વર્મા, નવરુન (જ. 1 મે 1934, સમસેરનગર, સિલ્હટ, હાલ બાંગ્લાદેશ) : આસામી અને હિંદી લેખક. તેઓએ 1954માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.; 1960માં પારંગત (આગ્રા); 1973માં ‘રાષ્ટ્રભાષારત્ન’(વર્ધા)ની ડિગ્રી મેળવી. તેમણે પૂર્વોત્તર સાહિત્ય સંગમ, ગૌહત્તીના સેક્રેટરી પદે અને હિંદીમાં કટારલેખક તરીકે કામગીરી કરી હતી.
તેમની માતૃભાષા હિંદી હોવા છતાં આસામીમાં પણ તેમણે લેખન-કાર્ય કર્યું છે. તેમણે અત્યારસુધીમાં 26 ગ્રંથો આપ્યા છે. તેમાં નોંધપાત્ર છે : ‘માધવ કુંડલી રામાયણ’ (1969); ‘શંકરદેવ કીર્તન ઘોષ’ (1973, બંને પ્રતિલિપિ અને અનુવાદ); ‘જૉયમતી’ (1993, મહાકાવ્ય); ‘બાદલ છંટ ગયે’ (1966); ‘બંધન’ (1972); ‘અંધેરા ઉજાલા’ (1975); ‘અસમિયાં કહાની સંકલન’ (1989); ‘રંગમિલી કી મુસ્કાન’ (1996); ‘અસમિયાં એકાંકી સંકલન’ (1987). આ બધા આસામીમાંથી હિંદીમાં કરેલા અનુવાદ છે. ‘શર્બિઘ્ય અંધકાર’ (1994) તેમનો આસામી કાવ્યસંગ્રહ છે.
તેમના સાહિત્યવિષયક પ્રદાન બદલ તેમને પુરુષોત્તમ દાસ ટંડન પુરસ્કાર 1983માં; અનુશંસા પુરસ્કાર 1973માં; લોકપ્રિય ગોપીનાથ બારડોલાઈ ઍવૉર્ડ 1995માં પ્રાપ્ત થયા છે. તે ઉપરાંત ભુવન બાની ટ્રસ્ટ તરફથી ‘ભાષાસેતુ ચક્રવર્તી’; રંગાયન તરફથી ‘જ્યોતિપ્રસાદ સન્માન’ના ખિતાબ એનાયત કરવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા