વર્મા, શ્યામજી કૃષ્ણ

January, 2024

વર્મા, શ્યામજી કૃષ્ણ (જ. 4 ઑક્ટોબર 1857, માંડવી, જિ. કચ્છ; અ. 31 માર્ચ 1930, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : વિદેશમાં ભારતીય ક્રાંતિકારી ચળવળના આદ્ય સ્થાપક. શ્યામજી હિંદુ ભાનુશાળી (ભણશાળી) કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા મુંબઈમાં વેપારીની પેઢીમાં નોકરી કરીને જીવનનિર્વાહ ચલાવતા હતા. શ્યામજીએ પ્રાથમિક શાળાનો અભ્યાસ માંડવીમાં કર્યો. તેજસ્વી વિદ્યાર્થી હોવાથી ભાટિયા જ્ઞાતિના ધનિક શેઠ મથુરાદાસ લવજીએ તેમને મુંબઈ બોલાવી વિલ્સન હાઇસ્કૂલમાં દાખલ કર્યા. તે સાથે તેમણે સંસ્કૃત પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો અને સંસ્કૃતના વિદ્વાન બન્યા. તે દરમિયાન ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મોનિયર વિલિયમ્સ શ્યામજીના સંસ્કૃતના ભાષાના જ્ઞાનથી પ્રભાવિત થયા. નાશિકના ન્યાયાધીશ ગોપાળરાવ હરિ દેશમુખની ભલામણથી મોનિયર વિલિયમ્સે પોતાના મદદનીશ તરીકે 1877માં શ્યામજીને ઑક્સફર્ડ બોલાવ્યા.

શ્યામજી કૃષ્ણ વર્મા

શ્યામજી 1879માં ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં વિલિયમ્સના સંસ્કૃત ભાષાના મદદનીશ તરીકે કાર્ય કરવા સાથે ઑક્સફર્ડ યુનિવર્સિટીની બલિયોલ કૉલેજમાં તથા કાયદાના અભ્યાસ વાસ્તે ઇનર ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો.

પ્રોફે. વિલિયમ્સની મુંબઈના ગવર્નર રિચાર્ડ ટેમ્પલ પરની ભલામણથી, કચ્છ રાજ્ય તરફથી શ્યામજીને ત્રણ વર્ષ માટે વાર્ષિક 100 પાઉન્ડની શિષ્યવૃત્તિ મળી. તેઓ બલિયોલ કૉલેજમાંથી 1883માં ડિસ્ટિંકશન સાથે બી.એ. થયા. નવેમ્બર 1884માં તેઓ ઇનર ટેમ્પલમાંથી બૅરિસ્ટર થયા.

ભારત આવીને તેમણે મુંબઈ હાઇકૉર્ટના વકીલ તરીકે નોંધણી કરાવી. રતલામ રાજ્યના દીવાન ગોપાળરાવ દેશમુખ નિવૃત્ત થવાના હતા. તેમની ભલામણથી ત્યાંના રાજાએ શ્યામજીને દીવાન નીમ્યા. થોડાં વર્ષ બાદ 1888માં તે છોડીને અજમેરમાં વકીલાત કરી. ત્યારબાદ તેમણે ઉદયપુર અને પછી જૂનાગઢના દીવાનનો હોદ્દો સંભાળ્યો. 1897માં શ્યામજીએ ભારત છોડીને કાયમ માટે ઇંગ્લૅન્ડ જવાનું નક્કી કર્યું.

અગાઉ સ્વામી દયાનંદ સરસ્વતીથી શ્યામજી પ્રભાવિત થયા હતા અને ઉગ્ર રાષ્ટ્રવાદી બન્યા હતા. જૂનાગઢ રાજ્યના દીવાનપદ દરમિયાન થયેલી ખટપટથી તેમણે અંગ્રેજોમાંથી વિશ્ર્વાસ ગુમાવ્યો હતો. ટિળક જેવા વિદ્વાન નેતાને સજા થઈ હતી. 1897માં પુણેમાં થયેલા પ્લેગ-કમિશનર રૅન્ડના ખૂનમાં ચાફેકર ભાઈઓ સાથે શ્યામજી સંડોવાયા હોવાનો વહેમ હતો. આ બધા બનાવોના સમગ્ર ફળસ્વરૂપે શ્યામજી ભારત છોડીને ઇંગ્લૅન્ડ ચાલ્યા ગયા.

