વર્મિક્યુલાઇટ : જલયુક્ત અબરખ. મોન્ટમોરિલોનાઇટ અને ક્લોરાઇટ જેવાં ખનિજોને સમકક્ષ અને ઘનિષ્ઠપણે સંબંધ ધરાવતાં પડગૂંથિત ખનિજો માટે અપાયેલું સામૂહિક નામ. રાસા. બંધારણ : જલયુક્ત લોહ-મૅગ્નેશિયમ-ઍલ્યુમિનિયમ સિલિકેટ. સામાન્ય રાસાયણિક સૂત્ર (Mg, Fe, Al)3 (Al, Si)4O10(OH)2 . 4H2O મુજબ મુકાય છે. મૃદ-દ્રવ્યોનું આ મૃદ-ખનિજ ઘટક ગણાય છે. તે મોન્ટમોરિલોનાઇટને સમકક્ષ હોઈ વિસ્તરણ પામી શકતી રચના ધરાવે છે. તે નરમ, નમનીય, બિનસ્થિતિસ્થાપક અને અપારદર્શક હોય છે. બાયૉટાઇટ(કાળા અબરખ)ની પરિવર્તન-પેદાશ હોઈ અબરખ જેવો દેખાવ દર્શાવે છે અને અબરખનો સંભેદ જાળવી રાખે છે. તેનો રંગ સફેદથી પીળા સુધી બદલાતો રહે છે. ક્યારેક કથ્થાઈ, લીલાશ પડતો કાળો કે લીલાશ પડતો પીળો પણ હોય છે. તેની પહોળી પતરીઓ મૌક્તિક કે કાંસા જેવી ચમકવાળી હોય છે. સોના, કાંસા કે ચાંદી જેવી ચમક પરથી તેની ગુણવત્તા નક્કી થાય છે. પુસ્તકનાં પાનાંની જેમ તે પડજથ્થામાં મળે છે. ક્યારેક 400 મિમી. લાંબી અને 50 મિમી. જાડાઈવાળી પુસ્તિકાઓ રૂપે પણ મળે છે. ગરમ થવાથી (અથવા કરવાથી) તેનું કદ નોંધપાત્ર રીતે વધે છે. ઉત્કૃષ્ટ કક્ષાના વર્મિક્યુલાઇટનું પ્રસરણ 20 ગણું થઈ શકે છે. સામાન્ય કક્ષાના વર્મિક્યુલાઇટને ગરમ કરવાથી વધતા કદપ્રમાણ કરતાં, વિભાજકતાના ગુણધર્મને કારણે તે 8થી 12 ગણું વધે છે. (રચનાપ્રકાર માટે જુઓ, અબરખ.)
તે અત્યંત હલકું, ઉષ્માઅવરોધક અને ધ્વનિશોષક હોવાથી તેમજ બિનદહનશીલ, દાબક્ષમતા અને 1400° સે. ગલનબિંદુ ધરાવતું હોવાથી જ્યાં અત્યંત હલકાપણું, અગ્નિરોધકતા અને નીચી ઉષ્માવાહકતાની જરૂર પડે છે ત્યાં તેનો ઉપયોગ થાય છે. ધ્વનિશોષક પડદા બનાવવા માટેના હલકા વજનના કૉંક્રિટની બનાવટમાં, અલગ કારકો અને પૅકિંગસામગ્રી બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તે રંગો, આવરણો, કીટનાશકો, બીબાંઢાળ દ્રવ્ય માટે, ઘર્ષકદ્રવ્ય માટે, આગઅવરોધક તિજારીઓ, ભઠ્ઠીઓ, ઈંટો, મહોર-દ્રવ્ય (sealing દ્રવ્ય) શારકામ પંક વગેરે જેવા ઘણા ઉપયોગોમાં આવે છે.
પ્રાપ્તિસ્થિતિ – ઉત્પત્તિસ્થિતિ : વર્મિક્યુલાઇટ સામાન્ય રીતે મેજઆકાર, વિકેન્દ્રિત અને ક્યારેક દાણાદાર સ્વરૂપોમાં મળે છે. વિશેષ સિલિકાયુક્ત આગ્નેય ખડકોમાં, ક્વાર્ટ્ઝ શિરાઓમાં અને પેગ્મેટાઇટમાં તે બાયૉટાઇટ અને ફ્લોગોપાઇટ સાથે સંકળાયેલી સ્થિતિમાં મળી આવે છે. આ ઉપરાંત તે પાયરૉક્સિનાઇટ અને પેરિડોટાઇટના સહયોગમાં પણ મળે છે; દા.ત., ઝારખંડના ચત્રા જિલ્લામાં જોવા મળતી પ્રાપ્તિસ્થિતિ. મોટેભાગે તો તે બાયૉટાઇટ કે ફ્લોગોપાઇટની ઉષ્ણજળજન્ય પરિવર્તન પેદાશ તરીકે તૈયાર થાય છે. અલ્ટ્રાબેઝિક ખડકોમાંના પાયરૉક્સિન ખનિજઘટકો સર્વપ્રથમ એમ્ફિબૉલમાં અને પછીથી બાયૉટાઇટ અને વર્મિક્યુલાઇટમાં ફેરવાય છે. આ જ રીતે અન્ય અનુકૂળ ખડકોમાં પણ તે બાયૉટાઇટ કે ફ્લોગોપાઇટ પર થતી ઉષ્ણજળજન્ય પ્રક્રિયાથી તૈયાર થતું હોય છે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ. અને આર.એસ.એ. તેના મુખ્ય ઉત્પાદક દેશો છે; ત્યાંથી તેનું 90 % જેટલું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત તે બ્રાઝિલ, કેન્યા, ઝિમ્બાબ્વે, જાપાન અને ભારતમાંથી પણ મળે છે.
ભારતમાં તે તામિલનાડુ (ઉ. આર્કટ, કોઇમ્બતુર, તિરુચિરાપલ્લી), આંધ્રપ્રદેશ (નેલોર, વિશાખાપટનમ્, શ્રીકાકુલમ), કર્ણાટક (ટુમ્કુર, હસન, કોલાર), તેમજ ઝારખંડ (રાંચી, હઝારીબાગ, ચત્રા), મધ્યપ્રદેશ (ઝાબુઆ), રાજસ્થાન (અજમેર), પ. બંગાળ (બાંકુરા) અને ગુજરાત(વડોદરા)માંથી મળે છે. ભારતમાંનો વર્મિક્યુલાઇટનો કુલ અનામત જથ્થો 20 લાખ ટન જેટલો હોવાનો અંદાજ છે. બધી જ કક્ષાના આ ખનિજનો ખનનયોગ્ય જથ્થો આશરે 3 લાખ ટન જેટલો છે; જે પૈકીનો 1.62 લાખ ટન તામિલનાડુમાં; 83,000 ટન આંધ્રપ્રદેશમાં અને 42,000 ટન જથ્થો કર્ણાટકમાં રહેલો છે. ભારતમાં વીસમી સદીના છેલ્લા દશકાની શરૂઆતનાં વર્ષોમાં થયેલું 1,800 ટન જેટલા વર્મિક્યુલાઇટનું ઉત્પાદન પછીનાં વર્ષોમાં ઘટીને 1,650 અને 1,400 ટન જેટલું થયેલું છે.
ગિરીશભાઈ પંડ્યા