વલલી, શ્રીમતી અલરમેલ (જ. 14 સપ્ટેમ્બર 1956, ચેન્નાઈ) : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનાં અગ્રગણ્ય નૃત્યાંગના. તેમણે પરંપરાગત નૃત્ય ભરતનાટ્યમને પુનઃ જીવિત કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું.

અલરમેલ વલલી
બાળપણથી જ તેમને શાસ્ત્રીય કળા પ્રત્યે ઊંડો રસ હતો. તેમણે ચૌક્કાલિંગમ્ પિલ્લે તથા શ્રી સુબ્બારય્યા પિલ્લે જેવા વિદ્વાન પ્રતિષ્ઠિત ગુરુઓ પાસેથી નૃત્યનું શિક્ષણ લીધું હતું. અલરમેલ વલલીના નૃત્યશૈલીની વિશેષતા એ છે કે તેમના નૃત્યમાં શુદ્ધ શાસ્ત્રીયતા અને પરંપરાની સાથે આધુનિક સૌંદર્યબોધનો સુમેળ પણ જોવા મળે છે. તેમની નૃત્યશૈલીમાં સૂક્ષ્મ અભિનય, ભાવ, રસ, આંખો અને મુદ્રાઓ દ્વારા થતી અભિવ્યક્તિ ઉત્કૃષ્ટ છે. તેમનું નૃત્ય એ સંગીત સાથેનો આત્મીય સંવાદ છે. તેઓ નૃત્યને માત્ર દૃશ્ય પ્રદર્શન નહીં, પણ આધ્યાત્મિક અને કલાત્મક અનુભવ તરીકે રજૂ કરે છે. તેમની પ્રસ્તુતિઓમાં શાંત ભાવ સાથે ગાંભીર્ય અને સૌંદર્યનો અનોખો સમન્વય જોવા મળે છે.
તેમણે ભારત ઉપરાંત અમેરિકા, રશિયા, બ્રિટન, જાપાન, ઑસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં પ્રસ્તુતિઓ આપી છે. સતત વિકસિત થતી ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીને વૈશ્વિક ઓળખ અપાવવામાં શ્રીમતી અલરમેલ વલલીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
અલરમેલ વલલી શિક્ષિકા તરીકે પણ ખૂબ સક્રિય છે. ‘દીપશિખા’ નામની પોતાની સંસ્થા દ્વારા યુવા નૃત્યાંગનાઓને ભરતનાટ્યમની પરંપરા, શિસ્ત સાથેનું માર્ગદર્શન આપે છે. પરંપરાગત ભરતનાટ્યમ્ નૃત્યશૈલી પ્રત્યેની તેમની નિષ્ઠા અને સમર્પણ તેમને આધુનિક યુગમાં શાસ્ત્રીય નૃત્યના સાચા પ્રતિનિધિની ઓળખ આપે છે. શ્રીમતી અલરમેલ વલલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કેન્દ્રોમાં સદસ્ય રહ્યાં છે. તેમને 1979માં તમિળનાડુ રાજ્યનું ‘કલાઇમામણિ’ પારિતોષિક, 1991માં પદ્મશ્રી પુરસ્કાર, 2002માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, 2003માં નૃત્ય રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયાં છે. તેમના આવા ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને 2004માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં છે.
હિના શુક્લ
