વલ્લથોળ, નારાયણ મેનન (મહાકવિ) (જ. 16 ઑક્ટોબર 1878, ચેન્નારા, જિ. માલપુરમ, કેરળ; અ. 13 માર્ચ 1958) : કથકલીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સપાટી પર મશહૂર કરનાર કેરળના બહુમુખી કલાકાર તથા અગ્રણી સાહિત્યકાર. કેરળ સાહિત્યિક-ત્રિપુટીમાંના એક. તેઓ ‘મહાકવિ’ તરીકે જાણીતા હતા, ત્રિપુટીના અન્ય બે સાહિત્યકારો તે ઉલ્વુળ પરમેશ્વર આયૈર અને કુમારન આશાન. પિતા મલ્લાસેરી દામોદરન ઇલયતુ અને માતા કોણ્ડયુર કુટ્ટિપારુ અમ્મા. પિતાની જેમ કથકલી-નૃત્ય-નાટ્ય શૈલી વિશે તેમને અનહદ રુચિ હતી. કહેવાય છે કે પિતાએ તેમની યુવાવસ્થામાં લાગલગાટ કુલ અઠ્ઠાવીસ રાત્રીઓ દરમિયાન કથકલીના પ્રયોગો નિહાળ્યા હતા અને ઓગણત્રીસમી રાત્રીએ બેભાન થઈ ગયા હતા. એમના પુત્ર વલ્લથોળ પણ કથકલીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર તરીકે મહત્વની ભૂમિકા ભજવે તે સ્વાભાવિક છે. પિતા પાસે બાળપણમાં સંસ્કૃત શીખ્યા અને અચ્છા આયુર્વેદાચાર્ય મામા રામુણી મેનન પાસેથી આયુર્વેદનું જ્ઞાન મેળવ્યું અને કેટલાંક વર્ષો સુધી વૈદ્ય રહ્યા. બાર વર્ષની વયે ભક્તિરસની કાવ્યરચનાનો પ્રારંભ કર્યો. 1903માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કિરાતશતકમ્’ (શિવસ્તોત્ર) પ્રગટ કર્યો. સાહિત્ય અને લેખનમાં રુચિ હોવાને કારણે 1904માં કેરળ કલ્પદ્રુમ પ્રેસના મૅનેજર બન્યા. ત્યાં મહાકવિ વાલ્મીકિ-રચિત રામાયણનો મલયાળમમાં અનુવાદ કર્યો, જે 1909માં પ્રગટ થયો ત્યારે તેઓની કવિ તરીકેની પ્રગલ્ભ પ્રતિભા પ્રકાશિત થઈ. સાહિત્યમાં ‘મહાકવિ’ના સ્થાન-પ્રાપ્તિના તેમના ધ્યેયને સાકાર કરવા તેમણે ‘ચિત્રયોગમ્’ મહાકાવ્યની રચના કરી. તે 18 સર્ગ અને 1,600 શ્ર્લોક ધરાવતી રચના છે. સતત વાચન અને કાવ્યલેખનમાં વ્યસ્ત વલ્લથોળે સાહિત્યમંજરીના બાર દળદાર ગ્રંથો આપ્યા છે; પણ તેમની સાહિત્યક્ષેત્રે આજીવન ઉપલબ્ધિ ગણવી હોય તો તે ઋગ્વેદના મલયાળમમાં કરેલા ભાષાંતરને લેખી શકાય. મહાકવિ દ્વારા રચિત ‘વિશ્ર્વામિત્ર શકુંતલા’માં કાલિદાસ-રચિત શાકુંતલમ્ જેવું વાક્માધુર્ય તેમજ પ્રકૃતિવર્ણન છે. આ કાવ્યે તેમને ‘કેરળના કાલિદાસ’નું બિરુદ અપાવ્યું. પૌરાણિક પ્રસંગો પર આધારિત કાવ્ય ઉપરાંત ‘મગ્દલન મરિયમ’ એ પ્રથમ પ્રયાસ કહેવાય, જેમાં તેમણે બાઇબલ આધારિત પ્રસંગને લઈને કાવ્ય રચ્યું છે. તેમના કવિતાસાહિત્યે લોકોમાં દેશપ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ વધારવાનું કાર્ય કર્યું છે.
તેમની ખ્યાતિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કથકલીના પુનરુત્થાન માટે તેમણે જે યોગદાન આપ્યું તેને આભારી છે. ગળથૂથીમાં કથકલી માટે સખત નાદ હતો જ અને તેનો પ્રભાવ ક્યારેક તેમના સાહિત્યમાં પણ જણાય છે. આ મહાકવિની કવિતામાં જોશીલી ગતિશીલતા, ભાવાત્મકતા, નાટ્યાત્મકતા ઉપરાંત સંગીતની મધુરતાનો અનુભવ થાય છે. તેમના સમયમાં કથકલી ‘મૂકકથા’ કહેવાતી. વલ્લથોળ જાણે તેના ઉદ્ધારક તરીકે આવ્યા. અલબત્ત, તેમના આ ભગીરથ કાર્યમાં અનેક મહાનુભાવોએ મદદ કરી, જેમાં મણકુલમ્ મુકુંદ રાજા મુખ્ય હતા. તેઓ છેવટ સુધી વલ્લથોળના આ કાર્યમાં સહચારી રહ્યા, ઉપરાંત કથકલીના પ્રયોગો પ્રસ્તુત કરવામાં અને ધન રાશિ એકઠી કરવામાં સતત મદદરૂપ રહ્યા. કાલિકટ, ત્રિચુર અને આલપુઝા શહેરોમાં કથકલીનું આયોજન કર્યું અને પ્રેક્ષકોના પ્રતિસાદથી થોડી આશા જાગી. પછી મદ્રાસ(ચેન્નાઈ)માં આડ્યાર ખાતે થિયોસૉફિકલ સોસાયટીમાં કથકલીનો પ્રયોગ કર્યો. આમ કરવાથી પ્રેક્ષકોની પ્રશંસા તો સાંપડતી, સાથે એક પારંપરિક નાટ્યશૈલી તરીકે કથકલીની ઓળખ ઊભી થતી; પણ આર્થિક સમસ્યા યથાવત્ નડતી રહી. તેથી તેમણે એક લૉટરી કાઢી. તેનાથી 75,000 રૂપિયા એકઠા થયા ! મુકુંદરાજા અને વલ્લથોળે તન, મન અને ધનની સંપૂર્ણ શક્તિ લગાડી અને છ વર્ષ બાદ 1930માં ચેરુતુરુતિમાં હાલના વલ્લથોળ નગરમાં વલ્લથોળના ગામમાં આ રકમથી મુકુંદ રાજાના રહેઠાણમાં તેમની કેરળ કલામંડલમ્ નામક નૃત્યસંસ્થા સ્થાપી. તેમાં તે વખતના કથકલી શૈલીના અનેક પ્રખ્યાત અને કલાવંત ગુરુઓને નિમંત્ર્યા. 31 વર્ષની વયે તેમણે તેમની શ્રવણશક્તિ ગુમાવી જેના પરિણામસ્વરૂપ 1910માં તેમણે ‘બધિર વિલાપમ્’ની રચના કરી. કથકલીના વર્તમાન તબક્કાને સાચા અર્થમાં ‘વલ્લથોળ યુગ’ કહી શકાય. તેમણે તેને પુનર્જીવિત કરવા ઉપરાંત તેની શૈલીમાં અટ્ટકથાઓ પણ લખી. ‘ઔષધાહરણમ્’માં રામાયણના યુદ્ધકાંડમાંથી હનુમાનજી સંજીવની લાવે છે તે પ્રસંગનું નિરૂપણ છે અને તે આજે પણ કેરળ કલામંડળમના સ્થાપના-દિને દર વર્ષે વિદ્યાર્થી-કલાકારો દ્વારા ભજવાય છે. તે ઉપરાંત ‘મેરી મદાલમ’ અને જાપાની શિકારીની વાર્તા પર આધારિત ‘જાપકાટાલન્’ની રચના કરી. તેમણે કથકલી શૈલીની ટૅકનિકને મઠારી. હસ્ત-અભિનય અને મુખાભિનય ઉપરાંત સાહિત્યર્નાં પાઠોચ્ચારણ અને સંગીત વગેરેને સંમાર્જિત કરી સ્પષ્ટતા આણી; સમયાનુસાર નવીનતા આણી અને કલાકાર માટે સાહિત્ય અને ધર્મશાસ્ત્રનું જ્ઞાન ફરજિયાત કર્યું; જેથી તેમની અભિવ્યક્તિમાં અર્થપૂર્ણતા ને ઊંડાણ આવે.
1927માં મદ્રાસ(ચેન્નાઈ)માં આડ્યાર ખાતે થિયોસૉફિકલ સોસાયટી દ્વારા તેના વૈશ્ર્વિક સંમેલનમાં કથકલીનો પ્રયોગ કેરળ બહાર સૌપ્રથમ પ્રયોગ હતો.
સંસ્થાની સ્થાપના બાદ, તેમણે ત્યાંના કલાકારોને દેશનાં અનેક મુખ્ય શહેરોમાં લઈ જઈ કથકલીના પ્રયોગો કર્યા અને 1933માં મલેશિયા, સિંગાપુર, મ્યાનમાર આદિ દેશોમાં લઈ ગયા. 1934માં ફરીથી મ્યાનમારનો કથકલી-પ્રવાસ ખેડ્યો. વળતાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં કથકલીની રજૂઆત કરી અને તેથી ટાગોર ખૂબ પ્રભાવિત થયા. તેના ફલ સ્વરૂપે 1939માં તેમની સંસ્થામાં કથકલીની તાલીમ મળી શકે તેવી વ્યવસ્થા કરી આપી. 1954માં ફરી સિંગાપુર આદિ દેશોનો પ્રવાસ કર્યો. આમ આ પ્રવાસો સાથે કથકલી શૈલીની જશયાત્રા જોડાયેલ છે.
તેમના પ્રવાસોથી કથકલીને વિશ્વના ખૂણે ખૂણે એટલી પ્રશંસા મળી કે વિદેશી નાટ્ય-સંશોધકો અને કલાકારો તેની ઘણી કપરી તાલીમ લેવા વર્ષોથી કલામંડળમ્ જેવી સંસ્થામાં આવે છે તથા દીર્ઘ તાલીમ બાદ તેમના દેશના પ્રતિષ્ઠિત મંચ પર તેને રજૂ કરે છે. વળી કથકલી અંગે સંશોધનાત્મક ગ્રંથો પણ લખાતા રહ્યા છે. આ બધાનું શ્રેય મહાકવિ વલ્લથોળના અથાગ પરિશ્રમને ફાળે જાય છે.
કેરળના રાજદરબારમાં અનેક ખિતાબ અને સન્માનપત્રોથી તેમને નવાજવામાં આવ્યા હતા. મહાકવિનાં પત્ની માધવી અમ્માની 100મી વર્ષગાંઠના ઉત્સવની કલામંડળમમાં તૈયારી ચાલતી હતી તેના ત્રણ દિવસ પહેલાં, 28મી માર્ચ 1985ના રોજ તેમનો સ્વર્ગવાસ થયો.
વલ્લથોળે લખેલા અન્ય ગ્રંથોમાં ‘ઓરુ કાટ્ટુ’ અને ‘બંધનસ્થાનાય અનિરુદ્ધન્’ (1914); ‘શિષ્યનમ્ મકાનમ્’ (1918); ‘મગદલન મરિયમ’ (1921); ‘કોચ્ચુ સીતા’ (1928) અને ‘અચ્છનમ્ મકાલમ્’ (1936) નામક નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. તેમાં ‘ઓરુ કાટ્ટુ’ 52 કડી અને ‘બંધનસ્થાનાય અનિરુદ્ધન્’ 73 કડી ધરાવતાં કાવ્યો છે, જે પૌરાણિક કથાઓ પર આધારિત છે; જ્યારે ‘મગ્દલન મરિયમ્’નું વિષયવસ્તુ બાઇબલમાંથી લીધું છે, અને તે દ્રવિડ છંદ મંજરીમાં રચાયેલું છે. કવિની ઉચ્ચતમ કાવ્ય-પ્રતિભાનાં દર્શન તેમાં થાય છે. ‘કોચ્ચુ સીતા’(બાલ સીતા)માં જુદા જુદા ત્રણ દ્રવિડ છંદોમાં રચાયેલ કૃતિઓનો સમાવેશ થાય છે.
તેમણે 11 ભાગમાં ‘સાહિત્ય-મંજરી’ નામનો 200 ઊર્મિકાવ્યો ધરાવતો ઉત્તમ સંગ્રહ 1916માં આપ્યો. તેમાં વિવિધ છંદોમાં રજૂ થયેલા વિવિધ વિષયોનું વિશાળ ફલક આવરી લેવામાં આવ્યું છે. તેમાંનો મોટો ભાગ દેશભક્તિનાં ગીતોથી ભરેલો છે, જેમાં ‘માતૃવંદના’, ‘માતૃભૂમિયોદુ’ અને ‘વીરપત્ની’માં કવિની દેશભક્તિની પ્રતીતિ થાય છે. આમ તેમણે રાષ્ટ્રીય ચળવળની ભાવનાને ભારે પ્રેરણા આપી. 1925માં તેઓ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા, અને તે પહેલાં ‘એન્તે ગુરુનાથન્’ નામક રાષ્ટ્રપિતાને અભિનંદન આપતું કાવ્ય તેમણે રચ્યું હતું (1922).
1904થી 1955 દરમિયાન તેમણે સંસ્કૃતમાંથી જે અનુવાદો કર્યા છે તેમાં વાલ્મીકિ રામાયણ (1909), માર્કણ્ડેય પુરાણ, વામન પુરાણ, મત્સ્ય પુરાણ, પદ્મ પુરાણ અને અગ્નિ પુરાણ(1915)ના અનુવાદોનો સમાવેશ થાય છે. વળી ‘ઉરુભંગ’; ‘મધ્યમવ્યાયોગ’; ‘અભિષેક નાટક’; ‘પંચતંત્ર’ અને ભાસનું ‘સ્વપ્નવાસવદત્તમ્’ તથા કાલિદાસનું ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ જેવાં નાટકોના અનુવાદ પણ તેમણે આપ્યા છે. ‘મગ્નમ્ ઓપસ’ તેમનું ઋગ્વેદનું ભાષાંતર (1958) છે.
તેઓ ભાષાપોશિની સભા તથા સમસ્ત કેરળ સાહિત્ય પરિષદ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. કુટિયટ્ટમ્, કથકલી, ભરતનાટ્યમ્ અને મોહિનીઅટ્ટમ્ જેવાં શાસ્ત્રીય નૃત્યોના વિકાસને વરેલી સંસ્થા હતી.
નાની વયે પ્રસિદ્ધિ મેળવનાર કેટલાક કવિઓ પૈકીના તેઓ એક હતા. કોચીનના મહારાજાએ તેમને 1919માં ‘કવિતિલકન’ અને ‘કવિસાર્વભૌમન્’(1928)ના ખિતાબો એનાયત કર્યા હતા. ‘ચિત્રયોગમ્’ પ્રગટ થતાં તેઓ ‘મહાકવિ’ની ખ્યાતિ પામ્યા. 1948માં મદ્રાસ સરકારે તેમને મલયાળમના ‘રાજકવિ’ જાહેર કર્યા. તેઓ સાહિત્ય અકાદમીના સભ્ય અને કેરળ સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ રહ્યા હતા. 1955માં તેમને ભારતના રાષ્ટ્રપતિએ ‘પદ્મભૂષણ’ના ખિતાબથી નવાજ્યા હતા.
પ્રકૃતિ કશ્યપ