ઇંગ્લૅન્ડ જઈને શ્યામજીએ ભારતની સ્વતંત્રતાનો પ્રચાર કરવાનો ઇરાદો સેવ્યો. શ્યામજીએ અંગ્રેજ તત્વજ્ઞાની હર્બર્ટ સ્પેન્સરના ગ્રંથોનો અભ્યાસ કર્યો અને તેના અવસાન બાદ એક હજાર પાઉન્ડની સખાવત કરી, તેમાંથી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં હર્બર્ટ સ્પેન્સર સ્મારક વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી.

શ્યામજીએ સ્પેન્સરની સ્મૃતિમાં, ‘હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ્સ’ નામની રૂ. બે હજારની એક, એવી પાંચ મુસાફરી માટેની શિષ્યવૃત્તિઓ ભારતીય વિદ્યાર્થીઓને ઇંગ્લૅન્ડમાં અભ્યાસ કરીને સ્વતંત્ર ધંધો કરવાની યોગ્યતા કેળવવા માટે આપવાની જાહેરાત કરી. સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિમાં પણ એક વધારાની શિષ્યવૃત્તિ જાહેર કરી. તેની શરત એ હતી કે આ શિષ્યવૃત્તિ મેળવનારે, ભારત ગયા બાદ સરકારી નોકરી કરવી નહિ.

જાન્યુઆરી 1905માં તેમણે ‘ધી ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ નામનું માસિક શરૂ કર્યું. 18 ફેબ્રુઆરી 1905ના રોજ લંડનમાં આશરે વીસ ભારતીયોની હાજરીમાં તેમણે ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ની સ્થાપના કરી. તેના હેતુઓ હતા  (1) ભારત માટે સ્વરાજ મેળવવું, (2) તેની પ્રાપ્તિ માટે યુનાઇટેડ કિંગ્ડમમાં તેનો પ્રસાર કરવો અને (3) સ્વતંત્રતા તથા રાષ્ટ્રીય એકતાના લાભોના જ્ઞાનનું ભારતના લોકોમાં પ્રસારણ કરવું. શ્યામજી આ સંસ્થાના પ્રમુખ બન્યા.

શ્યામજીએ લંડનમાં હાઇગેટમાં આશરે પચીસ યુવાનો રહી શકે એવું મકાન, ભારતથી ઇંગ્લૅન્ડ જતા વિદ્યાર્થીઓને રહેવા માટે ખરીદ્યું. તેમાં ગ્રંથાલય, વ્યાખ્યાનખંડ, વાચનખંડ, વ્યાયામશાળા વગેરેની સુવિધા હતી. 1 જુલાઈ 1905ના રોજ દાદાભાઈ નવરોજી, મૅડમ કામા વગેરેની હાજરીમાં આ મકાન – ‘ઇન્ડિયા હાઉસ’ – ખુલ્લું મૂકવામાં આવ્યું. શ્યામજીએ તેમના મુખપત્ર વિશે જણાવ્યું કે, ‘‘……આ અખબાર દ્વારા ગ્રેટ બ્રિટન તથા આયર્લૅન્ડના લોકો સમક્ષ ભારતનો અને તેના કરોડો લોકોનો કેસ રજૂ કરવાની અમારી ફરજ અને વિશેષાધિકાર રહેશે.’’ તેમાં ભારતના રાજકીય લક્ષ્ય તરીકે અંગ્રેજોના અંકુશમાંથી સંપૂર્ણ મુક્તિની રજૂઆત કરવામાં આવી હતી. તે માટે તેમણે શાંત પ્રતિકાર કરવા જણાવ્યું; જેનો અર્થ અંગ્રેજોનો સંપૂર્ણ બહિષ્કાર થતો હતો. તેમણે પોતાના દેશવાસીઓને જણાવ્યું કે, ‘‘જો વીસ કરોડ હિંદીઓ અંગ્રેજોનો હુકમ ન માને, જો તેઓ લશ્કરમાં ભરતી ન થાય, કરવેરા ન ભરે, વિજેતાઓ દ્વારા અપાતા બદલાની લાલચ રાખે નહિ અને તેમને માટે ઘડેલા અંગ્રેજોના કાયદાનો અનાદર કરે તો દુનિયાના બધા અંગ્રેજો ભેગા મળીને પણ ભારતને ગુલામ રાખી શકે નહિ.’’ શ્યામજી હિંસામાં માનતા હોવા છતાં કહેતા કે તેનો અમલ કરવાની જરૂર ન હતી. મૅડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓ તેમના સાથીદાર હતા. રાણાએ ભારતીયો માટે ત્રણ શિષ્યવૃત્તિઓ જાહેર કરી. તેમાંથી પ્રેરણા મેળવીને શ્યામજીએ પણ છ લેક્ચરરશિપની જાહેરાત કરી; જેથી લેખકો, પત્રકારો વગેરે ભારતીયો યુરોપના દેશોની મુલાકાત લઈ, ભારતમાં સ્વતંત્રતાનો પ્રચાર કરે.

