધ સહકારી મંડળીઓ કાર્યરત છે. રેલમાર્ગો અને સડકમાર્ગોની સારી સગવડ છે. તાર-ટપાલ-ટેલિફોન ઑફિસ, સરકારી દવાખાનું, પશુ-દવાખાનું, પ્રસૂતિગૃહ, સિટી સર્વે ઑફિસ જેવી સગવડો પણ ઉપલબ્ધ છે. ઘણાખરા લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે, કેટલાક પશુપાલન કરે છે. અહીં હાથસાળ, પાવરલૂમ, લાકડાં વહેરવાનાં અને બરફનાં કારખાનાં, તેલમિલો અને ડાંગર ભરડવાની મિલો આવેલી છે. વસોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સગવડ છે. તે ઉપરાંત પુસ્તકાલય, વાચનાલય, વ્યાયામમંદિર અને રંગશાળા પણ છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં વિવિધ દેવદેવીઓનાં મંદિરો, મસ્જિદો, ખ્રિસ્તી દેવળ, હવેલીઓ, ગૌશાળા, ધર્મશાળાઓ અને પરબડીઓ છે. ગોપાલદાસ બાગ અને ટાવર જોવાલાયક છે. વારતહેવારે અહીં મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે.
ગુજરાતના છેલ્લા સૂબા રૂસ્તમઅલીખાને પિલાજી ગાયકવાડ દ્વારા હાર પામતાં અહીં આપઘાત કરેલો. ગાંધીજીના ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર અહીં લાંબો વખત રહેલા.
શિવપ્રસાદ રાજગોર