વસાવડા, શ્યામપ્રસાદ (જ. 26 ફેબ્રુઆરી 1903, જૂનાગઢ; અ. 20 નવેમ્બર 1972, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પામેલા ભારતના અગ્રણી મજૂર આગેવાન. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવી 1926માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1924માં તેઓ માલવિયા એક્સપૉર્ટ હાઉસમાં મૅનેજર તરીકે જોડાયા. ત્યાં તેમના પિતાની ગંભીર માંદગીના સમાચાર મળતાં અને મૅનેજમેન્ટે તે માટે રજા ન આપતાં તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું અને જૂનાગઢ પરત આવ્યા.
1926માં તેઓ અમદાવાદ આવ્યા, જ્યાં તેમનો સંપર્ક જીવણલાલ દીવાન સાથે થયો. તેમની ભલામણથી મણિનગર ખાતેની દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં વસાવડા શિક્ષક તરીકે જોડાયા. તે અરસામાં તેઓ આચાર્ય કૃપાલાણીના સંપર્કમાં આવ્યા. તેમણે વસાવડાને મજૂર-ચળવળમાં જોડાવવા સલાહ આપી અને તે માટે શંકરલાલ બૅન્કરને મળવા જણાવ્યું, શંકરલાલ બૅન્કરે તેમને મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ મજૂર મહાજન સંઘમાં જોડાવાનું આમંત્રણ આપ્યું અને તેથી 1927માં તેઓ ત્યાં જોડાયા. તેમની સૂઝ, આવડત અને કુશળ વહીવટી શક્તિને કારણે ખૂબ ટૂંકા સમયમાં તેમણે મજૂર મહાજન સંઘનું સુકાન સંભાળ્યું. જેના મંત્રીપદે શરૂઆતમાં તેમની વરણી થઈ. તે જમાનામાં મજૂરોને પઠાણી વ્યાજ અને દારૂની ચુંગાલમાંથી છોડાવવાનું કપરું કાર્ય વસાવડાની રાહબરી હેઠળ સારી રીતે ચાલ્યું. વળી તેમણે અમદાવાદ ખાતે મજૂર સહકારી બૅન્કની સ્થાપના કરી, જેથી માફક દરે તેઓ ધિરાણ મેળવી શકે.
મજૂર મહાજન સંઘ એ ગાંધીજીની મજૂર ચળવળની પ્રયોગશાળા હતી. 1927થી 1936 સુધી અમદાવાદના મજૂરોએ અહિંસક હડતાળ દ્વારા અનેક લડતો આપી. વસાવડાએ એ વખતે મજૂરો ગાંધી-ચીંધ્યા માર્ગેથી ચલિત ન થાય તેની ખૂબ સાવચેતી રાખેલી હતી. મજૂર મહાજન સંઘનું કાર્યક્ષેત્ર તે વખતે ગુજરાત પૂરતું જ મર્યાદિત હતું. આથી આખા દેશનાં મજૂરો જોડાઈ શકે તે માટે હિન્દુસ્તાન મજૂર સેવક સંઘની સ્થાપના કરવામાં આવી, જે મજૂર ચળવળનું ગાંધી-ચીંધ્યા માર્ગનું અંગ બન્યું. એ રીતે 1948માં ઇન્ડિયન નૅશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ ‘ઇન્ટુક’ની સ્થાપના પણ થઈ, જેનો ઝડપભેર વિકાસ કાશ્મીરથી ક્ધયાકુમારી અને આસામથી દ્વારકા સુધી થયો. આ સંસ્થાના સામાન્ય મંત્રી અને પ્રમુખ તરીકે વસાવડાએ વરસો સુધી સેવાઓ આપી હતી.
1936થી 1948 સુધી વસાવડા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જુદી જુદી સમિતિઓના અધ્યક્ષ રહ્યા. 1948થી 1962 સુધી તેઓ ધારાસભ્ય પણ હતા. બબ્બે વખત તેમને રાજ્યના મંત્રી તરીકે જોડાવાનું આમંત્રણ મળેલું, પરંતુ મજૂર સંગઠનમાં જ તેમની પોતાની શક્તિનો ઉપયોગ કરવાના આદર્શથી પ્રેરાયેલા વસાવડાએ મંત્રીપદ સ્વીકારવાનો બંને વખત ઇનકાર કર્યો હતો.
ઔદ્યોગિક કામદારોની જેમ રેલવે કર્મચારીઓ પણ ગાંધી-ચીંધ્યા માર્ગથી ચલિત ન થાય તે માટે તેમણે નૅશનલ ફેડરેશન ઑવ્ ઇન્ડિયન રેલવેમૅનની સ્થાપના કરી અને 1947થી 1970 સુધી તેઓ તેના પ્રમુખ રહ્યા. 1960-61માં સામ્યવાદીઓએ રેલવે કામદારોને હડતાળની હાકલ કરી ત્યારે નૅશનલ ફેડરેશન ઑવ્ ઇન્ડિયન રેલવેમૅનના પ્રમુખ તરીકે વસાવડાએ હડતાળનો વિરોધ કર્યો અને પોતાના નેજા હેઠળના સંગઠનના સભ્યોને હડતાળ ન પાડવાનો આદેશ આપ્યો હતો. આથી રેલવેમાં હડતાળ ન પડી. આમ, મજૂર નેતા પણ હડતાળનો વિરોધ કરી શકે છે તેવો દાખલો વસાવડાએ દેશ સમક્ષ પ્રસ્તુત કર્યો.
1962થી 1966 સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને અન્ય કેટલાંક રાજ્યોમાં થઈ કુલ 110 કાપડની મિલો બંધ પડી. વસાવડાએ કેન્દ્ર સરકાર સામે ચળવળ ચાલુ કરી અને આવી મિલો ચલાવવા માટે એક રાષ્ટ્રીય કાપડ નિગમની સ્થાપના કરવી જોઈએ તેવી દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરી. કેન્દ્ર સરકારે આ માગણી સ્વીકારી અને રાષ્ટ્રીય કાપડ નિગમના પ્રથમ અધ્યક્ષ તરીકે વસાવડાની વરણી કરી. તેમણે પોતાની કુશળ વહીવટી શક્તિથી ખૂબ જ ટૂંકા સમયમાં નૅશનલ ટેક્સ્ટાઇલ કૉર્પોરેશનના નેજા હેઠળ બંધ પડેલી 110 મિલો ફરી ચાલુ કરાવી.
1968 તથા 1970માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા, જ્યાં તેમનું પ્રદાન ખૂબ જ મહત્વનું હતું.
1939માં સૂતર કાપડ ઉદ્યોગના કામદારોને મોંઘવારી ભથ્થું મળવું જોઈએ તેવી માગણી સર્વપ્રથમ મજૂર મહાજન સંઘે રજૂ કરી. માલિકો આ માગણી સાથે સંમત ન થયા; તેથી ઔદ્યોગિક અદાલતમાં કેસ દાખલ થયો. તે બાબતે પણ વસાવડાએ સબળ રજૂઆત કરી, પરંતુ તેનું કોઈ નક્કર અને હકારાત્મક પરિણામ આવ્યું નહિ. ત્યારબાદ 1965માં આવો જ મુદ્દો ફરી વાર ઉપસ્થિત થયો. માલિકોએ સર્વોચ્ચ અદાલત સુધી લડત આપી અને વસાવડાએ એકલે હાથે રજૂઆત કરીને ઉપર્યુક્ત કેસમાં સફળતા પ્રાપ્ત કરી.
1953માં ખોટ કરતી મિલોએ પણ કામદારોને 4 % બોનસ આપવું જોઈએ તેવા મતલબનો કરાર વસાવડાએ મિલમાલિક મંડળ જોડે કર્યો. આ કરારને ‘વસાવડા કરાર’ તરીકે ખ્યાતિ મળી. માલિકોએ જ્યારે આ કરારની અમલમર્યાદા વધારવાની ના પાડી ત્યારે આ કેસ સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જેણે આ કેસના પોતાના ચુકાદામાં એવું મંતવ્ય રજૂ કર્યું કે ભારતમાં તાકીદે એક બોનસ કમિશનની નિમણૂક થવી જોઈએ.
વસાવડાના આગ્રહથી ભારત સરકારે બોનસ કમિશનની રચના કરી અને તેના સભ્યપદે વસાવડાને નીમ્યા. બોનસ કમિશનની મુખ્ય ભલામણમાં ખોટ કરતી મિલોએ પણ કામદારોને 4 % બોનસ આપવું જોઈએ તે હતી અને તે પ્રમાણે સંસદે તેની તરફેણમાં કાયદો કર્યો. આ કાયદાની બંધારણીયતા માલિકોએ સર્વોચ્ચ અદાલતમાં પડકારી. સર્વોચ્ચ અદાલતે વસાવડાની દલીલો માન્ય રાખી બોનસનો ઉપર્યુક્ત કાયદો ભારતીય બંધારણને અનુરૂપ છે તેમ ઠરાવ્યું.
1967માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મજદૂર પંચની સ્થાપના કરી, જેમાં વસાવડાને સભ્ય તરીકે લીધા. રાષ્ટ્રીય મજદૂર પંચે મજૂરોની તરફેણમાં અનેક ભલામણો કરી.
મજૂરસંઘોમાં રાજકારણ દાખલ ન થવું જોઈએ એવું મંતવ્ય વસાવડા ધરાવતા હતા. તેમણે ઍર ઇન્ડિયા, ઇન્ડિયન ઍરલાઇન્સ, ઇન્ડસ્ટ્રિયલ ફાઇનાન્સ કૉર્પોરેશન, હિન્દુસ્તાન સ્ટીલ જેવા અનેક નાનાં-મોટાં કૉર્પોરેશનોમાં શ્રમ-પ્રતિનિધિ તરીકે નોંધપાત્ર સેવા આપેલી.
1969માં કૉંગ્રેસના ભાગલા પડ્યા. તે અરસામાં એવી સર્વસામાન્ય માન્યતા હતી કે ઇન્ટુક એ કૉંગ્રેસનો જ ભાગ છે. ઇન્ટુક એ મતલબનો ઠરાવ પણ કરવા માગતું હતું; પરંતુ વસાવડાએ તેનો વિરોધ કર્યો. જેને લીધે ઇન્ટુક અને મજૂર મહાજન સંઘ છૂટાં પડ્યાં. 1970 સુધી ઇન્ટુકમાં કામ કર્યા પછી તેમણે ‘ઇન્ટુક’માંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. (1948-70)
દેશમાં ઔદ્યોગિક શાંતિ સ્થાપવા માટે વસાવડાએ કરેલા કામની કદર રૂપે 1964માં જહાંગીર ટાટા લેબર ઇન્સ્ટિટ્યૂટ, જમશેદપુર તરફથી તેમને સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. વળી ભારતના રાષ્ટ્રપતિએ તેમને ‘પદ્મભૂષણ’નો ઇલકાબ આપ્યો હતો. આવું ઉચ્ચ રાષ્ટ્રીય સન્માન મેળવનાર વસાવડા ભારતના પ્રથમ મજૂરનેતા હતા.
ભારતી ઠાકર