શ્યામજીની પ્રવૃત્તિનું પ્રથમ ફળ સ્કૉટલૅન્ડમાં ભણતા તેજસ્વી ભારતીય વિદ્યાર્થી પી. એન. બાપટ(પાછળથી સેનાપતિ બાપટ)ના જીવનપરિવર્તનમાં પરિણમ્યું. તેણે બાકીનું જીવન દેશને સમર્પિત કર્યું. શ્યામજીની શિષ્યવૃત્તિઓને કારણે તેમની પાસે વિનાયક દામોદર સાવરકર, મદનલાલ ધિંગરા, લાલા હરદયાળ વગેરે ક્રાંતિકારીઓનું જૂથ ‘ઇન્ડિયા હાઉસ’માં ભેગું થયું. શ્યામજીની લંડનની પ્રવૃત્તિઓ પર ત્યાંની પોલીસની ધોંસ વધી જવાથી જૂન 1907માં તેઓ પૅરિસ ગયા અને ત્યાં મુખ્ય મથક રાખ્યું.

ત્યાંથી બ્રિટિશ રાજ સામે તેમણે નીચેનો કાર્યક્રમ આપ્યો : ‘‘…બધી મુલકી અને લશ્કરી સેવાનો ભારતીયોએ બહિષ્કાર કરવો. ભારતમાં એક વ્યાપક હડતાળ પાડવી જોઈએ… શાળાઓ તથા કૉલેજોનો ભારતવાસીઓએ બહિષ્કાર કરવો જોઈએ… દીવાની કેસોમાં સરકારી અદાલતોમાં ન જવું, પરંતુ રાષ્ટ્રીય અદાલતોમાં કેસો લઈ જવા.’’

શ્યામજીના માસિકની નકલો મોટી સંખ્યામાં ભારત જતી અને દેશનાં વર્તમાનપત્રોમાં તેમાંથી અવતરણો પ્રસિદ્ધ કરવામાં આવતાં. શ્યામજીની શિષ્યવૃત્તિ મેળવીને ઇંગ્લૅન્ડ ગયેલા વી. ડી. સાવરકર ભારતની ક્રાંતિકારી ચળવળના તેજસ્વી નેતા તરીકે આગળ આવ્યા.

‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ના કેટલાક લેખોને ધ્યાનમાં લઈને ઇંગ્લૅન્ડના ન્યાયાધીશોએ એપ્રિલ 1909માં શ્યામજીને બૅરિસ્ટર તરીકે રદ કર્યા.

કૉંગ્રેસમાં મવાળ અને જહાલ જૂથ અલગ થયાં ત્યારે શ્યામજીએ જહાલ જૂથને ટેકો આપ્યો અને મવાળ જૂથને વખોડી કાઢ્યું. રાજદ્રોહી લેખો લખવા માટે ટિળકને છ વર્ષની કેદ થઈ તે ચુકાદાની તેમણે સખત શબ્દોમાં ટીકા કરી. 1908 અને 1909માં તેમણે ભારતમાં કેટલાક મિત્રોને કેટલીક રિવૉલ્વરો અને બૉમ્બ બનાવવાની રીતો દર્શાવતી પુસ્તિકા મોકલી હતી.

મદનલાલ ધિંગરાએ લંડનમાં બ્રિટિશ અધિકારી સર કર્ઝન વાઇલીની ગોળીબારથી હત્યા કરી, ત્યારે શ્યામજીએ તે માટેની કોઈ જવાબદારી સ્વીકારી નહિ. સાવરકરની ધરપકડ અને સજાએ પૅરિસમાં શ્યામજીની પ્રવૃત્તિને નરમ કરી દીધી. શ્યામજી ઇજિપ્ત, તુર્કી, ચીન વગેરે દેશોની ક્રાંતિકારી ચળવળોને ટેકો આપતા હતા; પરંતુ આંતરરાષ્ટ્રીય બનાવોના અભ્યાસ પરથી તેમને લાગ્યું કે યુદ્ધ અનિવાર્ય છે, ત્યારે વ્યક્તિગત સલામતી ખાતર 1914માં પૅરિસ છોડીને જિનીવા જતા રહ્યા. ભારતમાં ગાંધીજીએ અસહકારની ચળવળ ચલાવી ત્યારે શ્યામજીએ તેને ટેકો આપ્યો હતો.

ધિંગરાના કેસ પછી ભારતીય ક્રાંતિકારીઓએ શ્યામજીમાંથી વિશ્ર્વાસ ગુમાવ્યો. વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે શ્યામજી સાથેના સંબંધો તોડી નાખ્યા અને તેનાથી બ્રિટિશ વર્તમાનપત્રોમાં તેમને જાહેરમાં વિવાદ થયો. લાલા હરદયાળે ધિંગરાના કાર્યની પ્રશંસા કરીને તેને અમર શહીદ ગણાવ્યો; જ્યારે શ્યામજીએ ધિંગરાને અમાન્ય કરી તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવી નહિ. આ પરિવર્તનથી મૅડમ કામા અને એસ. આર. રાણા જેવા જૂના સાથીઓ શ્યામજીથી વિખૂટા પડી ગયા.

શ્યામજીના બદલાયેલા વર્તાવને કારણે તેમના ઉપર આક્ષેપો કરવામાં આવતા, જ્યારે મેક્સિમ ગૉર્કી જેવા રશિયન સાહિત્યકારે તેમને ‘ભારતના મેઝિની’ કહીને બિરદાવ્યા હતા.

શ્યામજીનો હેતુ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામને બળ મળે એવો પ્રચાર કરવાનો હતો. એવો પ્રચાર તેમણે સફળતાપૂર્વક અને વ્યાપક પ્રમાણમાં કર્યો હતો.

31 માર્ચ 1930ના રોજ જિનીવા મુકામે તેમનું અવસાન થયું. તેમનાં પત્ની ભાનુમતીએ જિનીવા યુનિવર્સિટીમાં સામાજિક વિષયનો મંજૂર થયેલો મહાનિબંધ દર વર્ષે પ્રગટ કરવા શ્યામજીની સ્મૃતિમાં દસ હજાર સ્વિસ ફ્રૅન્કનું દાન કર્યું. તેમણે જિનીવામાં ગરીબો તથા માંદાઓની સેવા માટે હૉસ્પિટલમાં દસ હજાર સ્વિસ ફ્રૅન્કની સખાવત કરી. તેમણે પૅરિસની સોરબૉન યુનિવર્સિટીમાં સંસ્કૃત તથા પૌરસ્ત્ય સંસ્કૃતિના અમૂલ્ય ગ્રંથો ભેટ આપ્યા. તેમણે પચાસ હજાર ફ્રૅન્કનું દાન કરીને, પૅરિસમાં એક છાત્રાલયમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે બે ઓરડા અનામત રખાવ્યા. શ્યામજીએ પોતાનું જીવન ભારતની સ્વતંત્રતાના પ્રચાર તથા ક્રાંતિકારોને ઉત્તેજન આપવામાં સમર્પી દીધું. તે સમયના કેટલાક ક્રાંતિકારોને તૈયાર કરનાર તેમના ‘ઇન્ડિયા હાઉસ’ અને દેશની સ્વતંત્રતા માટેના નિર્ભય પ્રચાર માટે શ્યામજી ચિરસ્મરણીય રહે એવું એમનું સમર્પણ છે.

જિનીવાથી વર્ષ 2003માં એમનાં અસ્થિ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત-ભારતમાં લઈ આવ્યા અને કચ્છના માંડવીમાં સ્મારક બનાવી ક્રાંતિ તિર્થનું નિર્માણ પણ કર્યું.

જયકુમાર ર. શુક્લ