વલભી વિદ્યાપીઠ : સૌરાષ્ટ્રના પૂર્વભાગમાં ભાવનગરની વાયવ્યે 29 કિમી.ના અંતરે વલભી ગામમાં આવેલી પ્રાચીન વિદ્યાપીઠ. ઈ. સ. 470માં વલભી મૈત્રકોની રાજધાની બની તે પહેલાંયે તે અસ્તિત્વમાં હતી અને શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ હતી. વર્તમાનકાળ જેવી સુસંગઠિત શિક્ષણ-સંસ્થાઓ તે સમયે ન હતી. ‘કથાસરિત્સાગર’માંની કથામાં ગંગા દોઆબના દ્વિજ વસુદત્તનો પુત્ર વિષ્ણુદત્ત વિદ્યાપ્રાપ્તિ વાસ્તે વલભી આવ્યાનો ઉલ્લેખ છે. તે પરથી પ્રાક્-મૈત્રકકાળમાં પણ વલભી પ્રસિદ્ધ વિદ્યાધામ હોવાની ખાતરી થાય છે. બૌદ્ધ આચાર્ય સ્થિરમતિ તથા ગુણમતિ અને જૈન સૂરિ મલ્લવાદીની વિદ્યાકીય પ્રવૃત્તિઓ પરથી વલભીની વિદ્યાધામ તરીકેની મહત્તા ચોથી-પાંચમી સદીમાં પણ ચાલુ રહી હતી તેમ જણાય છે. ગુપ્તકાળ દરમિયાન વલભીમાં વેદ-વેદાંતના શિક્ષણની સંભાવના પણ સૂચિત થાય છે, કારણ કે ઋગ્વેદભાષ્ય અને નિરુક્ત ટીકાના કર્તા, ભર્તૃધ્રુવના પુત્ર સ્કંદસ્વામી વિક્રમાદિત્યના ધર્માધ્યક્ષ હરિસ્વામીના ગુરુ અને વલભીના વતની હતા.
વલભીમાં ત્રયી વિદ્યાઓ (ત્રૈવિદ્ય) તથા ચતુષ્ટયી વિદ્યાઓના (ચાતુર્વિદ્ય) જાણકાર બ્રાહ્મણો હતા; તે મૈત્રકકાળનાં દાનશાસનો પરથી જાણવા મળે છે. વલભીમાં મગધના નાલંદા જેવી ઉચ્ચ શિક્ષણ માટેની મોટી વિદ્યાપીઠ હતી. તેમાં શબ્દવિદ્યા, ન્યાયવિદ્યા, અભિધર્મવિદ્યા, શિલ્પવિદ્યા તથા ચિકિત્સાવિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું હતું. તેમાં બે અથવા ત્રણ વર્ષનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ બૌદ્ધ ન્યાય તથા દર્શનનું ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા. વલભી વિદ્યાપીઠમાં પ્રવેશ વાસ્તે પરીક્ષા લેવામાં આવતી, જેમાં દસમાંથી ત્રણેક વિદ્યાર્થી સફળ થતા. જેમણે પ્રાચીન તથા નવીન ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કર્યું હોય, તેઓને ત્યાંની વાદસભામાં દાખલ કરવામાં આવતા હતા. ત્યાં જુદા જુદા મતોની ચર્ચા કરીને, જે પોતાના અભિપ્રાયની સર્વોચ્ચતા પુરવાર કરતા, તેઓ સર્વત્ર માન મેળવતા. તેઓને રાજાઓ ભૂમિદાન આપતા. વાદસભામાં ઉચ્ચશ્રેણી મેળવનારનાં નામ વિદ્યાપીઠના પ્રવેશદ્વાર પર લખવામાં આવતાં. તેઓમાંના કેટલાક તો રાજદરબારોમાં જઈ, પોતાનું જ્ઞાન તથા તેજસ્વિતા દર્શાવી ઉચ્ચ હોદ્દા પર નિમણૂક મેળવતા.
ચીની પ્રવાસી ઇત્સિંગના જણાવવા મુજબ વલભી વિદ્યાપીઠ તે સમયની વિશ્વપ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠની સમાન કક્ષાની હતી. ત્યાં પરમજ્ઞાની અચલ, આચાર્ય સ્થિરમતિ, ગુણમતિ, આચાર્ય બુદ્ધદાસ તથા વિમલગુપ્ત જેવા પ્રકાંડ પંડિતો વસતા હતા. આ ઉપરાંત એવા બીજા અનેક વિદ્વાનો ત્યાં થઈ ગયા હશે.
મૈત્રકકાળ દરમિયાન વલભીમાં બૌદ્ધ ભિક્ષુઓ તથા ભિક્ષુણીઓના વિશાળ વિહારો બંધાયા હતા; તેથી ત્યાં બૌદ્ધ ધર્મના શિક્ષણની પ્રવૃત્તિ મોટા પાયા પર ચાલતી હતી તેમ કહી શકાય. મૈત્રક રાજા ભટાર્કે વલભીમાં વિહાર બંધાવ્યો. ધ્રુવસેનના સમયમાં તેના ભાણેજ દુદાએ વલભીમાં મહાવિહાર બંધાવ્યો. તે પછીના રાજાઓએ વિહારોને ભૂમિદાન આપ્યાં, એટલે વિહારોની સાથે વિદ્યાપીઠનો પણ ઉત્તરોત્તર વિકાસ થયો. દુદાના મહાવિહારમાં ધર્મગ્રંથોના સંગ્રહ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું. હ્યુએન શ્વાંગના સમયમાં (સાતમી સદી) વલભીમાં બૌદ્ધોના સોએક વિહારો હતા અને તેમાં એકંદરે છ હજાર ભિક્ષુઓ વસતા હતા.
જયકુમાર ર. શુક્લ