વલભી : સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલી પ્રસિદ્ધ પ્રાચીન નગરી અને મૈત્રકોની રાજધાની વલભી. ઈ. સ. 470ના અરસામાં મૈત્રક રાજ્યની રાજધાની બની તે અગાઉ પણ અસ્તિત્વ ધરાવતી હતી. ‘બૃહત્કથામંજરી’ તથા ‘કથાસરિત્સાગર’ની કથાઓમાં વલભીનો ઉલ્લેખ વાણિજ્ય તથા વિદ્યાના કેન્દ્ર તરીકે થયો છે. તેથી વલભી પ્રથમ સદી જેટલી પ્રાચીન ગણાય. જૈન આગમગ્રંથોની વાચના નાગાર્જુનની અધ્યક્ષતામાં વલભીમાં તૈયાર થયેલી. તે ઈ. સ. 300ના અરસામાં થઈ હોઈ વલભી પાટનગર થતાં અગાઉ જૈન ધર્મની પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. ‘વલભી વાચના’ તથા ‘માથુરી વાચના’ના પાઠોની તુલના કરી એ પરથી આગમોની એક સમીક્ષિત આવૃત્તિ દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં ઈ. સ. 453માં પૂર્ણ કરી.

મૈત્રક રાજ્યની સ્થાપના પૂર્વે વલભીમાં જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મની પ્રવૃત્તિઓ પણ વિકસી હતી. ચીની યાત્રી યુઅન શ્વાંગના નોંધવા મુજબ વલભી નજીક અચલે બંધાવેલો વિહાર છે. ત્યાં બોધિસત્વ ગુણમતિ તથા સ્થિરમતિએ નિવાસ કરેલો ને લબ્ધપ્રતિષ્ઠ ગ્રંથો લખ્યા હતા. ગુણમતિ અને સ્થિરમતિ નાલંદા વિદ્યાપીઠના નામાંકિત પંડિતો હતા. તેઓ ચોથી સદીમાં, ક્ષત્રપ-કાળ દરમિયાન થયા હતા. વલભી મૈત્રક વંશની રાજધાની થતાં પહેલાં પાંચ સૈકા જેટલી પ્રાચીન હોવાનું પુરાતત્ત્વીય પુરાવા પરથી સાબિત થાય છે.

વલભી જળમાર્ગે તથા જમીનમાર્ગે જવાય તેવું દ્રોણમુખ હતું. વળી સમુદ્ર સુધી નૌકા દ્વારા વ્યવહાર કરી શકાય એવું, પર્વત બહુ દૂર ન હોય એવું રમ્ય સપાટ પ્રદેશમાં આવેલું એ સ્થળ હતું.

મૈત્રક રાજ્યની સત્તા તથા સમૃદ્ધિ વધવા સાથે વલભીની જાહોજલાલી પણ વધી. પ્રાગ્-મૈત્રક કાળમાં પણ વલભી વિદ્યાધામની ખ્યાતિ ધરાવતી હતી. જૈન સૂરિ મલ્લવાદીની વિદ્યાકીય પ્રવૃત્તિઓ પરથી વલભીની એ મહત્તા ચોથીપાંચમી સદીમાં પણ ચાલુ રહી હોવાની ખાતરી થાય છે. ગુપ્તકાળ દરમિયાન વલભીમાં વેદ-વેદાંતનું શિક્ષણ અપાતું હતું. મૈત્રકકાળનાં દાનશાસનો પરથી વલભીમાં ચતુષ્ટયી વિદ્યાઓ તથા ત્રયી વિદ્યાઓના જાણકારોની પરિષદ હોવાનું જણાય છે.

વલભીમાં મગધના નાલંદા જેવી મોટી વિદ્યાપીઠ હતી, જેમાં વિદ્યાર્થીઓ બૌદ્ધ ન્યાય તથા દર્શનનું ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા. કવિ ભટ્ટિએ ‘રાવણવધ’ નામનું મહાકાવ્ય મૈત્રક વંશના રાજા ધરસેનના સમયમાં વલભીમાં લખ્યું હતું. જૈન આગમગ્રંથોની વાચનાનું કેન્દ્ર બનેલા વલભીપુરમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આવશ્યકસૂત્રની નિર્યુક્તિ પર ‘વિશેષાવશ્યક ભાષ્ય’ લખ્યું. તે જૈન પ્રવચનસાહિત્યમાં મહત્વનું ગણાય છે.

વલભીના મૈત્રક રાજાઓનાં દાનશાસનોમાં ત્યાંના અનેક બ્રાહ્મણોના ઉલ્લેખ મળે છે. તેઓ ભારદ્વાજ, કૌશિક, ગાર્ગ્ય તથા ઔદરેષણિ ગોત્રના હતા. તેઓમાંના કેટલાક યજુર્વેદી અને અધ્વર્યુ હતા. મૈત્રક વંશના ઘણાખરા રાજાઓ પરમ માહેશ્વર હતા. તેમના સમયમાં અનેક શિવાલયો બંધાયાં હશે, પરંતુ હાલ તે મોજૂદ નથી, પરંતુ તેમના અવશેષોમાંથી મળેલાં કેટલાંક શિવલિંગ ત્યાંનાં પ્રાચીન શિવાલયોનો ખ્યાલ આપે છે. વલભી બૌદ્ધ ધર્મનું પણ કેન્દ્ર હતું. ત્યાં અનેક બૌદ્ધ વિહારો બંધાયા હતા.

સમુદ્રકિનારે આવેલું વલભી વેપારવણજના મથક તરીકે પ્રાગ્-મૈત્રક સમયથી પ્રખ્યાત છે. વલભીના વણિક દેશાવરમાં તથા મગધ જેવા દેશાવરના વણિક વલભીમાં વેપારવણજ કરી કમાતા હતા – એમ જણાય છે. ‘દશકુમારચરિત’માં આવતી કથાના ઉલ્લેખો પરથી મૈત્રકકાળમાં વલભીમાં અતિધનિક વણિકો વસતા હોવાનું સૂચિત થાય છે. ચીની યાત્રી યુઅન શ્વાંગે નોંધ્યું છે કે, ‘વલભીમાં વસ્તી ઘણી ગીચ છે; રહેઠાણો સમૃદ્ધ છે. કરોડપતિઓનાં સોએક ઘર છે. દૂરના પ્રદેશોમાં થતી વિરલ અને કીમતી વસ્તુઓ અહીં પુષ્કળ પ્રમાણમાં સંગૃહીત થાય છે.’

મૈત્રક વંશના છેલ્લા રાજા શીલાદિત્ય સાતમાના સમયમાં ઈ. સ. 788માં સિંધના અરબ સૂબાએ હુમલો કરી વલભીનો નાશ કર્યો.

જયકુમાર ર. શુક્લ