વસંત : ગુજરાતનાં સાહિત્યિક સામયિકોમાં આગવી પ્રતિષ્ઠા ધરાવનારું આનંદશંકર ધ્રુવ સંપાદિત સામયિક. વિ. સં. 1958ના મહા મહિનાના પ્રથમ અંકમાં આનંદશંકર ધ્રુવ સામયિકનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખે છે કે ‘આપણો છેલ્લાં પચાસ વર્ષોનો ઇતિહાસ અવલોકીશું તો જણાશે કે એ દરમિયાન આપણા આચારવિચાર અને કર્તવ્યભાવનાના સ્વરૂપમાં અનેક ફેરફારો થઈ ગયા છે. કેટલાક જૂના પ્રશ્ર્નો આજે પતી ગયા છે અને કેટલાક નવીન પદ્ધતિએ ચર્ચાવા લાગ્યા છે. કેટલાક નવા ઉત્પન્ન થયા છે અને કેટલાક થવાની શરૂઆતમાં છે. આવી સ્થિતિમાં, સમયનું યોગ્ય પ્રતિબિંબ ઝીલે અને તેના જીવનવિકાસમાં કાંઈક પણ સહાયરૂપ થાય એવા એક માસિકની ગુજરાતને બહુ જરૂર છે. અને એ જરૂર થોડીઘણી પણ કંઈક સંતોષકારક રીતે પૂરી પાડી શકાય તો ઠીક, એ આ નવીન ઉપક્રમનો એક ઉદ્દેશ છે.’
ગુજરાતમાં ધાર્મિક, સાંસારિક, રાજકીય આદિ સર્વ પ્રવૃત્તિઓને જ્ઞાન, બળ અને ગતિ આપનારું વિશાળ સાહિત્ય ઉત્પન્ન કરવાની જરૂર જણાતાં 1902માં આનંદશંકરે ‘વસંત’ માસિક શરૂ કર્યું. ‘વસંત’ શરૂ કર્યું તે પહેલાં આનંદશંકરભાઈએ મ. ન. દ્વિવેદીના ‘સુદર્શન’ માસિકમાં પોતાના ચિંતનલેખો લખેલા, મ. ન. દ્વિવેદીના અવસાન પછી ચાર વર્ષ સુધી ‘સુદર્શન’નું તંત્રીપદ તેમણે સંભાળેલું, પરંતુ મ. ન. દ્વિવેદીની પરંપરા જાળવવાનું તેમને માટે શક્ય ન લાગવાથી એમણે ‘વસંત’ માસિક પ્રગટ કર્યું. અંગ્રેજી કેળવણીને કારણે મોટાભાગનો વર્ગ ગુજરાતી લેખન અને સાહિત્યના અભ્યાસ પ્રત્યે ઉપેક્ષા સેવતો હતો ત્યારે ધર્મ અને સાહિત્યના વિષયોની વિવિધ દૃષ્ટિએ ચર્ચા કરવાનો ‘વસંતે’ ઉપક્રમ રાખ્યો.
ગુજરાતી સાહિત્યિક સામયિક ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા ‘વસંતે’ ગુજરાતી ગદ્યના વિકાસમાં ઘણો ફાળો આપ્યો. સાહિત્યિક ઉપરાંત રાજકીય અને આર્થિક પ્રશ્ર્નોની ચર્ચાનો આમાં સમાવેશ થયો. વળી ગુજરાતી ભાષામાં ક્યારેય લખ્યું ન હોય એવા વિદ્વાનોના વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના વિષયો પર ગુજરાતીમાં લખાયેલા લેખો પ્રગટ કર્યા. શિવાભાઈ મોતીભાઈ, છોટાલાલ વકીલ, ભૂલાભાઈ દેસાઈ જેવા વિદ્વાનોને આનંદશંકર ધ્રુવે લખતા કર્યા હતા. એ સમયે વિજ્ઞાનના લેખોને સાહિત્યિક સામયિકોમાં ભાગ્યે જ સ્થાન મળતું ત્યારે ‘વસંત’માં સંખ્યાબંધ વિજ્ઞાનવિષયક લેખો પ્રકાશિત થતા હતા. એના પ્રત્યેક અંકના પૂંઠાના છેવટના પાના પર અંગ્રેજી ચિંતકોનાં મનનીય લખાણો આનંદશંકર ધ્રુવ પોતાના વિસ્તૃત વાચનમાંથી વીણીને મૂકતા હતા. આનંદશંકર ધ્રુવની પ્રાસંગિક નોંધો વાચકોને માટે રસપ્રદ બની રહેતી.
