વર્મા, બલરાજ

January, 2005

વર્મા, બલરાજ (જ. 10 જાન્યુઆરી 1932, પોસી, જિ. હોશિયારપુર, પંજાબ) : ઉર્દૂના લેખક. પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. થોડો વખત મુંબઈના ચલચિત્ર-જગતમાં કામગીરી કર્યા પછી 1945માં કેન્દ્ર સરકારની નોકરીમાં જોડાયા. 1981માં ઉપસચિવ તરીકે નિવૃત્ત. ત્યારબાદ 2 વર્ષ કેન્દ્રીય સંગીત નાટક અકાદમીમાં મદદનીશ સેક્રેટરી તથા ‘સંગીત નાટક’ નામક અંગ્રેજી ત્રૈમાસિકના સંપાદક તરીકે રહ્યા (1981-83). તે પછી ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટૉરિકલ રિસર્ચના સિનિયર ફેલો તરીકે સ્વાતંત્ર્ય પછીના ઉર્દૂ સાહિત્યનો ઇતિહાસ લખવામાં પ્રવૃત્ત થયા.

દિલ્હી અને ઉત્તર પ્રદેશની ઉર્દૂ અકાદમીના ઍવૉર્ડ તેમજ સાહિત્ય અકાદમી અનુવાદ પારિતોષિક (1994) (‘યરુઇંગમ’ના ઉર્દૂ અનુવાદ માટે) તેમને એનાયત થયાં હતાં. વળી તેઓ આઇ.સી.એચ.આર.ના સિનિયર ફેલો તરીકે પણ નિયુક્ત થયા હતા. (1983-85).

તેમનાં ઉર્દૂ પ્રકાશનોમાં ‘ઇલૂઝન’ (1981), ‘કબૂઝ’ (1983), ‘આગ, રાખ ઔર કુંદન’ તથા હિંદીમાં ‘સંકલ્પ’ એ તમામ વાર્તાસંગ્રહો, ‘દર્દ કે રિશ્તે’ (1983, નવલકથાનો અનુવાદ), ‘હિંદી કે નયે યક્બબી ડ્રામે’ (1986) એ નાટક તથા અંગ્રેજીમાં ‘અબ્દુલ હક’ એ મૉનોગ્રાફ મુખ્ય છે.

મહેશ ચોકસી