વસંતકુસુમાકર રસ (સુવર્ણયુક્ત) : સપ્તધાતુવર્ધક ઉત્તમ ફલપ્રદ, આયુર્વેદિક રસાયન-ઔષધિ. આયુર્વેદના ગ્રંથોમાં ‘વસંતકુસુમાકર રસ’નો પ્રથમ પાઠ શાર્ઙ્ગધર સંહિતામાં આપેલ છે; પરંતુ આ પાઠ મુજબની ઔષધિ વૈદ્યોમાં હાલ પ્રચલિત નથી. હાલમાં વૈદ્યો ‘રસયોગ સાગર’, ‘રસરાજ સુંદર’, ‘રસતંત્રસાર’ તથા એવા અન્ય મહત્વના રસ-ગ્રંથોમાં આપેલ પાઠ મુજબ આ ઔષધિ તૈયાર કરી વાપરે છે. મોટાભાગની નામી આયુર્વેદિક ફાર્મસીઓ પણ આ મુજબની દવા બનાવી વેચે છે. મૂળ પાઠ તથા નિર્માણવિધિ નીચે મુજબ છે :
ઘટક દ્રવ્યો : સુવર્ણ ભસ્મ અને રૌપ્ય ભસ્મ 2-2 ભાગ (કે ગ્રામ); લોહભસ્મ, નાગભસ્મ અને બંગભસ્મ 3-3 ભાગ; પ્રવાલપિદૃષ્ટિ, રસસિંદૂર કે ચંદ્રોદય, મોતીપિદૃષ્ટિ અને અભ્રક ભસ્મ 4-4 ભાગ.
પ્રક્ષેપ–દ્રવ્યો : તુલસીબીજ, જાયફળ, જાવંત્રી અને લવિંગ 4-4 ભાગ અને કપૂર 8 ભાગ.
ભાવનાનાં દ્રવ્યો : ગાયનું દૂધ, શેરડીનો રસ, અરડૂસીનો રસ, શ્ર્વેત ચંદનનો ફાંટ, ખસનો ક્વાથ, હળદરનો ક્વાથ, કેળનો રસ, કમળફૂલનો રસ, ચમેલી (માલતી) પુષ્પનો રસ તથા કેસર અને કસ્તૂરી-જળની ભાવના.
નિર્માણવિધિ : કાળા આરસના મજબૂત પથ્થરમાંથી બનેલ મોટી ખરલમાં પ્રથમ બધી ભસ્મો એકત્ર કરીને ઘૂંટાઈ કરી લેવી. પછી પ્રક્ષેપ-દ્રવ્યોનું બારીક ચૂર્ણ બનાવી તેમાં મેળવી ફરી ઘૂંટી લો. તે પછી તેને ગાયના દૂધની ભાવના દેવી. તે પછી તેમાં ભાવના (પુટ) દેવાનાં બતાવેલ દ્રવ્યોના રસની વારાફરતી 11 અથવા 77 ભાવના દેવી. છેવટે તેને કેસર-જળ અને કસ્તૂરી-જળની ભાવના દેવી. કપૂર-ચૂર્ણ તેમાં સાવ છેવટે ભેળવીને ઘૂંટાઈ બરાબર કરી લીધા પછી 1 કે 2 રતીની ગોળીઓ વાળી, સુકાયેલી શીશીમાં ભરી લેવી.
માત્રા : વ્યક્તિની વય મુજબ 1થી 3 રતી કે 1થી 2 ગોળી દિવસમાં 2 વાર સાકરયુક્ત દૂધ અથવા માખણ અને સાકર સાથે કે મધ સાથે.
અનુપાન : રોગાનુસાર આ ઔષધિ વિવિધ અનુપાનો સાથે દર્દીને અપાય છે. જેમ કે પ્રમેહ(ડાયાબિટીસ)માં હળદર અને મધ કે સાકર સાથે; રક્તસ્રાવમાં અરડૂસીના રસ અને સાકર સાથે; વીર્ય-વૃદ્ધિ માટે શતાવરી-અશ્વગંધાને સાકરવાળા દૂધ સાથે.
ગુણધર્મ–ઉપયોગ : આયુર્વેદની આ રસૌષધિ વૈદ્યોની ખૂબ પ્રિય અને વધુ પ્રચલિત એવી આશુકારી તથા નિર્દોષ દવા છે, જે કોઈ પણ રોગમાં વાપરી શકાય છે. કોઈ પણ રોગમાં કાયમી લાભ મેળવવા તથા ડાયાબિટીસ (મધુપ્રમેહ), પ્રમેહ અને મૂત્ર તથા વીર્યનાં તમામ દર્દો માટે આ ખૂબ અસરકારક ઔષધિ છે; જે શરીરની સાતેય ધાતુઓ વધારી શરીરમાં પુદૃષ્ટિ, શક્તિ અને આરોગ્ય વધારી આયુષ્ય પણ વધારે છે. તેમાં સુવર્ણ હોઈ તે શરીરની રોગપ્રતિકારક શક્તિ ખાસ વધારે છે. જૂના મધુપ્રમેહના દર્દમાં ખાતરીબંધ બનેલી આ દવા સાથે અન્ય સહાયક ઔષધિઓ વાપરવાથી આ રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. વસંતકુસુમાકર રસ અંડકોષ, હૃદય, મસ્તક અને ફેફસાં માટે ખૂબ પૌદૃષ્ટિક અને શક્તિવર્ધક ઔષધિ છે. તે વીર્યવર્ધક, કામોત્તેજક, વાજીકરક, મધુમેહનાશક અને માનસિક નબળાઈનાશક છે. એ ઉપરાંત તે ડાયાબિટીસને કારણે જન્મેલ હૃદયવિકાર, શ્ર્વાસ, ખાંસી, ઇન્દ્રિયની નબળાઈ (નપુંસકતા) તેમજ પ્રમેહપિટિકા (કારબંકલ) : વીર્યની અશક્તિ ઉપરાંત વીર્યસ્રાવ, સ્વપ્નદોષ, નામર્દાઈ, કિડનીની વિકૃતિ, યાદશક્તિની ખામી, ચક્કર, અનિદ્રા, રક્તપિત્ત (રક્તસ્રાવ), હૃદયની નબળાઈ, સૂકી ખાંસી, વાયુ તથા પિત્તજન્ય ર્જીણ સર્વાંગશોથ (સોજા) સ્ત્રીઓનો નવો કે જૂનો રક્તપ્રદા કે શ્ર્વેતપ્રદર વગેરે દર્દો પણ ખાસ મટાડે છે. આ ઔષધિ શિયાળાની ઋતુમાં લેવી વધુ લાભપ્રદ છે. જોકે તે બારે માસ લઈ શકાય છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા