વસાવડા મહાવીર હરિપ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1936, જૂનાગઢ)

January, 2005

વસાવડા મહાવીર હરિપ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1936, જૂનાગઢ) : ગુજરાતના પ્રખર ગણિતશાસ્ત્રી, સ્પષ્ટ વિચારક તથા પ્રભાવશાળી વક્તા.

મહાવીર જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી 1958માં ગણિત વિષય સાથે બી.એસસી. થયા. કૉલેજકાળ દરમિયાન વક્તૃત્વકળામાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું હતું. તેઓ એમ. એસસી. દ્વારા મુંબઈ ગયા અને 1960માં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે પાસ થયા. વિદ્યાનગર તથા વડોદરામાં વ્યાખ્યાતા રહ્યા પછી તેઓ 1964માં ફુલબ્રાઇટ ટ્રાવેલ ગ્રાન્ટ મેળવી અમેરિકા ગયા અને વિસ્કૉનસીન યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરવા ગયા. ચલનના કલન(Calculus of Variations)ના વિષયમાં પીએચ.ડી. થઈ તેઓ 1969માં ભારત પરત આવ્યા અને વડોદરામાં રીડર થયા. 1972માં તેઓ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક ગણિત વિભાગના પ્રાધ્યાપક તથા વડા થયા. ત્યાં તેમણે સંશોધનનું તથા શિક્ષણની ગુણવત્તાનું ખૂબ ઊંચું ધોરણ પ્રસ્થાપિત કર્યું. થોડાં જ વર્ષોમાં તેમનો ગણિત વિભાગ તેની ગુણવત્તા માટે ભારતભરમાં વિખ્યાત બન્યો. સંશોધનની સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષક બને ત્યારે ગણિતના વિશ્વનાં વહેણોથી પરિચિત રહે અને સારો શિક્ષક બને એ પ્રકારના અભ્યાસક્રમો પણ દાખલ કર્યા.

મહાવીરભાઈએ ગુજરાત ગણિત મંડળમાં પણ ખૂબ ઉલટભેર પ્રવૃત્તિઓ કરી. તેમની 1978માં ગણિત મંડળના પ્રમુખપદે વરણી થઈ હતી. આ પહેલાં તેમણે પાંચ વર્ષ સુધી મંડળના મંત્રી તરીકે મંડળને અનેક નવી નવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખ્યું હતું.

દેશભરના ગણિતના સંશોધકો મહાવીર વસાવડાને ઉચ્ચકોટિના સંશોધક તરીકે અને સંશોધનગુરુ તરીકે ઓળખે છે. ગુજરાતમાં ગણિતના શાળા-કૉલેજના સૌ શિક્ષકો તેમને પ્રેરણાદાયી અને કદી ન થાકનારા ગણિતજ્ઞ તરીકે જુએ છે. તેમણે 2011માં મહાવીરનું ભવ્ય સન્માન કર્યું હતું.

મહાવીર સ્વ. પ્રા. એ. આર. રાવના વિદ્યાર્થી હતા. તેઓએ એ. આર. રાવ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને તેને ઘણી બધી પ્રવૃત્તિઓથી ધમધમતું રાખ્યું છે.

મહાવીરનાં પત્ની હેમાબહેન પોતે ખૂબ સારાં ગણિતજ્ઞ છે અને દંપતીએ સાથે પણ ઘણી ગાણિતિક પ્રવૃત્તિઓ કરી છે.

અરુણ વૈદ્ય