વર્લેઇન, પૉલ (મેરી)

January, 2005

વર્લેઇન, પૉલ (મેરી) (જ. 30 માર્ચ 1844, મેત્ઝ, ફ્રાન્સ; અ. 8 જાન્યુઆરી 1896, પૅરિસ) : ફ્રેન્ચ ઊર્મિકવિ. લકૉન્ત દ લિસ્લેના નેતૃત્વવાળા ‘પાર્નેશિયન્સ’ જૂથના કવિઓમાં અગ્રણી અને પાછળથી પ્રતીકવાદી કવિઓમાં આગલી હરોળના કવિ તરીકે જાણીતા સ્ટીફન માલાર્મે અને ચાર્લ્સ બૉદલેરની સાથે તેમણે ‘ડિકેડન્ટ્સ’ કવિજૂથની સ્થાપના કરેલી. પિતા લશ્કરી અફસર હતા. પોતે એકનું એક સંતાન હોવાથી સુખસગવડમાં ઊછર્યા હતા. માતાના લાડકોડે તેમને રહેણીકરણીમાં ચડાવી મારેલા. શિક્ષણ પૅરિસની લાઇસી બોનાપાર્ત (હાલની કોન્દૉર્સેત) સંસ્થામાં. તે સમયના સમર્થ સાહિત્યકાર વિક્ટર હ્યુગોને પોતાનું કાવ્ય ‘લા મૉર્ત’ મોકલ્યું ત્યારે પૉલની ઉંમર માત્ર 14 વર્ષની હતી. 18 વર્ષની વયે તેમણે બૅકાલોરિયેતની પદવી મેળવી.

પૉલ વર્લેઇન

લૅટિન ભાષામાંથી ફ્રેન્ચ અનુવાદની પરીક્ષામાં તેમણે વિશેષ યોગ્યતા મેળવી હતી. વીમા ઉતારનારી પેઢીમાં તેમને કારકુન તરીકે નોકરી પ્રાપ્ત થઈ હતી. તે અરસામાં માલાર્મે, વિલિયર્સ દ લ’ આઇલ આદમ અને આનાતોલ ફ્રાન્સના પરિચયમાં આવ્યા. તેમનાં ‘મોંશિયર પ્રુધોમ’ (1863) જેવાં કાવ્યો સામયિકોમાં પ્રસિદ્ધ થવા લાગ્યાં. ‘લ પાર્નેસ કન્તેમ્પૉરેન’ કાવ્યસંગ્રહમાં વર્લેનનાં આઠ કાવ્યોને સ્થાન મળ્યું. ‘પોએમ્સ સેતરનિયન્સ’માં બૉદલેર અને લકૉન્તેની સ્પષ્ટ અસર જણાય છે. તેમાં પોતાની નજીકના સગા ઇલિઝાના પ્રેમમાંથી ઉદભવેલી સંવેદનાને વાચા આપતાં કાવ્યો છે. જોકે ઇલિઝા અન્ય કોઈના પ્રેમમાં હતી અને તેનું અકાળે અવસાન (1867) થયેલું. વર્લેઇનનો કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરવા માટે ઇલિઝાએ આર્થિક મદદ કરેલી. ‘ફે તે ગેલેન્તિસ’નાં કાવ્યોમાં અઢારમી સદીના ચિત્રકારોનાં ચિત્રોની ઊંડી અસર છે. વર્લેઇને 17 વર્ષની માથિલ્દે માઉત સાથે લગ્ન કર્યું. સગાઈ વખતે કવિએ ‘લા બોન ચાન્સો’ કાવ્ય લખ્યું હતું. તેમના લગ્નમાં ભંગાણ પડ્યું તેના કારણમાં કવિના ઘેર એક યુવાન કવિ આર્થર રિંબૉ રહેવા આવ્યા તે હોવાનું મનાય છે. 1872માં વર્લેઇને પોતાના પુત્ર જ્યૉર્જી અને પત્નીને ત્યજી દીધાં. પોતે રિંબૉ સાથે ફ્રાન્સ અને બેલ્જિયમની મુસાફરી કરવા નીકળી પડ્યા. પાછળથી તેઓ લંડન ગયેલા. આ મુસાફરીના પરિપાક રૂપે ‘રોમાન્સિસ સા પેરોલ્સ’ (સાગ્ઝ વિધાઉટ વર્ડ્ઝ) લખાયાં. ફ્રેન્ચ કવિતામાં આ કાવ્યોના સંગીતને ઉત્તમ પ્રકારનું માનવામાં આવ્યું છે. અહીં તેમના છંદપ્રયોગો અનન્ય અને અદભુત છે. આ કાવ્યસંગ્રહ 1874માં તેમના મિત્ર એડમન્ડ લેપેલશિયરે પ્રસિદ્ધ કર્યો હતો. આ સમયે વર્લેઇન જેલમાં બે વર્ષની કેદની સજા ભોગવતા હતા. 10 જુલાઈ 1873ના રોજ એક સંવેદનશીલ ઝઘડામાં બ્રસેલ્સમાં રિંબૉને પોતાની રિવોલ્વરમાંથી ગોળી છોડીને ઘાયલ કરવા માટે તેમને આ સજા થઈ હતી. પશ્ર્ચાત્તાપ, જેલનો એકાંતવાસ, ધાર્મિક ગ્રંથોનું વાચન અને શેક્સપિયર અને ડિકન્સનાં લખાણોએ તેમના મન પર વિધેયાત્મક અસર ઊભી કરી અને તે રોમન કૅથલિક ધર્મના શરણે આવ્યા. માથિલ્દેથી તેમને છૂટાછેડા (divorce) મળી ગયા હતા. થોડો વખત લંડનમાં તેમણે વિદ્યાર્થીઓને ફ્રેન્ચ ભાષા શીખવવાનું કાર્ય કર્યું. તેમને ચિત્રકામમાં વિશેષ રસ હતો. ટેનિસન, સ્વિનબર્ન જેવા કવિઓનું તેમણે રસદર્શન કરાવેલું.

