વર્દી, ગ્વીસેપે ફોર્તુનિનો ફ્રાન્ચેસ્કો
January, 2005
વર્દી, ગ્વીસેપે ફોર્તુનિનો ફ્રાન્ચેસ્કો (જ. 10 ઑક્ટોબર 1813, લે રોન્ચોલે, ઇટાલી; અ. 27 જાન્યુઆરી 1901, મિલાન, ઇટાલી) : ઓગણીસમી સદીના ઇટાલિયન ઑપેરા સ્વરનિયોજકોમાં અગ્રણી સંગીતકાર.
પિતા કાર્લો ગ્વીસેપે શાકભાજીની દુકાન ચલાવતા. નાનપણથી જ વર્દીએ સંગીતની પ્રતિભાના ચમકારા પ્રદર્શિત કર્યા. ઍન્તોનિયો બારેત્ઝી નામના એક સંગીત-શોખીન વેપારીએ વર્દીના સંગીતશિક્ષણમાં રસ લેવો શરૂ કર્યો. અઢાર વરસના વર્દીને એણે પોતાને પૈસે મિલાન ખાતેની મિલાન કૉન્ઝર્વેટરીમાં સંગીતનું શિક્ષણ લેવા મોકલ્યો. ત્યાં એણે વિન્ચેન્ઝો લેવિન્યા નામના સંગીતકાર પાસે સંગીતની તાલીમ લીધી. શિક્ષણ પૂરું કરીને વર્દી 1834માં બુસેતો નગરમાં ગયો અને ત્યાં જ એણે જાહેર સંગીત-જલસાઓમાં સંચાલન(conducting)નું કામ શરૂ કર્યું. 1836માં તેણે આશ્રયદાતા બારેત્ઝીની પુત્રી માર્ગેરિતા સાથે લગ્ન કર્યું.
મિલાન ઑપેરા તરફથી આમંત્રણ મળતાં 1836માં વર્દી મિલાન ગયો અને ઑપેરા ‘ઓબેર્તો’ લખ્યો, જે ત્રણ વરસ પછી ભજવાયો અને સફળ થયો. એનો પછીનો ઑપેરા ઉન જિયૉર્નો દિન રેન્યો (કિંગ ફૉર એ ડે) 1840માં મિલાન ઑપેરા ખાતે ભજવાયો પણ નિષ્ફળ રહ્યો. તે કૉમિક (Buffa) ઑપેરા હતો. એ જ વર્ષે તેની પત્ની અને તેનું શિશુ અવસાન પામ્યાં. તે વિષાદગ્રસ્ત બન્યો. મિલાન ઑપેરા તરફથી આમંત્રણ મળતાં નેબુચેડ્રેઝાર બીજાની કથાને આધારે તેણે ‘નાબુકો’ (Nabucco) નામે ઑપેરા લખ્યો, જે 1842માં ભજવાયો. આ ઑપેરાથી વર્દી યુરોપભરમાં ખ્યાતનામ બન્યો. આ ઑપેરામાંની એક ગાયિકા ગ્વીસેપિના સ્ત્રેપોની સાથે વર્દીએ બીજાં લગ્ન કર્યાં. એણે વર્દીનાં ત્રણ સંતાનોને જન્મ આપ્યો.
વર્દીના પછીના ચાર ઑપેરાના વિષય દેશભક્તિ સાથે ગૂંથાયેલા છે : ‘આઇ લૉમ્બાર્ડી’ (ધ લૉમ્બાર્ડ્ઝ, 1843), ‘એર્નાની’ (વિક્ટર હ્યુગોના એ જ નામના નાટક પરથી, 1844), ‘આઇ દુએ ફૉસ્કારી’ (ધ ટુ ફૉસ્કારીઝ, 1844) તથા ‘જિયોવાના દાર્કો’ (જોન ઑવ્ આર્ક, 1845).
પછી શેક્સપિયરના આધારે વર્દીએ ઑપેરા ‘મૅકબેથ’ (1847) લખ્યો. વર્દીની લોકપ્રિયતા ઇટાલીની બહાર પણ વધતી ગઈ. 1846માં પૅરિસમાં વર્દીનો ઑપેરા ‘એર્નાની’ ભજવાયો. આ માટે વર્દી પૅરિસ ગયો. એ જ વર્ષે શીલરના કાવ્ય ડી રૉબર ઉપર આધારિત વર્દીનો નવો ઑપેરા ‘આઇ માસ્નાદીરિ’ (ધ રૉબર્સ) લંડનમાં ભજવાયો. આ પછી વર્દીએ જે ઑપેરા લખ્યા તેમને અપૂર્વ લોકપ્રિયતા સાંપડી : ‘રિગોલેતો’ અને ‘લા ત્રાવિઆતા’. ‘લા ત્રાવિઆતા’ ઍલેક્ઝાન્ડર દુમાની નવલકથા ‘લા દામે ’ઓ કામેલિયા’ (ધ લેડી ઑવ્ ધ કામેલિયાસ) પર આધારિત છે. એ પછીનો ઑપેરા વર્દીની નિષ્ફળતાનો સૂચક છે. ‘લેસ વે પ્રે સિસિલિને’ (ધ સિસિલિયન વેસ્પર્સ)માં વર્દીના અગાઉના ઑપેરાના શ્રેષ્ઠ ગુણો ગેરહાજર છે. તેમાં યુજીન સ્ક્રાઇબે તૈયાર કરેલો લિબ્રેતો (શબ્દરચના) ઢીલો છે, અને સૂરાવલિઓ નાટ્યોચિત ચોટ ઊભી કરી શકતી નથી. એ પછીના વર્દીના બે ઑપેરાઓમાં માનવપ્રકૃતિનાં સંકુલ પાસાંઓને વાદ્યવૃંદના ઉપયોગથી રજૂ કરવામાં સફળતા મળી છે : ‘સિમૉન બૉચાનેગ્રા’ તથા ‘ઉન બાલો ઇન્માસ્કેરા’.
