વલણ-પૃથક્કરણ : નિશ્ચિત સમયગાળા દરમિયાન બનેલી શ્રેણીબંધ ઘટનાઓએ પકડેલા માર્ગનું વિશ્લેષણ. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ કેટલીક ઘટનાઓની હારમાળા સર્જાય છે અને તે એક તરફની ચોક્કસ દિશા પકડે છે. દા. ત., કોઈ એક ચીજના એક નંગના ભાવ ત્રણ વર્ષ દરમિયાન પહેલા વર્ષે રૂ. 5, બીજા વર્ષે રૂ. 7 અને ત્રીજા વર્ષે રૂ. 9 હોય તો ત્રણ વર્ષના ક્રમમાં ચીજના ભાવનિર્માણની ઘટનાઓની જે 5, 7 અને 9ની શ્રેણી રચાઈ તેની દિશા ચઢતા ભાવની છે. પરિણામે કહી શકાય કે એ ચીજના ભાવનું વલણ ચઢતા/વધતા ભાવની દિશાનું છે. પરંતુ કેટલીક વાર શ્રેણી ચોક્કસ દિશા પકડતી ન હોય અને સમયાંતરે ભાવમાં વધારો/ઘટાડો થતો હોય ત્યારે તેના ભાવનું વલણ દિશાવિહીન કહેવાય છે. આમ, વલણ સમજવા માટે (1) સમયગાળો નક્કી કરવો, જે મહદ્અંશે એક વર્ષનો હોય છે; (2) બનતી ઘટનાઓને સમાન ધોરણ ઉપર મૂકી સરખામણી શક્ય બનાવવી. (3) શ્રેણીની રચના કરવી અને (4) પાયાનું વર્ષ નક્કી કરવું કે જ્યાંથી ઘટનાશ્રેણીની શરૂઆત થાય.
અર્થકારણ – આર્થિક ક્ષેત્રો, ઉદ્યોગો, એકમોમાં બનતી ઘટનાઓનાં વલણ સમજવા અને તેનું પૃથક્કરણ કરવાથી સંબંધકર્તાઓને પોતાના વ્યવહારો હેતુસિદ્ધ થાય તે રીતે ચલાવવામાં અને નીતિઘડતર કરવામાં ઘણું માર્ગદર્શન મળે છે. (1) સમગ્ર અર્થકારણમાં ભાવ, વસ્તી, નિરક્ષરતા, જન્મ અને મૃત્યુ બાબતોનાં; (2) અર્થકારણનાં મુખ્ય (અ) ખેતી (બ) ઉદ્યોગ; (3) સેવા જેવાં ક્ષેત્રોના ચોક્કસ સમયગાળાનાં ઉત્પાદન, ઉત્પાદકતા, રોજગારી જેવી બાબતોનાં; (4) કાપડ, રસાયણ, રંગ જેવા ઉદ્યોગનાં ઉત્પાદન, ઉત્પાદકતા, નફા જેવી બાબતોનાં અને (5) ધંધાકીય એકમોનાં ઉત્પાદન, વેચાણ, નફો, મૂડીરોકાણ જેવી બાબતોનાં વલણોનું પૃથક્કરણ કરવામાં આવે છે.
વલણ-પૃથક્કરણ માટે (1) ટકાવારી, (2) સૂચકાંક (index), (3) આલેખ, (4) ગુણોત્તરો, (5) ચલિત સરેરાશ અને (6) મુક્તહસ્ત આલેખ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ છ પદ્ધતિઓ પૈકી (1) ટકાવારી પદ્ધતિ અને (2) આંક પદ્ધતિનો ઉપયોગ કરીને કોઈ એક ધંધાકીય એકમનાં પાકાં સરવૈયાંઓની વિગતો ઉપરથી નીચે પ્રમાણે ધંધાના વલણનું પૃથક્કરણ કરી શકાય છે.
(1) ટકાવારી પદ્ધતિ : આ પદ્ધતિ હેઠળ દરેક વર્ષની મૂડીની રકમને પાયો ગણીને તેના 100 % ધારવામાં આવે છે અને તેના આધારે તે જ વર્ષની અન્ય રકમોની ટકાની ગણતરી વર્ષવાર કરવામાં આવે છે.