‘વસંતે’ એના નામ પ્રમાણે ગુજરાતી સાહિત્યમાં વિષયનો વ્યાપ, આગવું વાતાવરણ અને તાજગીભર્યા વિચાર ઉપસાવવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. ‘વસંત’માં કવિતા, નાટક, વાર્તા, નિબંધ, ગ્રંથાવલોકન, વ્યાકરણ જેવા વિષયો તો આવતા જ; તદુપરાંત અધ્યાત્મ, તત્વજ્ઞાન, રાજકારણ, સમાજજીવન, માનસશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ઉદ્યોગ, આર્થિક પ્રશ્ર્નોની વિચારણા, આરોગ્ય, કૃષિ, રેલવે, ખગોળવિદ્યા, સંગીતવિષયક લેખો પણ આવતા. આમ માત્ર સાહિત્ય નહિ પણ અનેક શાખાઓ પર તેમની દૃષ્ટિ રહેતી. એના પ્રથમ અંકથી જ ઉત્તમલાલ ત્રિવેદીની ‘સરસ્વતીચંદ્ર અને આપણો ગૃહસંસાર’ જેવી સાહિત્યિક અને સામાજિક છણાવટ કરતી લેખમાળાનો આરંભ થયો હતો. એ જ અંકમાં ‘ચા-કૉફી વિકાસગાથા’ અને ‘રોમનો ઇતિહાસ’ જેવા લેખો મળે છે. ‘વસંત’માં કાન્ત, ન્હાનાલાલ, નારાયણ હેમચંદ્ર, કેશવચંદ્ર સેન, રમણભાઈ નીલકંઠ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, કૃષ્ણલાલ ઝવેરી, બ. ક. ઠાકોર, નરસિંહરાવ જેવા વિદ્વાનોનાં લખાણો પ્રકાશિત થતાં હતાં. અનેક કામગીરી વચ્ચે આનંદશંકર ધ્રુવ ‘વસંત’ માટે તંત્રીનોંધ, ‘હૃદયનો હક’ નામે અંજલિલેખો, ધર્મ, તત્વવિચારના લેખો તથા ગુજરાતી ગ્રંથાવલોકનો પણ લખતા રહ્યા. ગોવર્ધનરામના અવસાન પછી ‘વસંત’નો ઈ. સ. 1907ના માર્ચ મહિનાનો અંક ગોવર્ધન સ્મૃતિ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ કર્યો. દક્ષિણ આફ્રિકામાં ‘વસંત’ના લેખો ગાંધીજીને માટે ભાષા-સાહિત્યના પ્રેમના પ્રેરક બનેલા. આનંદશંકરની ગુજરાત કૉલેજ સરકારને સોંપાતાં ‘વસંત’નું તંત્રીપદ રમણભાઈ નીલકંઠે સ્વીકાર્યું હતું અને બાર વર્ષ સુધી (1912થી 1924) એમણે કુશળતાથી એનું સંપાદન કર્યું હતું. 1925થી આનંદશંકર ધ્રુવે ફરી તંત્રીપદ સંભાળ્યું. નિયમિત પ્રકાશન થતું ન હોવાથી 1936માં એ ત્રૈમાસિક બન્યું અને 1939માં એનું પ્રકાશન બંધ થયું. એ સમયે ‘બુદ્ધિપ્રકાશ’, ‘જ્ઞાનસુધા’, ‘સમાલોચક’ જેવાં સામયિકોની વચ્ચે ‘વસંત’ ચિંતન, વિવેચન અને અન્ય વિષયોનાં લખાણોના અમૂલ્ય દસ્તાવેજરૂપ બની રહ્યું.
ચાર દાયકા સુધી ચાલેલા ‘વસંત’ સામયિકના પરિપાકરૂપ ‘કાવ્યતત્વવિચાર’, ‘સાહિત્યવિચાર’, ‘દિગ્દર્શન’, ‘વિચારમાધુરી’ પુસ્તકો મળે છે.
‘વસંતે’ એના નામ મુજબ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે નવસંચાર અને તાજગીસભર વાતાવરણ ઊભું કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
પ્રીતિ શાહ