1862માં લંડન ખાતે યોજાયેલા ‘લંડન એક્ઝિબિશન’ માટે વર્દીએ કવિ એરિગો બોઇતોએ લખેલી શબ્દરચનાને સંગીતમાં ગોઠવી કેન્ટાટા રચ્યો. એ જ વર્ષે એણે એક ઑપેરા ‘લા ફોર્ઝા દેલ દેસ્તિનો’ (ધ ફૉર્સ ઑવ્ ડેસ્ટિની) લખ્યો; જેની પ્રથમ ભજવણી રશિયામાં સેંટ પીટર્સબર્ગ શહેરમાં થઈ. પછીના વર્ષે એણે નવો ઑપેરા ‘ડૉન કાર્લોસ’ શીલરની આ જ નામની એક કરુણાંતિકા ઉપરથી લખ્યો, જે પૅરિસ ઑપેરા ખાતે પહેલી વાર ભજવવામાં આવ્યો.
1871માં સુએઝ કૅનાલના ઉદ્ઘાટન પ્રસંગે ભજવવા માટે નવો ઑપેરા ‘આઇદા’ લખ્યો.
1867માં મહાન ઇટાલિયન ઑપેરા સ્વરનિયોજક રોસિનીના અવસાન પ્રસંગે સમૂહ-શોકગીત (mass requiem) લખી આપવાની દરખાસ્ત કરી; પરંતુ અન્ય સંગીતકાર એન્જેલો મારિયેની સાથે ખટરાગ થતાં આ યોજના ખોરંભે પડી.
1873માં વર્દીએ તેની વાદ્યવૃંદ માટેની એકમાત્ર કૃતિ ‘સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ’ લખી. એ જ વર્ષે ઇટાલિયન દેશભક્ત કવિ એલેસાન્દ્રો મેન્ઝોની મૃત્યુ પામતાં તેને માટે વર્દીએ સામૂહિક શોકપ્રાર્થના (mass requiem) લખી. રોસિની માટે લખવા શરૂ કરેલા અને અધૂરા રહેલા શોકગીતના અંશો વર્દીએ આ નવી રચનામાં સમાવી લીધા.
1870થી યુરોપભરમાં વર્દીના ઑપેરાની ભજવણીઓ થવા માંડી. તેનાથી વર્દીની આવક પણ ખૂબ વધી. ઇટાલીમાં બુસેતો નગર નજીક મોટી જાગીર ખરીદી વર્દીએ ફાર્મ-હાઉસમાં રહેવું શરૂ કર્યું. પોતાના ઑપેરાનાં રિહર્સલોમાં તેણે જે કાળજી અને ચીવટ લીધેલાં તે જ કાળજી અને ચીવટથી તેણે ખેતીમાં રસ લીધો; પરંતુ વર્દીના પ્રકાશક તિતો રિકૉર્ડીને વર્દીએ સંગીતના ક્ષેત્રમાંથી લીધેલ સંન્યાસ પસંદ પડ્યો નહિ. તિતોએ એરિગો બેઇતો પાસે શેક્સપિયરના ‘ઓથેલો’ ઉપર લિબ્રેતો (નવો નાટ્યસંવાદ) લખાવ્યો અને વર્દીને આપ્યો. આકર્ષાયેલા વર્દીથી એ લિબ્રેતો પર નવો ઑપેરા ઓટેલો લખ્યા વિના રહેવાયું નહિ. ત્યારે વર્દીની ઉંમર 74 વર્ષની હતી. સમગ્ર યુરોપમાં ‘ઓટેલો’ ભજવાયો અને સફળ થયો. વર્દી પણ એ ઑપેરાની સાથે સાથે યુરોપભરમાં ફર્યો. પછી નાટક ‘ધ મેરી વાઇવ્ઝ ઑવ્ વિન્ડ્સર’ ઉપરથી બેઇતોએ કૉમિક ઑપેરા માટેનો લિબ્રેતો લખ્યો. ‘ફૉલ્સ્તાફ’ નામે ઓળખાયેલો આ ઑપેરા વર્દીએ તૈયાર કર્યો. વળી તે વર્દીનો એકમાત્ર સફળ કૉમિક ઑપેરા બની રહ્યો.
જીવનનાં છેલ્લાં વર્ષોમાં વર્દીએ દાંતેના ‘પેરેદાઈસો’ને ગાયકવૃંદ માટે બેસાડ્યું. આ વર્દીની છેલ્લી રચના છે.
1897માં વર્દીની પત્નીના મૃત્યુ પછી વર્દી ગમગીન અને નબળો બની ગયો. ચાર વર્ષ પછી તે પણ મૃત્યુ પામ્યો.
નાટક અને સંગીતનાં તત્વોનો સુમેળ સાધવા માટે તેને મળેલી સફળતાને કારણે વર્દીની તુલના તેના મહાન સમકાલીન જર્મન સંગીતકાર રિચાર્ડ વાગ્નર સાથે થાય છે. માનવચિત્તના ઊંડાણમાં પડેલી ભાવનાઓને સંગીત વડે નાટ્યાત્મક સ્વરૂપ આપવામાં તેને અનન્ય સફળતા મળી છે.
અમિતાભ મડિયા