વસંતન, એસ. કે. (ડૉ.) (જ. 17 નવેમ્બર 1935, એડાપલ્લી, એર્નાકુલમ, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં તથા મલયાળમમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેમણે શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઑવ્ સંસ્કૃત, કાલડીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમીના તથા મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમના સભ્ય પણ રહ્યા.

તેમણે મલયાળમમાં 15 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એન્ટે ગ્રામમ્ એન્ટે જનતા’ (1976); ‘આરક્કિલ્લમ્’ (1989)  બંને નવલકથાઓ; ‘ઉરંગાથા મનસ્સુકાલ’ (1984), ‘અન્વેષણમ્ આસ્વાદનમ્’ (1989) – નિબંધસંગ્રહો; ‘મુખંગલ, નિળલુકાલ’ વાર્તાસંગ્રહ અને ‘મૈથિલી મનોહારી’ (1992) એકાંકી ઉલ્લેખનીય છે.

તેમને થુંચન સ્મારક ઍવૉર્ડ; કે. દામોદરન્ ઍવૉર્ડ તથા દૂરદર્શન ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા