વર્મા, નિર્મલ (જ. 3 એપ્રિલ 1929, સિમલા, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસ સાથે એમ.એ.. પ્રેગ ખાતેના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભાષાંતર-કાર્યક્રમનું આયોજન (1960-67). આઇવા ઇન્ટરનૅશનલ રાઇટિંગ પ્રોગ્રામ(1977)માં મુલાકાતી લેખક; ભોપાળ ખાતેની નિરાલા સૃજનપીઠ (1984) તથા સિમલા ખાતેની યશપાલ સૃજનપીઠ (1990) નામના વિદ્યા-આસન(chair)ની કામગીરી સંભાળી.
તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1985), સાધના સમ્માન (1994), લોહિયા, અતિ-વિશિષ્ટ પુરસ્કાર (1995), ન્યૂસ્ટૅડ ઍવૉર્ડ ઑવ્ વર્લ્ડ લિટરેચર (યુનિવર્સિટી ઑવ્ ઑક્લહૉમ) માટે નામાંકન (nomination), જ્ઞાનપીઠ મૂર્તિદેવી ઍવૉર્ડ (1997) જેવા પુરસ્કાર મળેલા છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ્ડ સ્ટડી(સિમલા)ના ફેલો પણ નિયુક્ત થયા હતા.
તેમનાં પ્રકાશનોમાં ‘વે દિન’ (1964), ‘લાલ તિન કી ચાટ’ (1974), ‘એક ચિથરા સુખ’ (1979), ‘રાત કા રિપૉર્ટર’ (1989) એ તમામ નવલકથાઓ; ‘પરિન્દે’ (1959), ‘બીચ બહસ મેં’ (1973), ‘કવ્વે ઔર કાલા પાની’ (1983) એ વાર્તાસંગ્રહો; ‘કલા કા જોખિમ’ (1981) અને ‘ભારત ઔર યુરોપ’ (1991) એ નિબંધસંગ્રહો; ‘ચીરોં પાર ચાંદની’ (1963) પ્રવાસકથા અને ‘તીન એકાંત’ (1976) એ નાટક મુખ્ય છે.
મહેશ ચોકસી