વર્મા, બજરંગ

January, 2005

વર્મા, બજરંગ (જ. 30 જૂન 1930, પટણા, બિહાર) : હિંદી લેખક. તેમણે બિહાર યુનિવર્સિટીમાંથી 1955માં એમ.એ. અને 1989માં ડી.લિટ. તથા 1964માં પટણા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ બિહાર સરકારના સંયુક્ત સચિવપદેથી સેવાનિવૃત્ત થયા. તેમણે બિહાર રાષ્ટ્રભાષા પરિષદના સિનિયર નાયબ નિયામક તરીકે ફરજ બજાવી હતી. તેમણે દક્ષિણ બિહારની ભાષાકીય મોજણી કરેલી. તેઓ ભારતમાં ભોજપુરી ફિલ્મ-ઉદ્યોગના પ્રવર્તક રહ્યા અને ‘લોકનાયક જયપ્રકાશ’; ‘મહાકવિ નિરાલા’ જેવાં દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કર્યું.

તેમણે હિંદીમાં 5 ગ્રંથો આપ્યા છે. તેમના નોંધપાત્ર ગ્રંથોમાં ‘પરિચયોં કી ભીડ મેં’ (1969, કાવ્યસંગ્રહ); ‘રુનઝુન નૂપુર બોલે’ (1964, બેલે); ‘ઉમાપતિ કે પ્રામાણિક પદ’ (1989, વિવેચનાત્મક અભ્યાસ સાથે ચૌદમી સદીની કાવ્યકૃતિ); ‘હિંદી સાહિત્ય ઔર બિહાર’ (4 ગ્રંથોમાં) (1960-84 સંશોધન); ‘અમેરિકા મેં હિંદી’ (1998, વિવેચનાત્મક નિબંધો) છે.

તેમને 1988માં વિક્રમશીલા હિંદી વિદ્યાપીઠ તરફથી ‘વિદ્યાસાગર’નો ઇલકાબ આપવામાં આવેલો.

બળદેવભાઈ કનીજિયા