વસારી, જ્યૉર્જિયો (Vasari, Georgio)

January, 2005

વસારી, જ્યૉર્જિયો (Vasari, Georgio) (જ. 30 જુલાઈ 1511, એરેત્ઝો, ઇટાલી; અ. 27 જૂન 1574, ફ્લોરેન્સ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાં કલાનો ઇતિહાસ લખવા માટે અમર થઈ જનાર કલા-ઇતિહાસકાર અને જીવનકથાકાર. એનાં લખાણોને આજે રેનેસાંસ કલા અંગેની માહિતી માટે થઈને સૌથી વધુ પ્રમાણભૂત દસ્તાવેજ માનવામાં આવે છે. એ ચિત્રકાર હોવા ઉપરાંત સ્થપતિ પણ હતો.

કિશોરાવસ્થામાં એણે આન્દ્રેઆ દેલ સાર્તો નામના પ્રારંભિક તબક્કાના રેનેસાંસ ચિત્રકાર પાસે તાલીમ મેળવેલી. યુવાવસ્થામાં ફ્લૉરેન્સના રાજવી કોસિમો મેડિચીએ એને આશ્રય આપ્યો. ફ્લૉરેન્સના વેકિયો મહેલમાં લિયોનાર્દો દ વિન્ચીના અધૂરા ભીંતચિત્ર ‘બૅટલ ઑવ્ એન્થિયેરી’ ઉપર મૌલિક ચિત્ર ચીતરીને ઢાંકી દેવાનું દુષ્કૃત્ય વસારીએ કરેલું. એ પછી એણે રોમના ચેન્સેલેરિયા મહેલમાં પોપ પોલ ત્રીજાના જીવનને નિરૂપતી લાંબી ભીંતચિત્રમાળા ચીતરી. રેનેસાંસના ઉત્તર કાળે પ્રકટેલી મૅનેરિઝમ (મૅનેરિયા) શૈલીનાં વલણો વસારીની ચિત્રકલાનાં મુખ્ય લક્ષણો મનાય છે. વસારીનાં ચિત્રો સીધાંસાદાં અને અણઘડ છે. તેમાં ઉપરછલ્લી છીછરી લાગણીઓ જોવા મળે છે. તેને રંગોનું પણ ઠીક ભાન હોય તેવું જણાતું નથી. એક ચિત્રકાર તરીકે તેની કોઈ જ ખ્યાતિ, નામના, પ્રતિષ્ઠા કે કીર્તિ આજે નથી.

જ્યૉર્જિયો વસારી

પરંતુ એક સ્થપતિ તરીકે વસારીને આજે વધુ યાદ કરવામાં આવે છે. ફ્લૉરેન્સમાં ઉફીત્ઝી મહેલ તથા પિઝામાં કેવેલિયરી સ્ટેફાનો માટે ચર્ચ, મઠ અને મહેલ તેણે ડિઝાઇન કરેલાં. તેમાં માઇકલૅન્જેલોનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. ફ્લૉરેન્સમાં 1562માં સ્થાપવામાં આવેલી કલાશાળા ફ્લૉરેન્તાઇન અકાદમિયા દેલ ડિઝાન્યોના સ્થાપકોમાં એક વસારી હતો.

વસારીની શ્રેષ્ઠ રચના ‘લ વિતે દ પિયુ એક્સેલેન્તી આર્કિતૅક્તી, પિત્તોરી ઍત સ્કુલ્તોરી ઇતાલિયાની’ નામનો ગ્રંથ ગણાય છે. આ ગ્રંથ ગ્રેકોરોમન યુગ પછી માત્ર યુરોપમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં કલાનો પ્રથમ ઇતિહાસ છે. ઇટાલિયન ભાષામાં લખાયેલો આ ગ્રંથ રેનેસાંસના શ્રેષ્ઠ ઇટાલિયન ચિત્રકારો, શિલ્પીઓ અને સ્થપતિઓનાં જીવનચરિત્રોનો સંગ્રહ છે. કોસિમો મેડિચીને અર્પણ કરેલો આ ગ્રંથ 1550માં પ્રકાશિત થયો. 1568માં વસારીએ એની બીજી બૃહત્સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત કરી. 1850માં એ બીજી આવૃત્તિનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત થયો. ‘ધ લાઇવ્ઝ ઑવ્ ધ મોસ્ટ ઇમિનન્ટ ઇટાલિયન આર્કિટેક્ટ્સ, પેઇન્ટર્સ ઍન્ડ સ્કલ્પ્ટર્સ’, અંધકાર ભરેલા મધ્યયુગના યુરોપની રોમેનેસ્ક અને ગૉથિક કલાઓની જંગલિયતનું પરિણામ છે અને તેથી હીન છે તેવી રેનેસાંસ યુગની ગુરુતા-ગ્રંથિભરી માન્યતાને વસારીએ પણ આ ગ્રંથમાં અનુમોદન આપ્યું છે. ટસ્ક્ધાી પ્રદેશમાં ચિત્રકાર જ્યોત્તોથી રેનેસાં ચેતનાનો પ્રારંભ થયો અને તેનું ચરમબિંદુ માઇકલૅન્જેલોના રૂપમાં મળ્યું તેવું તેણે આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે. અન્ય કલાકારોનાં જીવનચરિત્રોની સાથે તેણે પોતાની આત્મકથા પણ આ ગ્રંથમાં આમેજ કરી છે. તેની લેખનશૈલી ખૂબ જ સરળ, રસાળ અને રોચક છે. એક આધુનિક ઇતિહાસકાર જેવી સંશોધકવૃત્તિ અને ખણખોદવૃત્તિ તેનામાં જોવા મળે છે.

લિયોનાર્દો દ વિન્ચી અને માઇકલૅન્જેલો વસારીના સૌથી પ્રિય અને તેના મતે શ્રેષ્ઠ કલાકારો છે તથા એ બંનેમાં માઇકલૅન્જેલો શ્રેષ્ઠતમ છે. આ બંને કલાકારો માટે વસારીને ખૂબ જ પ્રેમ અને અહોભાવ હતા. પોતાની યુવાનીમાં વસારી થોડા સમય માટે માઇકલૅન્જેલોનો શિષ્ય પણ રહી ચૂકેલો. માઇકલૅન્જેલો સાથે તેને મિત્રતા પણ હતી. 1527માં ફ્લૉરેન્સવાસીઓએ બળવો કરીને રાજવી મેડિચી પરિવારને તગેડી મૂક્યો ત્યારે ઊભી થયેલી અંધાધૂંધીમાં માઇકલૅન્જેલોના શિલ્પ ‘ડેવિડ’નો એક હાથ તૂટી ગયેલો જોતાં જીવલેણ નાસભાગ વચ્ચે પણ ચોકમાં જઈને વસારી તૂટી પડેલા હાથના એ ટુકડા એકઠા કરી લાવેલો અને એમની સાચવણી કરેલી.

અમિતાભ મડિયા