વસંતઋતુ (spring) : શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં આ ઋતુ દરમિયાન પ્રવર્તતું આહ્લાદક હવામાન ઊંચા અક્ષાંશોમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂનના પ્રારંભિક દિવસોમાં માણી શકાય છે. ભારત અયનવૃત્તીય પ્રદેશમાં હોઈને મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) માસમાં પ્રવર્તે છે. દક્ષિણ ગોળાર્ધમાં આ ઋતુ સપ્ટેમ્બરના અંતભાગથી શરૂ થઈને ડિસેમ્બરની શરૂઆત સુધી રહે છે.
ઘણાખરા દેશોમાં શિયાળુ બરફ પીગળવાની સાથે વસંતઋતુ શરૂ થાય છે. ધ્રુવીય પ્રદેશોમાં તે મોડી શરૂ થાય છે અને ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધમાં ટૂંકી હોય છે. અયનવૃત્તોમાં મોટા પાયા પર ઋતુઓનો ફેરફાર થતો નથી.
વસંતઋતુ દરમિયાન દિવસના પ્રકાશના કલાકો વધે છે. વસંતના દિવસોનું તાપમાન ત્યાંના શિયાળાના દિવસોના તાપમાન કરતાં વધુ, પરંતુ ઉનાળાના દિવસોના તાપમાન કરતાં ઓછું હોય છે. વસંતઋતુ દરમિયાન કુદરત મહોરી ઊઠે છે, ફૂલો ખીલે છે તથા સુષુપ્ત અવસ્થામાં રહેલાં પ્રાણીઓ પોતાની મૂળ જાગ્રત સ્થિતિમાં આવી જાય છે. કેટલાક દેશોમાં વસંતઋતુનો ઉત્સવ પણ ઊજવાય છે. ભારતમાં ઊજવાતો વસંતપંચમીનો ઉત્સવ તેનું એક ઉદાહરણ છે. કવિ કાલિદાસ રચિત મેઘદૂતમાં વસંતઋતુનો મહિમા ગાયો છે.
ગિરીશભાઈ પંડ્યા