‘સાગેસ’ (વિઝ્ડમ) (1880) કાવ્યસંગ્રહ તેમણે પોતાના ખર્ચે પ્રસિદ્ધ કર્યો. તેમાં કૅથલિક ધર્મની શ્રદ્ધાનાં ઉત્કૃષ્ટ કાવ્યો છે. તેમનું સુપ્રસિદ્ધ ‘આર્ત પોએતિક’ પ્રતીકવાદીઓ માટે પ્રમાણભૂત ગ્રંથ બન્યો. જોકે આત્યંતિક સ્વચ્છંદતા અને છંદોની સમૂળગી બાદબાકી થાય તે વાત વર્લેઇનને હરગિજ મંજૂર ન હતી. ફ્રેન્ચ કવિતાના સ્વભાવમાં જ છંદ છે તેમ તેઓ માનતા. આને કારણે પ્રતીકવાદીઓ સાથે તેમણે છેડો ફાડેલો.

પોતાના પ્રિય શિષ્ય લુસિયેન લેતિનોઇના સંબંધમાં ભંગાણ, લુસિયેનનું અકાળે અવસાન, તેમની માતાનું મૃત્યુ અને પત્ની સાથે મનનો મેળ તૂટ્યો તે તૂટ્યો. તેનાથી વ્યથિત થઈ વર્લેઇન વ્યસનાદિના કુમાર્ગે વળી ગયા. જેટલા વિખ્યાત કવિ હતા તેટલા જ કુખ્યાત માણસ તરીકે થયા.

‘જાદિસ એત નાગ્વેર’(‘યસ્ટરયર ઍન્ડ યસ્ટરડે’)માં ‘આર્ત પોએતિક’નાં કાવ્યો પુન: વ્યવસ્થિત રીતે ગોઠવાયાં છે. ‘પેરેલલમેન્ત’માં ઉઘાડેછોગ પ્રેમાલાપો અને વર્ણન છે. ‘એમૉર’માં ટેનિસનની યાદ અપાવતા કરુણપ્રશસ્તિના ઉદગારો છે.

‘લે પોએત મોદિત’માં ગદ્યમાં લખેલાં કવિઓનાં જીવનવૃત્તાંતો છે. ‘લે હોમ દ´ ઑજો ર્દુ હુઈ’માં સમકાલીન લેખકોનાં જીવનચરિત્રો છે. ‘મે ઑસ્પિતૉ’માં ઇસ્પિતાલ અને ‘મે પ્રિઝૉન’માં જેલનાં સંસ્મરણો છે. ‘કન્ફેશન્સ, નોત્સ ઓતોબાયોગ્રાફિક્સ’માં પોતાનો જીવનવૃત્તાંત છે. દુરાચારે ચડી ગયેલા આ કવિની દાક્તરોએ માવજત કરી. આર્થર સાયમન્સ જેવા વિવેચકે વર્લેઇનનાં વ્યાખ્યાનોનું આયોજન 1893માં ઇંગ્લૅન્ડમાં કર્યું. ફ્રાન્ક હેરિસ અને ક્રેન્મર બિંગે ‘ધ ફૉર્ટનાઇટલી રિવ્યૂ’ અને ‘ધ સેનેટ’ જેવાં સામયિકોમાં તેમના વિશે લેખો લખ્યા અને તેમનાં કાવ્યો પણ છપાવ્યાં. તેમના ચાહકો તેમને આર્થિક મદદ કરતા. તેમનું અવસાન યુજેની ક્રાન્ઝના ઘેર, પૅરિસમાં થયું.

વર્લેઇનની સિદ્ધિ શબ્દના સંગીતને પકડવાની હતી. ફ્રેન્ચ ભાષા માનવલાગણીને વહન કરવા સમર્થ છે અને તેમના શબ્દો તર્કને વેગળો મૂકી ભાવકને કેવો રસતરબોળ કરી મૂકે છે તેના દ્યોતક છે. જોકે વર્લેઇન સભાન કલાકાર તરીકે પોતાના કાવ્યની બાનીમાં સુધારા કરતા જ રહેતા.

આન્તોઇન આદમે ‘ધી આર્ટ ઑવ્ પૉલ વર્લેઇન’(1963)માં વર્લેઇનના કવન અને જીવનને સરસ રીતે આલેખ્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી