વલ્કન (Vulcan) : બુધ અને સૂર્ય વચ્ચેનો વણશોધાયેલો ગ્રહ. ‘વલ્કન’ નામે ઓળખાતા અનુમાનિત કે પરિકલ્પિત (hypothetical) એવા આ ગ્રહને શોધવાના ઓગણીસમી સદીમાં ઘણા પ્રયત્નો થયા હતા. આવો કોઈ ગ્રહ હોવાનો વિચાર બુધના કક્ષાભ્રમણમાં જોવા મળતી અનિયમિતતામાંથી ઉદભવેલો. એ સૌ જાણે છે કે ગ્રહો સૂર્યની આસપાસ ગોળ નહિ, પણ લંબગોળ (elliptic), ઈંડાની આકૃતિને મળતા આવતા માર્ગે ફરે છે; પણ ગ્રહોની આવી નિયમિત લંબવર્તુળાકાર કક્ષામાં બુધની કક્ષા જરા જુદી પડે છે. નિરીક્ષણો પરથી એવું જણાયું છે કે બુધની કક્ષામાં દર વર્ષે થોડોક બદલાવ આવતો રહે છે. ગ્રહોના લંબગોળ માર્ગમાં એક બિંદુ એવું હોય છે કે જે સ્થળે ગ્રહ અને સૂર્યની વચ્ચે વચ્ચે ઓછામાં ઓછું અંતર હોય છે. આ બિંદુને તે ગ્રહની કક્ષાનું સૂર્ય સમીપબિંદુ (perihelion) કહે છે. આમ તો, ગ્રહોની કક્ષા અફર હોય છે અને સૂર્ય આસપાસ એક ચક્કર લગાવીને ગ્રહ પાછો મૂળ બિંદુએ આવી જતો હોય છે; પરંતુ બુધની વાત જુદી છે. તેની કક્ષામાં થોડો ફેર પડે છે. એક ભ્રમણ પૂરું કર્યા પછી તેની કક્ષાનું સૂર્ય સમીપબિંદુ અગાઉના સમીપબિંદુ ઉપર નહિ, પણ થોડુંક ખસેલું માલૂમ પડે છે. વર્ષે વર્ષે તે થોડુંક ખસતું જાય છે. મુશ્કેલી એ હતી કે ફેરફાર થવાનાં સર્વ કારણોનો હિસાબ માંડ્યા પછી પણ ગણી કાઢેલા અને વાસ્તવિક સ્થાનમાં સો વર્ષે બાવન વિકળા જેટલો તફાવત રહેતો હતો. આ ગણતરીઓમાં સૌરમંડળના ગ્રહક્રમાંકમાં બુધની પછી આવેલા શુક્રના આકર્ષણની અસરનો પણ સમાવેશ થતો હતો. વર્ષે બાવન વિકળાનો તફાવત નજીવો કહેવાય, પરંતુ આમ થવાનું કારણ તે કાળે પ્રચલિત અને સર્વમાન્ય એવા ન્યૂટનીય ગણિત ઉપરથી કહી શકાતું નહોતું, અને એટલે જ તે માટે જુદા જુદા તર્કો થતા હતા, પણ કોઈ સર્વમાન્ય ન હતો.
આવો એક તર્ક કરનાર ફ્રાંસનો ઉરબૈન લે વેરિયે (Urbain Le Verrier : 1811-1877) હતો. ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી એવા લે વેરિયેનું નેપચ્યૂનની શોધમાં મહત્વનું પ્રદાન હતું. તેણે બુધની કક્ષામાં જોવા મળતી આવી વિસંગતિઓ, ત્રુટિઓ જોઈને સન 1859માં એવું અનુમાન કર્યું કે સૂર્યમંડળમાં તે સ્થાને એક નવો ગ્રહ હોવો જોઈએ. તેણે જે વર્ષે આવી જાહેરાત કરી તે જ વર્ષે, 1859ના માર્ચ મહિનામાં ઢળતી બપોરે પૅરિસથી 100 કિમી.ના અંતરે આવેલા ઓરગ્રેસ(Orgres)માં રહેતા એડમંડ લેસકાબલ્ત (Edmond Lescarbault) નામના ફ્રાંસના એક તબીબ અને ખગોળરસિયાએ સૂર્યના બિંબ ઉપરથી એક નાનકડો પિંડ પસાર થતો હોવાનું નોંધ્યું, આવી ઘટનાને ખગોળશાસ્ત્રમાં અધિક્રમણ (transit) કહેવાય છે અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવેલા બે ગ્રહો, બુધ અને શુક્ર ક્વચિત્ આવી રીતે સૂર્યબિંબ પરથી પસાર થતા દેખાય છે, જેને અનુક્રમે બુધનું અને શુક્રનું અધિક્રમણ કહેવાય છે. આવું થવાનું કારણ એ છે કે ગ્રહો સ્વયં પ્રકાશતા નથી. એટલે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે આ બંનેમાંથી કોઈ એક ગ્રહ આવી જાય, અને જો અધિક્રમણ માટેની શરતોનું પાલન થતું હોય, તો ગ્રહની અપ્રકાશિત બાજુ આપણી તરફ આવી જવાથી, સૂર્યની અત્યંત પ્રકાશિત પાર્શ્ર્વભૂમિ ઉપર નાના કાળા ટપકા રૂપે દેખાય છે; પછી જેમ જેમ ગ્રહ આગળ વધતો જાય તેમ તેમ આ કાળું ટપકું સૂર્યબિંબ પર સરકતું દેખાય છે. ગ્રહનું અધિક્રમણ આમ તો એક જાતનું ગ્રહણ જ છે અને ખગોળશાસ્ત્રની એક વિરલ ઘટના છે.
બુધ અને શુક્રના અધિક્રમણ થવાનો તો પ્રશ્ર્ન જ ન હતો, તો પછી લેસકાબલ્તે જોયેલું કાળું ટપકું જરૂર કોઈ નવો ગ્રહ હોવો જોઈએ, એવું વિચારીને લે વેરિયે તેને મળવા દોડી ગયો. તેની સાથે ચર્ચા કર્યા પછી તેની શોધનું સમર્થન કર્યું. આ ગ્રહનું નામ વલ્કન પાડવામાં આવ્યું અને તેની ભ્રમણકક્ષા પણ ગણી કાઢવામાં આવી; પણ આ નવા ગ્રહ વલ્કનનું અધિક્રમણ જોનાર કોઈ બીજો સાક્ષી નહોતો. જોકે તે પછી કેટલાક લોકોએ આ ઘટના જોવાના દાવા કર્યા હતા, પણ તે બધા પાછળથી સમજફેરના કિસ્સા જણાયા. વળી તે પછી ક્યારેય આ ઘટનાનું પુનરાવર્તન પણ નોંધાયું નહિ. સૂર્યની નજદીકના આવા પદાર્થોને કેટલાક લોકોએ ભેદી પદાર્થો(mysterious objects)નું નામ આપ્યું. તે પછી 29મી જુલાઈ 1878ના ખગ્રાસ (પૂર્ણ) સૂર્યગ્રહણ વખતે આવા ભેદી પદાર્થો શોધવાના પ્રયત્નો થતાં ફરી આ બાબતે લોકોનો રસ જાગ્રત થયો. તે પછી 1882 અને 1900માં પણ આવા પ્રયત્નો થયા; એટલું જ નહિ, સૂર્યના દરેક ખગ્રાસગ્રહણ વખતે આવા પ્રયત્નો થતા રહ્યા; પણ આવા કોઈ ગ્રહના સંકેત મળ્યા નહિ. તે પછી આઇન્સ્ટાઇને 1915માં પોતાનો સાપેક્ષતાનો વ્યાપકવાદ રજૂ કરતાં, જે કામ અગાઉ ન્યૂટનીય ગણિતથી થઈ શકતું ન હતું તે હવે થઈ શક્યું. મતલબ કે આઇન્સ્ટાઇનના નિયમે બુધની ગતિનો કોયડો ઉકેલી આપ્યો. તેના નિયમે સાબિત કર્યું કે ન્યૂટનીય ગણતરીઓથી જે તફાવત આવતો હતો તે ખરો ન હતો, પણ એમાં જે કાંઈ ભૂલ હતી તે કેવળ ગણતરીની જ ભૂલ હતી; કારણ કે સૂર્યમંડળની ગતિને કારણે બુધનું પેરિહીલિયન, એટલે કે બુધ-સૂર્યના પૂરેપૂરા સામીપ્યનું બિંદુ, આઇન્સ્ટાઇનના વાદને હિસાબે એક સદીમાં 43 વિકળા આગળ વધવું જોઈએ અને હકીકતે તેમ જ થયું છે. આનો અર્થ એ થયો કે બુધની ગતિમાં કોઈ અનિયમિતતા નથી. માત્ર ખગોળશાસ્ત્રીઓએ ન્યૂટનીય ગણિત પરથી કરેલી ગણતરીઓ જોઈએ તેવી સફાઈદાર (સૂક્ષ્મ) નહોતી. આમ થવાનું કારણ એ છે કે આઇન્સ્ટાઇનનું ગણિત, ઉચ્ચ વેગવાળા અને સઘન કે શક્તિશાળી ગુરુત્વાકર્ષણક્ષેત્રના મામલામાં, ન્યૂટનના ગણિત કરતાં વધુ ચોકસાઈ દાખવે છે. બુધની વાત કરીએ તો, આ ગ્રહ કદમાં નાનો અને સૂર્યની નજદીકમાં નજદીક હોઈ બીજા ગ્રહો કરતાં વધુ ઝડપથી સૂર્યની પરિક્રમા કરે છે. વળી સૂર્યનું ગુરુત્વાકર્ષણ-ક્ષેત્ર પણ પ્રબળ છે. એટલે અહીં આઇન્સ્ટાઇનનું ગણિત વધુ અસરકારક નીવડે છે. આમ ન્યૂટનના ગણિતથી જે ન થઈ શક્યું તે આઇન્સ્ટાઇનના ગણિતે કરી આપ્યું. આમ બુધના વિચલનનું ખરું કારણ સમજાતાં જ વલ્કન જેવા નવા ગ્રહની વાત પર પડદો પડી ગયો.
તેમ છતાંય કેટલાક સૈદ્ધાંતિક ખગોળવિદો આવા કોઈ ગ્રહની શક્યતા પર અવારનવાર વિચારણા કરતા રહે છે; જેમ કે તેમના મતે સૂરજ અને બુધની વચ્ચે લઘુગ્રહોનું એક વલય હોઈ શકે અને તે દરેકની ભ્રમણકક્ષા અલગ હોઈ શકે. ફોટોગ્રાફીની મદદથી પણ આવા પદાર્થો શોધવાના પ્રયત્નો થયા છે. જેના પરથી એવું તારણ નીકળ્યું કે જો આવા પિંડો હોય તો તેમના વ્યાસ આશરે 100 કિમી.થી વધારે ન હોઈ શકે. લઘુગ્રહો જેવા આવા નાના કદના પિંડોને વલ્કેનોઇડ (vulcanoid) એવું નામ પણ આપવામાં આવ્યું છે. તેમને શોધવા માટે ઇન્ફ્રારેડ તરંગલંબાઈ ઉપયોગી થઈ પડવાનું સૂચન પણ થયું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૌરમંડળની બહાર, બીજા પણ સૂરજ અને તેમની ફરતે ગ્રહો જેવી વ્યવસ્થા મળી છે. તેમાંના કેટલાક ગ્રહોની ભ્રમણકક્ષા બુધ કરતાં પણ નાની છે. જો અન્યત્ર આવું હોય તો આપણા સૌરમંડળમાં પણ બુધની કક્ષા કરતાં નાની કક્ષામાં ભ્રમણ કરતા પિંડ કે પછી કોઈ ગ્રહ હોઈ શકે. આ ઉપરાંત SOHO (= Solar and Heliospheric Observatory) જેવા ઉપગ્રહે સૂરજની પાસે નાના નાના ધૂમકેતુઓ હોવાની સાબિતી પણ આપી છે. આવી બધી શોધોએ વલ્કનના ભૂતકાળને ભૂંસાવા નથી દીધો. જોકે હજુ સુધી આવા કોઈ ગ્રહની સાબિતી સાંપડી નથી. આજે આપણે જાણીએ છીએ કે સૂર્ય પાસે ક્યારેક ધૂમકેતુઓ અને લઘુગ્રહો પહોંચી જતા હોય છે. શક્ય છે કે લેસકાબલ્તે આવો જ કોઈ પિંડ જોયો હોય અથવા તો પછી તેને ભ્રમ થયો હોય. તે જે હોય તે, પણ આજના સંદર્ભે આવો કોઈ ગ્રહ નથી તેવું સ્વીકારવું વધુ સલામત છે.
સુશ્રુત પટેલ