વલભીપુર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને શહેર. ભૌગોલિક માહિતી : આ શહેર 21° 55´ ઉ. અ. અને 71° 55´ પૂ. રે. પર આવેલું છે. તે ઘેલો નદીના ઉત્તર કિનારે વસેલું છે. આ શહેરની ઉત્તરે કેરી નદી વહે છે. સુરેન્દ્રનગર-ભાવનગરને સાંકળતા મીટરગેજ રેલમાર્ગ પર આવેલું ધોળા જંક્શન આ શહેરથી 18 કિમી. દૂર છે. ભાવનગરથી વાયવ્યે 35 કિમી. દૂર તે આવેલું છે. અહીંની જમીન કાંપવાળી માટીની છે. આ તાલુકાનો વિસ્તાર 1,135 ચોકિમી. જેટલો છે.
ભાલપ્રદેશમાં આ તાલુકાનો સમાવેશ થાય છે. આ તાલુકાનું ઉનાળાનું તાપમાન ઊંચું રહે છે; જ્યારે શિયાળો સામાન્ય અનુભવાય છે. વરસાદની માત્રા 500 મિમી. જેટલી રહે છે; પરંતુ તે પણ અનિશ્ચિત હોય છે. વરસાદ પૂરતો પ્રાપ્ત થાય તો કપાસ, ઘઉં અને ચણાનો પાક લેવાય છે. તાલુકામથક હોવાથી પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધીની સુવિધા ઉપલબ્ધ છે. અહીં પ્રાથમિક સારવાર કેન્દ્ર અને ચિકિત્સાલય આવેલાં છે. આ તાલુકાની કુલ વસ્તી 74,818 (2001) જેટલી છે.
નીતિન કોઠારી