વર્લ્ડ મીટિઅરોલૉજિકલ ઑર્ગેનિઝેશન (WMO) : વિશ્વનું મોસમ-વિજ્ઞાન સંગઠન. તેમાં 187 સભ્ય રાષ્ટ્રો છે. 1873માં સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન સંગઠન(International Meteorological Organization IMO)માંથી તેનો ઉદભવ થયો છે. 1950માં સ્થપાયેલ WMO, મોસમવિજ્ઞાન (હવામાન અને આબોહવા), સંક્રિયાત્મક જલવિજ્ઞાન અને આનુષંગિક ભૌગોલિક વિજ્ઞાન સાથે રાષ્ટ્રસંઘ(UN)ના વિશિષ્ટ ઘટક તરીકે બહાર આવ્યું છે.
સ્થાપનાકાળથી WMOએ માનવસુખાકારી માટે અજોડ અને અદભુત ભાગ ભજવ્યો છે. WMOએ તેના નેતૃત્વ દ્વારા તેના કાર્યક્રમો અંતર્ગત રાષ્ટ્રીય મોસમવિજ્ઞાન અને જલવિજ્ઞાનને લગતી સેવાઓ મારફતે કુદરતી આફતો સામે જીવન અને માલમિલકતોનું રક્ષણ કર્યું છે. પર્યાવરણની માવજત કરી છે. આર્થિક અને સામાજિક જીવનને આગળ ધપાવવા નોંધપાત્ર કાર્ય કર્યું છે. મહદંશે અન્ન-સલામતી, જળસ્રોત અને પરિવહનને અનુલક્ષીને વિશિષ્ટ કામગીરી બજાવી છે. યુ.એન. તંત્રની અંદર રહીને માહિતી, ઉત્પાદનો (products) અને સેવાઓની મુક્ત આપ-લેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ રીતે સમાજની સુરક્ષા અને સલામતી, આર્થિક સુખાકારી અને પર્યાવરણની રક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
હવામાન અને આબોહવાને રાષ્ટ્રીય સરહદો ન હોઈ, મોસમવિજ્ઞાન અને સક્રિયાત્મક જળવિજ્ઞાનના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ આવશ્યક છે. આવા આંતરરાષ્ટ્રીય સહયોગ માટે WMO મંચ પૂરો પાડે છે. વાતાવરણ-સંશોધન, પર્યાવરણીય કાર્યક્રમ, જળવિજ્ઞાન એ જળસ્રોત જેવા કાર્યક્રમોને અનુલક્ષીને યુ.એન. ઘટકો તથા અન્ય (NMHS) સભ્યોની ભાગીદારીમાં WMO સંબંધકર્તા સંગઠનો સાથે અધિવેશનનું આયોજન કરે છે; ઉદાહરણ તરીકે, આબોહવાના ફેરફારો ઉપર યુ.એન. અધિવેશન, જંગલોને ઉજ્જડ થતાં અટકાવવા માટેનું આંતરરાષ્ટ્રીય અધિવેશન, ઓઝોન સુરક્ષા-કવચને બચાવવા માટેના પ્રોટોકોલ અને સુધારા માટેનું વિયેના અધિવેશન. આ અધિવેશનોને સલાહસૂચનો કરવા માટે WMO નૈમિત્તિક ભાગ ભજવે છે. આ બધી પ્રવૃત્તિઓથી રાષ્ટ્રોને સુખાકારી અને વિકાસને માટે જરૂરી માર્ગદર્શન મળી રહે છે.
દુર્ઘટનાઓમાં પંચોતેર ટકા હવામાનમાંથી ઉદભવતી આફતો હોય છે. WMO તેના કાર્યક્રમો દ્વારા અગાઉથી ચેતવણીઓ આપીને માનવજીવન, માલ-મિલકત અને પર્યાવરણને થતું નુકસાન મહદંશે અટકાવે છે. વળી રસાયણ-ઉદ્યોગો, ન્યૂક્લિયર-શસ્ત્રો કે વનમાં લાગતી આગ જેવી માનવસર્જિત આપત્તિઓના અભ્યાસ દ્વારા એટલું તો નિશ્ચિતપણે જાણી શકાયું છે કે મોસમ-વિજ્ઞાન અને જળવિજ્ઞાન પાછળ ખર્ચવામાં આવતાં નાણાંથી માનવજાતને મબલક ફાયદો થયો છે.
WMOનું લાંબા ગાળાનું છઠ્ઠું આયોજન (2004-2011) હવામાન, આબોહવા, જળવિજ્ઞાન, જળસ્રોત અને આનુષંગિક પર્યાવરણીય મુદ્દાઓ(સમસ્યાઓ)ના હલ માટે આંતરરાષ્ટ્રીય સહકાર તથા નિષ્ણાતોની સેવાઓ પૂરી પાડવાનું સ્વપ્ન સેવે છે. આ રીતે, માનવકલ્યાણ અને રાષ્ટ્રોના આર્થિક ફાયદાઓ માટેની તેની નેમ છે.
WMOની સંરચના : વિશ્વ મોસમવિજ્ઞાન કૉંગ્રેસ (WMC) એ આ સંસ્થાનું સર્વોચ્ચ અંગ છે. દર ચાર વર્ષે બધા સભ્યોના પ્રતિનિધિઓને તે ભેગા કરે છે. તેમાં સંગઠનનાં નિશ્ચિત પ્રયોજન સિદ્ધ કરવા માટે લાંબા ગાળાનાં આયોજન કરવાં, જરૂરી નાણાકીય ખર્ચ માટેની સત્તા આપવી, આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન અને સંક્રિયાત્મક જળવિજ્ઞાનને લગતા ટેક્નિકલ નિયમો ઘડવા, પ્રમુખ-ઉપપ્રમુખ અને કાર્યકારી સમિતિના સભ્યો ચૂંટી મહામંત્રીની નિમણૂક કરવી વગેરે કાર્યવાહી હાથ ધરાય છે.
કારોબારી સમિતિ (Executive Council – EC) એ કૉંગ્રેસનો કાર્યકારી ઘટક છે. તે કાર્યક્રમોનું સંકલન કરે છે. કૉંગ્રેસના નિર્ણયોને અનુરૂપ બજેટનાં સંસાધનોનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રીય મોસમવિજ્ઞાન અથવા જળ મોસમવિજ્ઞાન (hydro-meteorological) સેવાઓના 37 નિયામકો ઓછામાં ઓછું એક વર્ષે મળે છે, સંગઠનની પ્રવૃત્તિઓની સમીક્ષા કરે છે અને કાગ્રેસે મંજૂર કરેલા કાર્યક્રમોનો અમલ કરે છે.
છ વિભાગીય મંડળીઓ(આફ્રિકા, એશિયા, દ. અમેરિકા, ઉ. અમેરિકા, મધ્ય અમેરિકા અને કૅરેબિયન, દક્ષિણ-પશ્ચિમ પૅસિફિક અને યુરોપ)ના સભ્યો પોતપોતાના વિસ્તારમાં મોસમવિજ્ઞાન સંબંધિત પ્રવૃત્તિઓ કરે છે.
સભ્યોમાંથી નિષ્ણાતોના આઠ ટેક્નિકલ આયોગ (commission) બનાવવામાં આવ્યા છે. તેઓ પોતપોતાના સામર્થ્યવાળાં ક્ષેત્રોમાં યુનેસ્કોની IOCની મદદથી કામ કરે છે; જેમકે, પાયાનાં તંત્રો, ઉપકરણો, અવલોકન-પદ્ધતિઓ, વાતાવરણવિજ્ઞાન, એરોનૉટિકલ મોસમવિજ્ઞાન, કૃષિ મોસમવિજ્ઞાન, સમુદ્રવિજ્ઞાન અને દરિયાઈ મોસમવિજ્ઞાન, જળવિજ્ઞાન અને આબોહવા-વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં. મુખ્ય કાર્યાલય-મહામંત્રીના નેતૃત્વ હેઠળ તંત્રસંચાલન, દસ્તાવેજીકરણ અને માહિતીકેન્દ્રનાં કાર્યો ચાલે છે. તે આ સંગઠનના સાહિત્યનું સંપાદન-પ્રકાશન અને વિતરણ કરે છે તથા અધિવેશનો ચીંધેલાં કાર્યોનો અમલ કરે છે તથા WMOના અંગભૂત ઘટકોને મદદ કરે છે.
જિનીવામાં આવેલા વડામથક ઉપરાંત આફ્રિકા (બુરૂન્ડી), એશિયા અને દક્ષિણ-પશ્ચિમ પૅસિફિક (સ્વિટ્ઝર્લૅન્ડ) તથા અમેરિકા (પારાગ્વે) ખાતેનાં વિભાગીય કાર્યાલયો અને પશ્ચિમ આફ્રિકા (નાઇજિરિયા), પૂર્વ અને દક્ષિણ આફ્રિકા (કેન્યા), દક્ષિણ-પૂર્વ પૅસિફિક (સમોઆ), ઉત્તર અને મધ્ય અમેરિકા તથા કૅરિબિયન (કોસ્ટારિકા) ખાતેનાં પેટાવિભાગીય કાર્યાલયો આ વડામથકની હકૂમતમાં આવે છે.
WMOના કાર્યક્રમો : મુખ્યત્વે વૈજ્ઞાનિક અને ટેક્નિકલ કાર્યક્રમો દ્વારા તે આગળ વધે છે. સભ્ય રાષ્ટ્રોને મદદ કરવા માટે આવા કાર્યક્રમો પ્રયોજાય છે. તેમાં મોસમવિજ્ઞાન તથા જળવિજ્ઞાનને લગતી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. આ રીતે વિદ્યમાન અને ઉદભવતી સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. કાર્યક્રમો વિભાવના અને અનુભવ પર આધારિત હોય છે. સભ્ય રાષ્ટ્રો પાસેથી મોસમવિજ્ઞાન અને જળવિજ્ઞાન સંબંધી માહિતી એકત્રિત કરી અને પારસ્પરિક ફાયદાઓ માટે સહયોગ સાધવામાં આવે છે. આવી માહિતીઓ અને જ્ઞાન એકઠું કરવા કોઈ એક રાષ્ટ્ર એકલે હાથે કામ કરે તો તેને અઢળક ખર્ચ ભોગવવું પડે છે. તેથી જ તો સંયુક્ત પ્રયાસોથી કામ કરવામાં આવે છે, જેથી સહુને તે પરવડે છે અને તે રીતે લાભ થાય છે.
વિશ્વ હવામાન જાગરણ (watch) કાર્યક્રમ એ WMOની કરોડરજ્જુ છે. તે માહિતી-પ્રક્રિયા કેન્દ્રો, અવલોકનતંત્રો અને સભ્ય રાષ્ટ્રો વડે અપાતી સંચારણ-સુવિધાઓનું સંયોજન કરે છે. આ રીતે મોસમવિજ્ઞાન અને ભૌગોલિક માહિતીઓ પૂરી પાડીને જરૂરી સેવાઓ આપે છે. તેમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં 60થી વધુ રાષ્ટ્રો સંકળાયેલાં છે. તેમાં અવલોકનને પ્રમાણભૂત બનાવવા માટેની પદ્ધતિઓ વિકસાવાય છે.
વિશ્વ આબોહવા કાર્યક્રમ (World Climate Programme – WCP) અંતર્ગત આબોહવામાં ચાલતી પ્રક્રિયાઓ સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે માટે આબોહવામાં થતા ફેરફારો આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત કરી સંશોધન દ્વારા લોકોને ચેતવવામાં આવે છે. આર્થિક અને સામાજિક આયોજન તથા વિકાસ માટે હવામાન-માહિતીની સેવાઓ લેવામાં આવે છે. આ કાર્યક્રમના સંશોધન ઘટકની કાર્યવાહી તથા જવાબદારી WMO, યુનેસ્કોનું ઇન્ટરનૅશનલ કાઉન્સિલ ફૉર સાયન્સ ઍન્ડ ધી ઇન્ટરગવર્નમેન્ટલ ઓશનૉગ્રાફી કમિશન (IOC) તથા રાષ્ટ્રસંઘ પર્યાવરણ કાર્યક્રમ દ્વારા સંકલિત ધ ક્લાઇમેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઍન્ડ રિસ્પૉન્સ સ્ટ્રેટેજિઝ(CIARS)ના સહયોગથી નિભાવાય છે.
વાતાવરણીય સંશોધન અને પર્યાવરણ કાર્યક્રમ (The Atmospheric Research and Environment Programme – AREP) વાતાવરણને લગતા સંશોધનને પ્રોત્સાહિત કરે છે. તે માટે ગ્લોબલ ઓઝોન ઓબ્ઝર્વિંગ સિસ્ટમ અને બૅકગ્રાઉન્ડ ઍર પૉલ્યૂશન મૉનિટરિંગ નેટવર્કની સેવાઓ લઈને ગ્લોબલ ઍટમોસ્ફિયર વૉચ (GAW) વાતાવરણના ઘટકોમાં થતા ફેરફારોને લગતી માહિતીઓનું સંકલન તથા સંશોધન કરે છે. આ કાર્યક્રમમાં હવામાનની આગાહીનું સંશોધન ચોમાસા, ઉષ્ણકટિબંધીય ચક્રવાતો, વર્ષા લાવતી ઉષ્ણકટિબંધીય હવામાનની કાર્યપદ્ધતિઓ, દુષ્કાળો, વાદળોના બંધારણની ભૌતિક તેમજ રાસાયણિક ઘટનાઓ તથા હવામાનનાં રૂપાંતરો વગેરેને લગતા ઉષ્ણકટિબંધીય મોસમવિજ્ઞાન સંશોધનોનો સમાવેશ થાય છે.
મોસમવિજ્ઞાનના પ્રાયોજિત કાર્યક્રમ(Applications of Meteorology Programme – AMP)માં મહત્વના ચાર વિસ્તારોનો સમાવેશ થાય છે : (1) જાહેર હવામાન સેવાઓ, (2) કૃષિ મોસમવિજ્ઞાન, (3) વૈમાનિકીય મોસમવિજ્ઞાન અને (4) દરિયાઈ મોસમવિજ્ઞાન. AMP નિમ્નસ્તરીય માળખા અને સેવાઓને પ્રોત્સાહન પૂરું પાડે છે.
જળવિજ્ઞાન અને જળસ્રોત કાર્યક્રમ (Hydrology and Water Resources Programme HWRP) : આ કાર્યક્રમ સમાજ માટે જરૂરી જળરાશિ અને ગુણવત્તાની આકારણી સાથે નિસબત ધરાવે છે. તે રીતે આ કાર્યક્રમ દ્વારા વૈશ્ર્વિક પર્યાવરણ જાળવવા અને જળ-સંબંધિત જોખમો દૂર કરવાની કામગીરી બજાવે છે. આ કાર્યક્રમ, આફતને ટાણે, WMOને વૈમાનિક અને ટેક્નિકલ ટેકો આપે છે.
અવકાશ કાર્યક્રમ (Space Programme – SP) ગ્લોબલ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ (GOS) તથા WMO-સંલગ્ન કાર્યક્રમોને ફાળો આપીને વિકસાવે છે. તે સુધારેલી માહિતીઓ, ઉત્પાદનો અને સેવાઓ સતત આપ્યા કરે છે. તે માટે સંક્રિયાત્મક તથા સંશોધન-વિકાસ માટેના ઉપગ્રહોની સહાય લેવાય છે. આ રીતે વિશ્વભરમાં માહિતીઓની વ્યાપક પ્રાપ્તિ અને અર્થપૂર્ણ ઉપયોગિતા માટે સુવિધા ઉપલબ્ધ કરાવે છે.
ધી એજ્યુકેશન અને ટ્રેનિંગ પ્રોગ્રામ (ETRP) : એ ચાવીરૂપ કાર્યક્રમ છે. તેની મારફતે સભ્ય રાષ્ટ્રોમાં પ્રશિક્ષિત મોસમવિજ્ઞાનીઓ, જળવિજ્ઞાનીઓ, ઇજનેરો અને ટેક્નિશિયનો તૈયાર કરવામાં આવે છે. આ કાર્યક્રમ બીજા વૈજ્ઞાનિક અને ટેક્નિકલ કાર્યક્રમો સાથે નજદીકનો સંબંધ ધરાવે છે.
ટેક્નિકલ કો–ઑપરેશન પ્રોગ્રામ (TCP) : આમાં મોસમવિજ્ઞાન તથા જળવિજ્ઞાનના જ્ઞાન તથા સિદ્ધ પદ્ધતિઓનું સભ્ય રાષ્ટ્રો વચ્ચે હસ્તાંતરણ કરવામાં આવે છે. હવામાનની આગાહી, આબોહવાશાસ્ત્ર, જળશાસ્ત્રને લગતી સેવાઓના વિકાસ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત વિશ્વ હવામાન તકેદારી માટેના નિમ્નસ્તરીય માળખાનો વિકાસ કરવામાં આવ્યો છે. તે WMOના શૈક્ષણિક અને ટેક્નિકલ કાર્યક્રમોને આધાર પૂરો પાડે છે. WMOના સ્વૈચ્છિક સહકાર કાર્યક્રમ (Voluntary Co-operation Programme – VCP) તથા ટ્રસ્ટ અને નિયત બજેટમાંથી નાણાકીય જવાબદારીઓ અદા કરવામાં આવે છે.
પ્રાદેશિક કાર્યક્રમો (Regional Programme) : (RP) અને WMOના મોટા કાર્યક્રમો એકબીજાને મળીને મોસમવિજ્ઞાન, જળવિજ્ઞાન અને ભૌગોલિક સમસ્યાઓનું નિરાકરણ કરવા કોશિશ કરે છે. વૈશ્ર્વિક WMO કાર્યક્રમોને સૂત્રબદ્ધ કરવા માટે રાષ્ટ્રીય, વિભાગીય કે પેટા વિભાગીય સ્તરે તે RPના અમલ માટે માળખું, સેવાઓ અને કાર્યવિધિ પૂરાં પાડે છે.
એન. એમ. નારાયણન, બી. એમ. રાવ, અનુ. પ્રહલાદ છ. પટેલ