ઈ. સ. 2000 | ઈ. સ. 2001 | ઈ. સ. 2002 | ||||
રકમ | ટકા | રકમ | ટકા | રકમ | ટકા | |
મૂડી | 4,00,000 | 100 % | 5,00,000 | 100 % | 5,60,000 | 100 % |
ચાલુ જવાબદારી | 80,000 | 20 % | 1,40,000 | 28 % | 1,40,000 | 25 % |
4,80,000 | 120 % | 6,40,000 | 128 % | 7,00,000 | 125 % | |
કાયમી મિલકતો | 3,00,000 | 75 % | 3,60,000 | 72 % | 4,00,000 | 71 % |
ચાલુ મિલકતો | 1,80,000 | 45 % | 2,80,000 | 56 % | 3,00,000 | 54 % |
4,80,000 | 120 % | 6,40,000 | 128 % | 7,00,000 | 125 % |
ઈ. સ. 2000ના પાયાના વર્ષે મૂડીના રોકાણની દૃષ્ટિએ કાયમી મિલકતમાં દર વર્ષે પ્રમાણમાં રોકાણ ઘટતું ગયું છે, જ્યારે ચાલુ મિલકતોમાં તે વધતું ગયું છે. ચાલુ જવાબદારીમાં વધઘટનાં વલણ બતાવે છે. એ દિશાવિહીનતા છે. મિલકતો અને જવાબદારીના મૂળ આંકડા ઘણો વધારો બતાવે છે; છતાં મૂડીમાં પણ તેટલો જ વધારો થતાં મિલકત-મૂડીની ટકાવારી મારફતે દેખાતાં વલણો ભારે ફેરફાર દર્શાવતાં નથી.
(2) સૂચકાંક પદ્ધતિ : આ પદ્ધતિ હેઠળ ફક્ત પ્રથમ વર્ષની વર્ગવાર રકમોને પાયો ગણીને તે દરેક રકમ માટે 100 – 100 સૂચિતાંક ધારવામાં આવે છે અને તેમના આધારે બાકીનાં વર્ષોની રકમોના સૂચિતાંકની ગણતરી વર્ષવાર કરવામાં આવે છે.
ઈ. સ. 2000 | ઈ. સ. 2001 | ઈ. સ. 2002 | ||||
રકમ | સૂચકાંક | રકમ | સૂચકાંક | રકમ | સૂચકાંક | |
મૂડી | 4,00,000 | 100 | 5,00,000 | 125 | 5,60,000 | 140 |
ચાલુ જવાબદારી | 80,000 | 100 | 1,40,000 | 175 | 1,40,000 | 175 |
4,80,000 | 6,40,000 | 7,00,000 | ||||
કાયમી મિલકતો | 3,00,000 | 100 | 3,60,000 | 120 | 4,00,000 | 133 |
ચાલુ મિલકતો | 1,80,000 | 100 | 2,80,000 | 156 | 3,00,000 | 167 |
4,80,000 | 6,40,000 | 7,00,000 |
ઈ. સ. 2000ના પાયાના વર્ષે દરેક વર્ગવાર દરેક રકમના સૂચિતાંક દર્શાવ્યા છે. આથી એમની વચ્ચે સરવાળા-બાદબાકી થઈ શકતાં નથી. અલબત્ત એ માટે અન્ય પદ્ધતિઓ વડે આંતર-સંબંધોનાં વલણ જાણી શકાય છે. આ વલણનું પૃથક્કરણ દર્શાવે છે કે અધિકતમ વધારો ચાલુ જવાબદારીમાં થયો છે. (આગળ દર્શાવેલી ટકાવારી પદ્ધતિ પ્રમાણે આ વલણ દિશાવિહીન હતું.) સૌથી ઓછો વધારો કાયમી મિલકતોમાં થયો છે. ધંધામાં મૂડી અને ચાલુ મિલકતોમાં વધારાનાં વલણ છે. એટલે કે ધંધો કદમાં વધવાનું વલણ
દર્શાવે છે.
બાકીની ચાર પદ્ધતિઓ દ્વારા પણ વલણો સમજીને તેનાં પૃથક્કરણો થઈ શકે છે. અહીં આપેલા ઉદાહરણમાં પાકા સરવૈયાની મિલકતો, જવાબદારી, મૂડી અંગે વલણ-પૃથક્કરણ થયું છે. આ જ પ્રમાણે મહેસૂલી આવક, ખર્ચ અને નફાનાં વલણ-પૃથક્કરણ થઈ શકે છે. પાકા સરવૈયા અને નફા-નુકસાન વચ્ચેના સંબંધોનાં વલણ-પૃથક્કરણ પણ થઈ શકે છે. વલણોના આલેખ બનાવીને તે વધારે દર્શનીય અને સરળ બનાવી શકાય છે.
સૂર્યકાન્ત શાહ